Jan 31, 2016

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-406

મેં અજ્ઞાનરૂપી મદથી મત્ત થઈને પોતે જ પોતાને ખરાબ કર્યો અને લાંબામાં લાંબા કાળ સુધી અનર્થને--અર્થ-રૂપ સમજી ને સેવ્યો (ભોગવ્યો) એ મેં બહુ ભૂંડું કર્યું.
મેં મૂર્ખ બનીને તૃષ્ણા વડે આ ત્રૈલોક્યમાં માત્ર પશ્ચાતાપ ની જ વૃદ્ધિ થાય.એવું શું નથી કર્યું?
પણ,હવે આ ગઈ વાતની તુચ્છ ચિંતા કરવાનું કોઈ પ્રયોજન નથી.

હવે,વર્તમાનકાળના મોહને મટાડીને મનુષ્ય-જન્મ-પણું સફળ થાય તેવો ઉપાય ગોઠવવો જ યોગ્ય છે.અખંડ બ્રહ્મની એકતા પામીને રહેવાય તો ચારે બાજુ સુખનો જ પ્રાદુર્ભાવ થાય.
મારા અજ્ઞાનની શાંતિને માટે હવે હું કુળગુરુ શુક્રાચાર્ય ને જ -
"આ સંસાર શું છે ? જીવ કોણ છે ? જીવ પરબ્રહ્મ-રૂપે કેમ થાય?"
એવા પ્રકારના આત્મા ના અવલોકન વિષે પૂછું.સેવક-જન પર તરત જ પ્રસન્ન થનારા શુક્રાચાર્યનું
હું ચિંતવન કરું એટલે તે તરત પધારશે,અને પોતાની વાણીથી અનંત શક્તિવાળા આત્માનો ઉપદેશ કરશે,
એટલે હું પોતે તે અખંડ આત્મ-સ્વરૂપ  માં જ રહીશ.

(૨૬) ગુરુનું આગમન અને તેમનો સંક્ષિપ્ત ઉપદેશ.

વસિષ્ઠ કહે છે કે-હે,રામ,બલિરાજાએ એ પ્રમાણે વિચાર કર્યો,અને તેણે નેત્રો મીંચીને શુક્રાચાર્ય નું ધ્યાન કર્યું.
શુક્રાચાર્ય બ્રહ્મ-રૂપ હોવાથી સર્વવ્યાપક છે,તેમણે જાણ્યું કે-મારો શિષ્ય,પોતાના નગરમાં "તત્વ" ને જાણવા સારું,મારા દર્શન ની ઈચ્છા રાખે છે,એટલે પોતાના યોગ-સામર્થ્યથી તે,બલિરાજાની પાસે આવ્યા.

બલિરાજા,શુક્રાચાર્યના આગમનથી પ્રફુલ્લિત થયો અને તેમનો યથોચિત સત્કાર કરીને આસન આપ્યું.
અને પૂછ્યું કે-મહાન મોહને આપનારા ભોગો પર મને અરુચિ ઉત્પન્ન થઇ છે.
એટલા માટે હું એ મહાન મોહને હરણ કરનારા તત્વને જાણવા ઈચ્છું છું.
આ વિષયસુખ ની પરાકાષ્ઠા ક્યાં સુધી છે? વિષયસુખ કયા પદાર્થમય છે? હું કોણ છું? આપ કોણ છો?
અને સઘળા લોકો કોણ છે? આ વિશે મને આપ શીઘ્ર કહો.

શુક્રાચાર્ય કહે છે કે-હે,રાજા,મને આકાશમાર્ગ માં જવાની ઉતાવળ છે,અને આ વિષયમાં વધારે કહેવાનું કોઈ પ્રયોજન પણ નથી.માટે સંક્ષેપથી સઘળા પ્રશ્નો નો સાર હું કહું છું તે તમે સાંભળો.
"આ સઘળું જગત એ ચૈતન્ય નું જ દૃશ્ય છે,અને તેની સિદ્ધિ પણ ચૈતન્યને આધીન છે,
આથી વિષયસુખની પરાકાષ્ઠા -પણ ચૈતન્ય સુધી જ છે.
વિષયસુખ -એ ચૈતન્યમાં કલ્પિત હોવાને લીધે,ચૈતન્યમય જ છે.
તમે ચૈતન્ય છો,હું ચૈતન્ય છું અને સઘળા લોકો પણ ચૈતન્ય જ છે."

આ મેં તમને સઘળા પ્રશ્નો નો સંક્ષિપ્ત ઉત્તર કહ્યો.જો તમે વિવેકી હશો તો આટલા ઉત્તરમાંથી સઘળું સમજી જશો.
"ચૈતન્યમાં દૃશ્યો (જગત)ની "કલ્પના" થઇ છે તે જ બંધ (કે-બંધન) કહેવાય છે,
અને ચૈતન્યમાંથી તે કલ્પનાનું છૂટી જવું,એ જ મુક્તિ કહેવાય છે.
દૃશ્યો (જગત કે જગતના પદાર્થો) વગરનું જે ચૈતન્ય છે તે જ પૂર્ણ આત્મા છે."
એટલો જ આ સઘળા સિદ્ધાંતો નો સાર છે.આ નિશ્ચય ને સ્વીકારીને,જો તમે "અવલોકન" કરશો,
તો તમે "પોતાની મેળે જ પોતાથી" અનંત-પદ-રૂપ પરમાત્માને પ્રાપ્ત થશો.

હું હવે દેવ-લોકમાં જાઉં છું,ત્યાં સપ્તર્ષિઓ ભેગા થયા છે.અને મારે પણ દેવતાઓના કોઈ કામ માટે ત્યાં અવશ્ય જવું પડે તેમ છે.જ્યાં સુધી દેહ છે,ત્યાં સુધી,મુક્ત-બુદ્ધિ-વાળા પુરુષો ને પણ આવી ક્રિયાઓ કરવી પડે છે!!

વસિષ્ઠ કહે છે કે-શુક્રાચાર્ય સંક્ષિપ્ત માં એટલું બોલીને આકાશ-માર્ગે ચાલતા થયા અને ત્યાંથી અદૃશ્ય થયા.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE