May 29, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-516

જે કામ જેની શક્તિથી કરવામાં આવે-તે કામ તેણે જ કરેલું કહેવાય..
જેમ કે-દાતરડું પુરુષની શક્તિથી ઘાસ કાપે છે,માટે પુરુષ જ કાપનાર કહેવાય-દાતરડું નહિ.

હે ચિત્ત,તું સ્વભાવથી જ અત્યંત જડ છે,અને તને જે ચેતન મળે છે,તે સર્વજ્ઞ આત્માથી જ મળે છે.માટે,આત્મા પોતે જ પોતાને સર્વ પદાર્થ-રૂપે ગોઠવે છે-એમ સિદ્ધ થાય છે.
એટલે તારામાં કર્તા-પણું પ્રાપ્ત થતું જ નથી.મહા-સમર્થ આત્મા જ તને સર્વદા જાગ્રત કરે છે.
આ સંસારમાં કેવળ બોધ-રૂપ આત્મ-સત્તા જ સ્ફુરે છે,અને તેની સત્તાથી જ તું "ચિત્ત" એ શબ્દને તથા તેના અર્થને ધારણ કરી રહ્યું છે.

આ પ્રમાણે તું,આત્માની શક્તિ-રૂપ-અજ્ઞાનમાંથી આવેલું છે-એમ સિદ્ધ થાય છે.
માટે જો જ્ઞાન પ્રાપ્ત થાય તો-જેમ સખ્ત તડકામાં હિમ પીગળી જાય છે-તેમ તું પીગળી ગયા વિના રહે જ નહિ.

હે ચિત્ત,તું જ્ઞાનથી પીગળી જાય એમ છે-એટલા માટે તું મુએલું જ છે,નિશ્ચેટ છે
અને વાસ્તવિક રીતે જોતાં તું મુદ્દલે છે જ નહિ.તેથી તારે "હું આત્મા છું"
એવી દુઃખ આપનારી આસક્તિ રાખવી નહિ.
હે ચિત્ત,તારી કરેલી સઘળી કલ્પનાઓ -મિથ્યા જ છે.કેમકે અખંડ અનુભવ-રૂપ બ્રહ્મ જ સર્વ જગત-રૂપે સ્ફુરે છે.
બ્રહ્મ ની "ચૈતન્ય-શક્તિ" ના મિશ્રણ-વાળી "માયા-શક્તિ" જ મનુષ્યો-રૂપે,દેવતાઓ-રૂપે અને બ્રહ્માંડો-રૂપે
ગોઠવાયેલી છે.આ જગત આત્માના સ્ફૂરણો વિના બીજું કંઈ નથી.

હે મૂઢ ચિત્ત,તું જો પોતાને ચૈતન્યમય સમજતું હોય તો તું કદી પણ એ પરમ-પદથી જુદું નથી,
તો હવે કોના માટે ચિંતા કરે છે? તું પણ નથી અને દેહ પણ નથી,
જે કંઈ છે તે સ્વયંપ્રકાશ અને વ્યાપક બ્રહ્મ જ છે.
અવિચલ આત્મામાં "હું અને તું" વગેરે કેવળ આભાસો જ સ્ફૂર્યા કરે છે,માટે કોને શી પીડા છે?
કોઈને કંઈ પીડા નથી.તું જો આત્મા હોય તો સર્વ-વ્યાપક આત્મા એક જ છે,બીજો કોઈ નથી.
માટે તું (ચિત્ત) આત્માની પ્રાપ્તિ માટે નિશ્ચિંત રહે.

"આ શરીર હું છું અને આ સ્ત્રી,પુત્ર,ધન મારાં છે"એવી નકામી આસક્તિ તું શા માટે રાખે છે?
જો સસલાંના શિંગડાંથી  કોઈ માર્યો જતો હોય -તો જ મિથ્યા પદાર્થોની આસક્તિથી લાભ થવો સંભવે.
હે શઠ ચિત્ત,જેમ દિવસમાં છાયા અને તડકા સિવાય -ત્રીજો  કોઈ ભાગ જ નથી,
તેમ,જગતમાં ચૈતન્ય અને જડ સિવાય ત્રીજો કોઈ ભાગ જ નથી.

હે ચિત્ત,કેવળ ચૈતન્ય ના અવલોકન થી તારી જડતાનો અને તારી અંદર રહેલા,ચિદાભાસનો નાશ થતાં.
જે કેવળ અનુભવ-માત્ર અખંડ ચૈતન્ય અવશેષ રહે છે,તે જ તું  છે.
હે મૂઢ,આમ હોવાને લીધે,તને કર્તાપણું કે ભોક્તાપણું કંઈ પણ નથી.તું તો પરબ્રહ્મ જ છે.
એટલા માટે મૂર્ખપણા ને છોડી દઈને ધીરજવાળું થા.

જો કે તું આ રીતે આત્મા-રૂપ જ છે,તો પણ "આત્મા ચિત્ત-રૂપ સાધનથી પોતાના સ્વરૂપ નો સાક્ષાત્કાર કરે છે"એમ જે કહેવામાં આવે છે-તે તો કેવળ ઉપદેશનાં વાક્યોની જમાવટને માટે જ કહેવામાં આવે છે.

જો તું એમ ધારતું હોય કે "હું આત્માને પ્રાપ્ત કરવાનું એક જાતનું સાધન છું" તો-તારામાં તો આપમેળે ગતિ કરવાની શક્તિ પણ નથી-તો તેમ કેમ સંભવે? માટે તારું કર્તાપણાનું અભિમાન વૃથા જ છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE