Mar 5, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-440

વસિષ્ઠ કહે છે કે-પ્રહલાદને પ્રહલાદ ના આત્માએ,પોતે-પોતાની મેળે જ-
પોતાની ઉત્તમ "શક્તિ"થી વિષ્ણુ ની "ભક્તિ"માં જોડ્યો હતો.
પ્રહલાદે વિષ્ણુ-રૂપ પોતાના આત્માની પ્રેરણા થી જ પોતાના મનને પોતાની મેળે,"વિચાર"માં જોડીને,પોતાનું સ્વ-રૂપ (જ્ઞાન) જાણ્યું હતું.

જેમની પાસેથી વરદાન મેળવ્યું તે વિષ્ણુ,પ્રહલાદના આત્મા થી જુદા ન હતા.
આત્મા-કોઈ સમયે,પોતાના પ્રયત્ન થી કરેલા વિચારના બળથી (શક્તિ થી) પોતાના સ્વ-રૂપ ને જાણે છે-
અને -કોઈ સમયે,ભક્તિ-રૂપ (શક્તિથી) પ્રયત્નથી વિષ્ણુ-રૂપ દેહને મેળવીને-તે દ્વારા-પોતાના સ્વરૂપને જાણે છે.વિષ્ણુ ને લાંબા કાળ સુધી આરાધવામાં આવ્યા હોય (એટલે કે-ભક્તિ કરી હોય) અને તે બહુ પ્રસન્ન થયા હોય,તો પણ "વિચાર" વિનાના પુરુષને તે "જ્ઞાન" આપી શકતા નથી.
(નોંધ-અહી આગળ આવી ગયેલી કથા મુજબ,બલિરાજા વિચારથી જ્ઞાનને પ્રાપ્ત થયો હતો,ત્યારે ,અહી,
પ્રહલાદ,ભક્તિ અને વિચાર થી જ્ઞાનને પ્રાપ્ત થયો છે-તેમ બતાવવામાં આવ્યું છે)

હે,રામ,પોતાના પુરુષ-પ્રયત્ન થી ઉત્પન્ન થયેલો "વિચાર" આત્માના અવલોકનમાં મુખ્ય ઉપાય-રૂપ છે,
અને જે,વરદાન આદિ છે તે,આત્માના અવલોકનમાં ગૌણ-ઉપાય-રૂપ છે.
એટલા માટે તમે, મુખ્ય ઉપાય (વિચાર) કરવામાં જ તત્પર રહો.
આમ,આત્મા ના અવલોકન માં વિચાર -એ જ મુખ્ય ઉપાય છે,એટલા માટે,
પ્રથમ બળાત્કારથી સઘળી ઇન્દ્રિયો નો નિગ્રહ કરીને,
સર્વ પ્રકારના યત્નથી અભ્યાસમાં લાગીને,ચિત્ત(મન) ને "વિચાર-વાળું" કરો.

જે કોઈ પુરુષ,જે કોઈ સ્થળમાં,જે જે કંઈ મેળવે છે,તે સઘળું તે પુરુષને પોતાના પ્રયત્નથી થયેલા શુભ
આચરણથી જ મળે છે,બીજે ક્યાંય,બીજું કશું- બીજા કશાથી મળે તેમ નથી.
પુરુષના યત્ન વિના જ,જો વિષ્ણુ તેનો ઉદ્ધાર કરતા હોય તો-
એ વિષ્ણુ બીજા પ્રાણીઓ નો (પશુઓ-વગેરેનો) શા માટે ઉદ્ધાર કરતા નથી?
પરમ પુરુષાર્થ-રૂપી આત્મજ્ઞાન કંઈ,વિષ્ણુથી,ગુરૂથી કે ધનથી મળતું નથી.
જે કંઈ આત્મજ્ઞાન મળે છે તે-પોતાના યત્ન વડે પોતાના મનને દબાવવાથી જ મળે છે.
એટલે કે,જે આત્મજ્ઞાન છે તે-પોતાના આત્માથી જ મળે છે તેમ સમજો.

તમે પોતાનું જ આરાધન કરો,પોતાનું જ પૂજન કરો,અને પોતાથી પોતાનું જ અવલોકન કરી અને
પોતાનામાં જ રહો.વેદાંત.અને શાસ્ત્રો વગેરેમાં- ઇન્દ્રિય-નિગ્રહ -વગેરે પ્રયત્નકરવાના તથા
વિચારોથી  દૂર નાસનારા લોકો ને સારા માર્ગે લઇ જવા જ વિષ્ણુ ની ભક્તિ "કલ્પેલી" છે.
અભ્યાસ કરવો અને યત્ન કર્યા કરવો,એ જ આત્માના અવલોકન નો મુખ્ય ઉપાય કહેવામાં આવે છે.
અને જો આ મુખ્ય ઉપાય ના બની શકે તો જ વિષ્ણુ (કે ઇષ્ટ-દેવ) ના પૂજન-રૂપ (ગૌણ) ઉપાય પકડવો.

જો ઇન્દ્રિયો નો નિગ્રહ થઇ ગયો હોય તો,તો પછી પૂજનથી વળી કયું ફળ મળવાનું છે?
અને જો,ઇન્દ્રિયો નો નિગ્રહ ના થાય તો પણ,માત્ર પૂજનથી -પણ,કયું ફળ મળવાનું છે? (કશું જ નહિ)
વિચાર અને ઉપશમ વિના પૂર્ણાનંદ આત્મા પ્રાપ્ત થતો નથી. અને જેને વિચાર કે ઉપશમ ના હોય,તેનું ઈશ્વરથી પણ હિત કરી શકાતું નથી.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE