More Labels

Jan 14, 2016

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-389

કર્મો ના ફળોની ઈચ્છા રાખ્યા વિના કેવળ લોક-સંગ્રહ (લોકોની સમૃદ્ધિ) કરવાની "શુદ્ધ તૃષ્ણા"થી જ વર્ણાશ્રમને અનુસરતાં કર્મો કરવામાં આવે-એ જીવનમુક્ત-પણું કહેવાય છે.
મનમાંથી સંકલ્પો નો ત્યાગ કરીને લોક સંગ્રહ (લોકોની સમૃદ્ધિ) કરવાના પ્રયોજન ને લીધે "બહારથી જ કર્મ કરવાની તૃષ્ણા" (અંદર થી નહિ) રાખવામાં આવે-એ જીવનમુક્તનું લક્ષણ છે.

સઘળા વિષયોમાં લંપટતા વિનાની (તૃષ્ણા) અને કેવળ લોકોમાં સમાધાન રાખવા માટે વ્યવહારમાં અનુસરવાની જે તૃષ્ણા હોય તે જીવન-મુક્ત નું અંગ છે તેમ સમજવું.એટલેકે-જે તૃષ્ણા રાખવામાં વિષયો ની પ્રાપ્તિમાં-હર્ષ,રાગ-દ્વેષ ઉત્પન્ન ના થાય તે તૃષ્ણા બંધન કરનારી નથી.

પણ "અમુક વસ્તુ મને મળે તો ઠીક" એવી મનમાં ભાવના-રૂપી જે તૃષ્ણા થાય છે,
તે તૃષ્ણાને સંસાર ની સાંકળ-રૂપી (તૃષ્ણા)  અને દુષ્ટ કલ્પના-રૂપી (તૃષ્ણા) સમજો.
અને આવી બંધન-રૂપી તૃષ્ણા-"મળી શકે તેવા અને ન મળી શકે તેવા પદાર્થો" માં પણ સર્વદા થાય છે.
તેને (તેવી તૃષ્ણાને) છોડી દઈને અત્યંત પ્રૌઢ થયેલો મોટા મન-વાળો પુરુષ જીવનમુક્તિના પદને પ્રાપ્ત થાય છે.

હે,રામ,તમે દેહની આશાને,મોક્ષની આશાને,સુખ-દુઃખની આશાને અને એવી બીજી નાની-મોટી આશાઓને ત્યજીને,તોફાન વિનાના સમુદ્રની જેમ સ્થિર થઈને રહો.
આત્મા જરા (વૃદ્ધાવસ્થા) અને મરણ થી રહિત છે,એવો નિશ્ચય કરીને-
તમે મન ને જરા-મરણની શંકાથી મેલું કરો નહિ.

આ જે દ્રશ્ય (જગતના) પદાર્થો છે-તેમને તમારો અને તમારો તેમની સાથે  સંબંધ નથી,કારણકે-
દ્રશ્ય પદાર્થો -રજ્જુમાં કલ્પાયેલા સર્પ ની જેમ તુચ્છ છે.અને તમે સર્વથી ન્યારા અસંગ પરમાત્મા છો.
અજ્ઞાનથી ઉતપન્ન થયેલું,જગત મિથ્યા છે,છતાં સાચા જેવું પ્રતીત થાય છે-પણ-
તેમાં તમે બ્રહ્મ-બુદ્ધિ રાખશો-તો પછી તૃષ્ણા રહેવાનો સંભવ જ નથી.

હે,રામ,બીજું પણ આ પ્રસંગ ને લગતું કહું છું તે તમે સાંભળો.
વિચાર કરનારા પુરુષના મનમાં નીચે પ્રમાણે "વિસ્તીર્ણ આકારવાળા" ચાર પ્રકારના નિશ્ચયો થાય છે.

(૧) "હું પગ થી માથા પર્યંત માતા-પિતાનો જ બનાવેલો છું" એવો જે નિશ્ચય થાય છે-તે પહેલો નિશ્ચય છે.
આ નિશ્ચય ખોટા વિચારથી થયેલો હોવાથી -પુરુષને બંધન જ આપે છે.
(૨) "દેહ-ઇન્દ્રિય આદિ સઘળા પદાર્થો થી હું ન્યારો છું અને સૂક્ષ્મ થી પણ સૂક્ષ્મ છું"-તે બીજો નિશ્ચય છે.
આ નિશ્ચય જીવના (આત્માના) સ્વરૂપ ને શુદ્ધ જણાવનારો હોવાથી મોક્ષ આપનારો છે.
(૩) "હું જ અનંત પદાર્થોથી ભરેલા જગત-રૂપ છું અને અવિનાશી છું" -તે ત્રીજો નિશ્ચય છે.
આ નિશ્ચય શરીરમાં આત્મા-પણાની ભ્રાંતિ ને છોડાવી તે "આત્માના વ્યાપક-પણા"ને સિદ્ધ કરનારો-
હોવાને લીધે-મોક્ષ આપનાર છે.
(૪) "આ દેહાદિક અને સઘળું જગત એ કંઈ છે જ નહિ પણ તેઓથી રહિત જે અખંડ સત્તા-રૂપી પરબ્રહ્મ છે-તે હું છું" એવો જે નિશ્ચય થાય છે તે ચોથો નિશ્ચય છે.આ નિશ્ચય સર્વ દૃશ્યોનો (જગતનો) બાધ કરીને
"પોતાના વાસ્તવિક-રૂપ"ને જણાવનારો હોવાથી-મોક્ષ ની સિદ્ધિ માટે જ છે.

હે,રામ,પહેલો નિશ્ચય,એ બંધન આપનારી તૃષ્ણા-વાળો છે,તેથી મલિન છે.
બાકીના ત્રણ નિશ્ચયો "શુદ્ધ- તૃષ્ણા" ના સંબંધ-વાળા છે,તેથી સ્વચ્છ છે-મોક્ષ આપનાર છે.અને
આ ત્રણ નિશ્ચયો જીવનમુક્ત પુરુષો માં જ હોય છે.
"જે સઘળું જગત છે તે જ હું છું" એવો ત્રીજા પ્રકારનો જે નિશ્ચય છે-તેનો સ્વીકાર કરવામાં આવ્યો હોય તો-
બુદ્ધિ કદી પણ ફરીવાર ઉદ્વેગ પામતી નથી.
આડે-ઉંચે-નીચે-બધે આત્મા નું જ સ્વરૂપ વ્યાપક છે-અને જે કંઈ છે-
તે આત્મા જ છે-એવો નિશ્ચય થાય તો બંધન થતું જ નથી.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE