More Labels

May 28, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-515

હે ઇન્દ્રિયો,આત્માની સ્વતંત્ર સત્તા-માત્રથી,તમારી પરસ્પર પ્રવૃત્તિઓ-ધામધૂમથી ચાલ્યા કરે છે.
હે,ચિત્ત,તું તારી વૃત્તિઓ-રૂપી-સ્ત્રીઓને બહાર ભટકાવનારૂ છે,દેહને આત્મા માનનારું હોવાને લીધે,ચાર્વાર્ક (સુંદર વાણી) જેવું છે.અને પેટને ભરવાને અર્થે સઘળી દિશાઓમાં ફરનારું હોવાથી,ભિખારી જેવું છે.

(નોંધ-ચાર્વાર્ક નામના એક મહા-નાસ્તિકનો એવો મત ફેલાયેલો હતો કે-જે નરી આંખે દેખાય છે તે જ સાચું છે.અને નરી આંખે,દેહ દેખાય છે,માટે દેહ જ આત્મા છે.અને પરલોક કે પુનર્જન્મ જેવું કંઈ નથી.અત્યારે પણ જાણ્યે અજાણ્યે પણ જગતનો મોટો ભાગ આ ચાર્વાક મતને જ અનુસરે છે -
કારણકે દેખીતી રીતે તે મીઠો -સુંદર  લાગે તેવો છે-એટલે ચાર્વાક -કે સુંદર વાણી-એ એ મતનો સિદ્ધાંત છે)

હે જગતને ઉત્પન્ન કરનારા ચિત્ત,હવે કૂતરાની જેમ તારું ભટકવું  કે જે કેવળ અનર્થ માટે જ છે,તેને ત્યજી દે.
"હું ચૈતન્ય છું" એવી તને જે ભ્રાંતિ છે-તેવ્યર્થ છે અને ખોટી જ છે.
હે શઠ  ચિત્ત,ચૈતન્ય અને તું કે જેઓ પરસ્પરથી વિરુદ્ધ છો,તેઓની એકતા હોવી સંભવે જ નહિ.
"હું પરમાત્માની સત્તા વિના સ્વતંત્ર સત્તાથી જીવું છું" એવા પ્રકારની અહંકારને કારણે તને જે દુર્મતિ થઇ છે-
તે સાચી નથી.પણ ખોટી જ છે.અને કેવળ દુઃખને માટે જ થઇ છે.
તારા "અભિમાન" નામના પરિણામ નો ઉદય થતાં,"આ દેહ હું છું" એવી તને જે આસક્તિ થાય છે,
તેનો ત્યાગ કર.

હે મૂર્ખ  ચિત્ત,તું કોઈ વસ્તુ જ નથી,તે છતાં અમથું-અમથું શા માટે ચપળતા કરે છે?
આદિથી તથા અંતથી રહિત જે "અનુભવ" છે તે ચૈતન્ય વિના બીજું કશું નથી,તે છતાં,"ચિત્ત" એ નામ ધરાવી
રહેનારું તું કોણ છે? હે ચિત્ત, ભોગના સમયમાં અમૃત જેવી લાગતી અને પરિણામે ઝેરી ફળને આપનારી,
જે કર્તા પણા ની અને ભોક્તા પણા ની જે ભ્રાંતિ છે-તે વૃથા જ છે.
હે મુર્ખ  ચિત્ત,ઇન્દ્રિયોનો આશ્રય કરીને-તું ઉપહાસ ના પાત્ર થા નહિ.તું કર્તા પણ નથી અને ભોક્તા પણ નથી.તું તો કેવળ નિશ્ચેટ જ છે,અને બીજાની આપેલી સત્તાથી જાગ્રત થાય છે.

ભોગોને તું શું થાય છે? અને ભોગો તારે શું થાય છે? તું જડ છે-તેથી મુદ્દલ તારું સ્વરૂપ જ નથી,
ત્યારે તારા બંધુ-કે મિત્ર-આદિ  તો ક્યાંથી જ હોય?
જે પદાર્થ જડ  હોય છે-તેની-પોતાની સત્તાથી નહિ હોવા છતાં પોતાની ખોટી સત્તા ભોગવતો હોય છે.
માટે ખોટો જ હોય છે.તું કે જડ  છે,તેમાં સમજનાર,કર્તા,ભોક્તા,અને પૂર્વા પરનું અનુસંધાન રાખનાર-
વગેરે ભાવ-ચૈતન્યની સત્તા વગર ઘટતા જ નથી.

તું જો જીવ-રૂપ હોય તો-જે આત્મા છે તે જ તારું સ્વરૂપ છે.માટે તારે નિર્વિકલ્પ-પણે  જ રહેવું જોઈએ,
કેમકે,અનેક-વિકલ્પોથી ભરેલી અને દુઃખ દેનારી,તારી આવી સ્થિતિ ઘટતી જ નથી.
કર્તા-પણું અને ભોક્તા પણું કે જેને તેં  પોતામાં મિથ્યા જ માની લીધેલાં  છે,
તેમને ધીરે ધીરે યુક્તિથી હું ભૂંસી નાખું છું.તે યુક્તિ તું સાંભળ.

તું પોતે જડ છે,તો પછી તારે કર્તા-પણું કેવું? "શિલાઓ નાચે છે" એ વાત કેમ કરી સંભવે?
માટે તું એમ સ્વીકાર કર કે-"મારામાં જે શુદ્ધ પરમાત્માનો પ્રતિબિંબ-રૂપ ભાગ છે,
તેની સત્તાથી જ મારું સઘળું જીવન છે"  

હે ચિત્ત,તું જીવે છે,ઈચ્છે છે,હણે છે,.જાય છે,નાચે છે-એ સઘળું વૃથા જ છે.કેમકે એમાંથી કોઈ પણ ક્રિયા,તારી પોતાની શક્તિથી થતી નથી-પણ-આત્માની શક્તિથી જ થાય છે.માટે એ ક્રિયાઓ તારી કરેલી કહેવાય નહિ-પણ આત્માની શક્તિથી જ કરેલી કહેવાય.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE