Jan 30, 2016

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-405

"વિચાર" પ્રાપ્ત થવાથી "મહાવાક્ય ના અર્થ" નું જ્ઞાન થાય છે,
મહાવાક્યના અર્થનું જ્ઞાન થવાથી "સર્વ શ્રુતિઓનું તાત્પર્ય  અદ્વિતીય બ્રહ્મ માં જ છે" એવો "નિશ્ચય" થાય છે.
અને તે નિશ્ચય થયા બાદ,"મનન આદિ" ના અનુક્રમે-પરમપદ ની પ્રાપ્તિ થાય છે.
આમ,જયારે તું વિષયોમાંથી વિરામ (ભોગોમાં અરુચિ) પામીશ,ત્યારેજ "વિચાર" વડે પરમપદ ને પ્રાપ્ત થઈશ.

જો, તું  વિચારના બળથી અત્યંત પવિત્ર આત્મામાં સારી પેઠે વિશ્રાંતિ પામીશ,
તો તું ફરીવાર દુઃખો ભોગવવાને માટે કલ્પ્નારૂપ-કાદવમાં (સંસારમાં) પડીશ નહિ.
હું ધારું છું કે-તને વિષયો પર રુચિ રહી જ નથી,અને તે નહિ રહેવાથી તું શુદ્ધ પરબ્રહ્મરૂપ થયો છે.
હે,શુદ્ધ પરમાત્મા હું તને (દેહદૃષ્ટિ થી નહિ પણ આત્મદૃષ્ટિથી) પ્રણામ કરું છું.

હે,પુત્ર,તું સહુ પ્રથમ,દેશાચાર ને અનુસરીને ધનનું સંપાદન કર.કે જેમાં નિંદા થવાનો થોડો સંભવ છે.
પછી તું તે ધનથી બ્રહ્મવેત્તા પુરુષોનું માનપૂર્વક,અન્ન-વસ્ત્રાદિથી આરાધન કરી તેમને વશ કર.
પછી,તેમના સમાગમથી વિષય આદિનો તિરસ્કાર કરીને અને
વૈરાગ્ય આદિ સાધનોને મેળવીને,સારી પેઠે આત્મા નો વિચાર કર.
એ રીતે "આત્મ-વિચાર" ના "વૈભવ"થી તને અનાદિ-કાળથી ભુલાઈ ગયેલા સ્વ-સ્વરૂપની પ્રાપ્તિ થશે.

(૨૫) બલિરાજાના મનમાં વિવેકનો ઉદય અને ગુરુના સમાગમ ની ઈચ્છા

બલિ સ્વગત રીતે બોલે (કહે) છે -કે-ઉત્તમ વિચારવાળા મારા પિતાએ મને પહેલા જે કહ્યું હતું
તે મારા સ્મરણમાં આવ્યું,અને તેથી હું જાગ્રત થયો.એ બહુ સારું થયું.
આજ મને ભોગો ઉપર સ્પષ્ટ અરુચિ ઉત્પન્ન થઇ તે પણ સારું થયું.
હવે હું અમૃત જેવા શીતળ-શાંતિરૂપી-સ્વચ્છ સુખમાં પ્રવેશ કરું છું.

વારંવાર,આશાને પૂર્ણ કર્યા કરતો,અને વારંવાર પ્રાર્થના આદિથી સ્ત્રીને અનુકુળ રહ્યા કરતો -
એવો હું,આ વૈભવ-આદિની સંસારની સ્થિતિમાં હું બહુ પરિતાપ પામ્યો હતો.પણ,
અહો,પણ આ શીતળતાથી ભરેલી શાંતિ-રૂપી ભૂમિ બહુ રમણીય છે.અને શાંતિ પ્રાપ્ત થાય ત્યારે,સઘળી
સુખદુઃખની દૃષ્ટિઓ શાંત થઇ જાય છે.હું -હવે શાંતિમાં સ્થિરતા પામ્યો છું.તેથી મારા સઘળા સંતાપો ટળી ગયા છે.
હમણાં,હું સર્વોત્તમ સુખને વશ થયો છું અને અંદર પ્રફુલ્લિત થઇ જાઉં છું,

હાય,ભોગોની ઉત્કંઠાથી નાચ્યા કરતા મનના વેગથી,શરીર અત્યંત બળી જતું હતું,
અને મને નિરંતર ક્ષોભ થતો હતો.એ વૈભવ-પ્રાપ્તિ તો દુઃખ-રૂપ જ હતી,
સ્ત્રીના આલિંગનથી પ્રસન્ન થતો હતો તે તો કેવળ મોહનો વિલાસ જ હતો.
બીજા લોકો જેમનાં દૃષ્ટાંતો આપે એવા મોટામોટા વૈભવો મેં જોયા,જે રાજ્ય,ભોગવવા યોગ્ય-કહેવાય છે-
તે નિર્વિઘ્ન રીતે મેં ભોગવ્યું,અને પ્રતાપથી સઘળાં પ્રાણીઓને નમાવ્યાં,તો પણ મને અવિનાશી સુખ કયું મળ્યું?

પાતાળમાં,પૃથ્વીમાં અને સ્વર્ગમાં જ્યાં જોયું ત્યાં ચારે બાજુ એ ની એ જ વસ્તુઓ વારંવાર જોવામાં આવી,
પણ બીજું કોઈ નવા ચમત્કારવાળું જોવામાં આવ્યું નહિ.
હવે સઘળા વિષયોને ત્યજી દઈને તથા તેમની વાસનાઓને પણ બુદ્ધિથી દુર કરી નાખીને
પૂર્ણ તથા સ્વસ્થ થઈને રહ્યો છું.
પાતાળ,પૃથ્વી કે સ્વર્ગમાં જે કોઈ સ્ત્રી અને જે કોઈ રત્ન-આદિ પદાર્થો-કે જેને અજ્ઞાનીની દૃષ્ટિથી
સાર-રૂપ ગણવામાં આવે છે,તેમને પણ આ તુચ્છ કાળ તરત ગળી જાય છે.

હું આટલા સમય સુધી,જગતના વિષયોની તુચ્છ ઇચ્છાથી દેવતાઓની સાથે વેર કર્યા કરતો હતો,
માટે અત્યંત બાળક જેવો જ હતો.
આ જગત જ મોટી પીડારૂપ છે અને તે કેવળ મનની કલ્પના માત્રથી રચાયેલું છે.
તેનો ત્યાગ નહિ કરવાથી શો લાભ થવાનો છે? મહાત્મા પુરુષોને સંસાર પર રુચિ જ કેમ ઘટે?


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE