More Labels

Mar 6, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-441

હે,રામ, તમે,વિચાર તથા ઉપશમથી યુક્ત રહીને પોતાન ચિત્તનું જ આરાધન કરો.
જો ચિત્ત નિર્મળ થયું હોય તો-તમે નિર્મળ દશા-વાળા છો,અને જો ચિત્ત નિર્મળ ના થયું હોય તો,તમે જંગલી પશુ જેવી દશા-વાળા છો.
જેમ,વિષ્ણુ-આદિ,દેવતાઓ ની નમ્રતાપૂર્વક પ્રાર્થના કરવામાં આવે છે તેવી,પોતાના ચિત્તની જ નમ્રતાપૂર્વક પ્રાર્થના શા માટે કરવામાં આવતી નથી? સર્વ લોકો ની અંદર રહેલો જે આત્મા છે તે જ વિષ્ણુ છે,માટે તેને છોડી દઈને જેઓ બહારના વિષ્ણુ માટે દોડે છે-તેઓ અધમ મનુષ્યો જ કહેવાય છે,

હૃદય-ગુફામાં રહેનાર જે  ચૈતન્ય-તત્વ છે તે જ,વિષ્ણુ નું અનાદિ-સિદ્ધ મુખ્ય સ્વ-રૂપ છે.અને,
હાથમાં શંખ-ચક્ર-ગદાને ધારણ કરનાર જે આકાર છે,તે તો વિષ્ણુ નું ગૌણ (માયાના ગુણો થી કલ્પાયેલું)
સ્વ-રૂપ છે.જે પુરુષો (વિચાર-ઉપશમ વગેરે) મુખ્યનો ત્યાગ કરીને ગૌણને અનુસરે છે,
તે પુરુષ,અમૃત નો ત્યાગ કરીને દાળ રાંધવા બેસે છે,એમ સમજવું.

હે,રામ,પ્રમત્ત (ભ્રમિત) ચિત્ત-વાળો,આત્મવિવેક ને પ્રાપ્ત નહિ થયેલો,અને મુર્ખ ચિત્તથી વશ થયેલો-
જે પુરુષ,આત્મ-તત્વના ચમત્કારમાં સ્થિતિ નહિ પામતાં-માત્ર- વિષ્ણુ (કે ઇષ્ટદેવતા) નું જ પૂજન કર્યા કરે છે-તેનું ચિત્ત "વૈરાગ્યને આપનારા-પૂજન-રૂપ-તીવ્ર-તપ"થી કોઈ લાંબા કાળે નિર્મળ થાય છે.
જેમ, નાનો આંબો-ધીરે ધીરે મોટા આંબા-પણાને પ્રાપ્ત થાય (ત્યારે ફળ આવે) છે.
તેમ,પૂજન ને માર્ગે ચડેલું ચિત્ત ધીરે ધીરે નિર્મળ-પણાને (લાંબે કાળે) પ્રાપ્ત થાય છે.પણ,
બ્રહ્મ-વિદ્યા ના નિરંતર અભ્યાસથી અને વિવેકથી તો ચિત્ત તરત જ નિર્મળ થાય છે.

હે,રામ,વિષ્ણુનું પૂજન કરવા-રૂપી નિમિત્તથી,જે ફળ શાસ્ત્રોમાં કહ્યું છે,તે ફળ પણ બીજા કશાથી (કે કોઇથી) નહિ,પણ પોતાના સંકલ્પ થી જ મળે છે.ભક્ત ને અપાર તેજ-વાળા વિષ્ણુ પાસથી જે વરદાન મળે છે,
તે વરદાન પણ પોતાના "પૂજનના અભ્યાસ-રૂપ-ઝાડ"નું જ ફળ મળે છે-એમ સમજવું.
જેમ,પૃથ્વી જ ધાન્યોની શોભાઓનું ઉત્પત્તિ-સ્થાન છે,તેમ,પોતાના મન નો નિગ્રહ જ-
લાંબા કાળ સુધી ભોગવવામાં આવે તેવી સંપત્તિઓનું તથા બીજી પણ સઘળી ઉત્તમ સ્થિતિઓનું ઉત્પત્તિસ્થાન છે.

જે,પુરુષ સઘળી પૃથ્વીને ખોદી નાખવાનો મનોરથ સેવતો હોય,કે પર્વત ને ઉથલાવી નાખવા તૈયાર થયો હોય,તેને પણ તે કાર્યો સિદ્ધ કરવા માટે પોતાના મનનો નિગ્રહ કર્યા સિવાયનો બીજો કોઈ ઉપાય નથી.
એટલે કે-મન ની એકાગ્રતા વિના મોટાં કાર્યો કદી સિદ્ધ થાય નહિ.
જ્યાં સુધી મન-રૂપી-છકેલો-મહાસાગર શાંત થાય નહિ,
ત્યાં સુધી,જગતમાં માણસો હજારો યોનિઓમાં ભમ્યા કરે છે.

બ્રહ્મા-વિષ્ણુ-રુદ્ર-ઇન્દ્ર-વગેરે દેવતાઓ લાંબા કાળ સુધી,પૂજન-વગેરે થી આરાધવામાં આવે,તોપણ,
અને,જો કે તેઓ (દેવો) બહુ દયા-વાળા છે -છતાં પણ,મનના રોગ-રૂપી-મોટા ઉપદ્રવમાંથી બચાવી શકતા નથી.મન નો રોગ તો પોતાના પ્રયત્ન થી જ મટે.

આ વિષયો,કે જેઓ દેખાવ-માત્ર જ છે,તેઓને તમે બહારથી તથા મનમાંથી ત્યજી દઈને,
પુનર્જન્મના નાશને માટે,તરત જ નિર્વિકાર ચૈતન્ય-માત્ર નું અખંડ "ચિંતન" કરો.
"સત્તા-માત્ર-ચૈતન્ય" કે જે બહારના અને અંદરના વિષયોથી રહિત છે,નિર્દોષ-અખંડ-જ્ઞાન-રૂપે સ્ફુરે છે,
સઘળાં રૂપોની કલ્પનાઓના અધિષ્ઠાન-રૂપ છે,અને સર્વના સાર-રૂપ છે-
તેનો જ તમે તદાકાર વૃત્તિ થી સ્વાદ લો.એમ કરવાથી જ તમે જન્મ-રૂપી-નદીના પાર ને પ્રાપ્ત થશો.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE