Mar 4, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-439

હે,રામ,પ્રારબ્ધ-કર્મ ભોગવવાનાં બાકી હોય તો,જીવનમુક્ત પુરુષો,પોતાની અંદર રહેલી "શુદ્ધ વાસના" ને લીધે,હજાર વર્ષો ના અંતે, પણ સમાધિમાંથી જાગ્રત થાય છે.અને એટલે આ આ રીતે પ્રહલાદ,પોતાની અંદર રહેલી શુદ્ધ-સાત્વિક વાસનાને લીધે વિષ્ણુ ના શંખ-નાદથી જાગ્રત થયો હતો.જો કે-શ્રવણ-ઇન્દ્રિય (કાન) લીન થવાને લીધે,શંખના શબ્દ નું ગ્રહણ થવાનો સંભવ નહોતો,તો પણ,વિષ્ણુ ના સંકલ્પ ને લીધે,તે પ્રમાણે થયું હતું.

વિષ્ણુ ભગવાન પોતે સત્ય-સંકલ્પ છે, માટે,તે જેમ ધારે તે પ્રમાણે -પ્રાણીઓ માટે તરત જ થાય છે.(આગળ આવી ગયું તેમ) એમનો સંકલ્પ જ સર્વ જગતના કારણ-રૂપ છે.વિષ્ણુ એ જયારે "પ્રહલાદ સમાધિમાંથી જાગ્રત થાઓ" એમ જયારે સંકલ્પ કર્યો-ત્યારે પળવારમાં જ પ્રહલાદની શુદ્ધ વાસના જાગ્રત થઇ અને ઇન્દ્રિય-આદિની સગવડ થઇ ગઈ.

શુદ્ધ આત્માએ જ -"માયા"થી અને "જીવોના અદ્રષ્ટો-રૂપ નિમિત્ત" થી-
પોતામાં જ -જગતની વૃદ્ધિ (અને પાલન) ને માટે-"વિષ્ણુ" નામના શરીરનું (દેવ-રૂપે) ગ્રહણ કર્યું.
અને એટલા માટે જ આત્મા નું અવલોકન કરવાથી,તરત જ વિષ્ણુ નું દર્શન થાય છે.(આત્મા જ વિષ્ણુ છે)
અને વિષ્ણુ નું આરાધન કરવાથી,તરત જ આત્મા નું અવલોકન થાય છે.(વિષ્ણુ એ આત્મા જ છે)

હે,રામ,તમે આ "વિચાર" ને જ દ્રઢ રાખીને આત્મા ના અવલોકનનો યત્ન કરો.
આ વિચાર કરવાથી તમને તરત જ અવિનાશી પદની પ્રાપ્તિ થશે.
જેમાં,"દુઃખો-રૂપી જળ"ની ધારાઓ નિરંતર પડ્યા કરે છે,એવી "સંસાર-રૂપી-લાંબી-વર્ષાઋતુ"માં,
"વિચાર-રૂપી-સૂર્ય" ને નહિ જોનારા લોકોને,તેમનું,અવિચારી-પણું, અત્યંત જડ (મૂર્ખ કે માંદા) કરી નાખે છે.

જેમ,ડાકણ,મંત્ર જાણનારને નડતર કરી શકતી નથી,તેમ,દેખવામાં આવતી આ પ્રબળ માયા (અવિદ્યા)
સર્વ ના આત્મા-રૂપી વિષ્ણુની કૃપા થી ધીર થયેલા પુરુષો ને નડતર કરી શકતી નથી.
જેમ,અગ્નિ ની જવાળા,વાયુના મંડળ ને લીધે જ ઘાટી થાય છે અને વાયુના મંડળને લીધે જ પાતળી થાય છે,તેમ,"સંસાર-જાળ ની રચના-રૂપી-માયા" -એ-
સર્વના આત્મા-રૂપી-વિષ્ણુ ની ઇચ્છાથી જ ઘાટી થાય છે-કે-પાતળી થાય છે.

(૪૩) જ્ઞાન મેળવવામાં પુરુષાર્થ જ મુખ્ય છે

રામ કહે છે કે-હે,મહારાજ,આપની વાણી થી મને આનંદ થાય છે,અને શ્રવણ ને માટે કાનમાં ગયેલાં,
આપનાં પવિત્ર અને કોમળ વચનો,ગ્રહણ થવાથી સુખ મળે છે.
આપ પહેલાં પણ કહી ગયા છો કે-સર્વત્ર,પોતાના પુરુષાર્થથી જ જ્ઞાન ની પ્રાપ્તિ થાય છે-
અને જો એ પ્રમાણે જ હોય તો-વિષ્ણુએ "તને વિચાર પ્રાપ્ત થાઓ"
એવો વર (વરદાન) આપ્યા વિના, પ્રહલાદને જ્ઞાન  કેમ પ્રાપ્ત ના થયું?

વસિષ્ઠ કહે છે કે-હે,રામ,મહાત્મા,પ્રહલાદે જે જે કંઈ મેળવ્યું તે પોતાના પુરુષાર્થથી જ મેળવ્યું હતું,
બીજ કશા થી મેળવ્યું નહોતું.જેમ,તલની અંદર રહેલું તેલ અને તલમાંથી બહાર કાઢેલું તેલ જુદું નથી,
તેમ,આત્મા અને વિષ્ણુ જુદા નથી.
જેમ,સુગંધ જ પુષ્પો ના સાર-રૂપ છે-તેમ,વિષ્ણુ જ સઘળા જીવોના સાર-રૂપ છે.
ઉપાધિઓ (માયાનો) ત્યાગ કરીને જોતાં,જે વિષ્ણુ છે તે જ આત્મા છે.અને જે આત્મા છે તે જ વિષ્ણુ છે.
જેમ,વૃક્ષ અને ઝાડ -એ પર્યાય શબ્દો છે તેમ,વિષ્ણુ અને આત્મા એ બે શબ્દો પરસ્પરના પર્યાય શબ્દો છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE