May 31, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-518

હે ચિત્ત,તને સમાધિમાં જ સુખ થાય એમ છે પણ તને સંકલ્પો કરવામાં સુખ નથી-કારણકે-
જેમ,ધોધ નું પાણી પથરાઓમાં પડતા ફેલાઈ જવા જેવું થઇ જાય છે,તેમ, અખંડ અનુભવ,સંકલ્પો ને લીધે,દેહ તથા ઇન્દ્રિયો આદિમાં પડતાં ફેલાઈ ગયેલા જેવો થઇ જાય છે-કે જે  મોટું દુઃખ છે.

હે ચિત્ત,તું જો એમ ધારતું હોય કે "હું સંકલ્પો કરતું નથી,પણ આત્મા કર્તાપણા-રૂપ સ્વભાવને લીધે સંકલ્પો
કરે છે" તો એ પણ તારી ભૂલ છે.આત્મા કે જે કલ્પના-રૂપી કાદવ થી રહિત છે અને પ્રકાશીને કલ્પનાઓનો
નાશ કરનારો છે-તેને વળી કર્તાપણું કેવું? તેં કલ્પેલા અનેક ભેદ-રૂપે આત્મા,કેવળ સ્ફુરે જ છે,
પણ તે (આત્મા) પોતે તો કોઈ ભેદની કલ્પના કરતો નથી.

જેમ સમુદ્રમાં ધગધગતો અંગારો હોવો સંભવતો નથી-તેમ, સર્વાત્મક અને સ્વયંપ્રકાશથી સ્ફૂરતા,
આ ચૈતન્ય માં દ્વૈત હોવું સંભવતું જ નથી.
હે ચિત્ત,આત્મા કલ્પનાઓથી રહિત છે અને તું જડ હોવાને લીધે કલ્પના કરી શકે તેમ નથી-
માટે કલ્પના જ સિદ્ધ નહિ થવાને લીધે-વિષયોથી રહિત એક અનુભવ જ સાચો છે.બીજું કંઈ પણ નહિ
એમ સિદ્ધ થાય છે.જેમ આકાશમાં વન નથી-તેમ,અખંડ અનુભવ-રૂપ આત્મામાં આ "જુદું છે-જુદું નથી,
શુભ છે કે -અશુભ છે" એવી કોઈ મિથ્યા કલ્પના છે જ નહિ.

હે ચિત્ત,તેં નિર્મળ થઈને આત્માને સઘળા પદાર્થોના તત્વ-રૂપ,અખંડ અનુભવ-રૂપે રહેલો અને સઘળી દિશાઓમાં અત્યંત ભરપૂર-પણાથી જાણ્યો-એટલા માટે મારાં સુખ-દુઃખો ક્ષીણ થઇ ગયાં છે.
એટલે-મને જે સુખ-દુઃખોના દેખાવો હતા તે તો માત્ર ભ્રાંતિ જ હતી.

(૮૩) ચિત્ત અને ઇન્દ્રિયો હોવાથી થતા દોષો તથા ના હોવાથી થતાં સુખો

વસિષ્ઠ કહે છે કે-હે રામ,એકાંતમાં બેઠેલા એ ધીર વીતહવ્ય મુનિએ શુદ્ધ ધારણાવાળી બુદ્ધિથી ફરીવાર પણ પોતાની ઇન્દ્રિયોના સમુહને નીચે પ્રમાણે સમજાવ્યો.

વીતહવ્ય કહે છે કે-હે ઇન્દ્રિયો,આ તમારી પોતાની સત્તા,જીવનના સમયમાં ઘણાઘણા અનર્થોને આપનારી છે.
અને મરણ થયા પછી,નરક આદિ દુઃખોને આપનારી છે.એટલે તમે એ ખોટી સત્તાને છોડી દો.
હું સ્પષ્ટ ધારું છું કે-મારા ઉપદેશથી તમારી આ સત્તા નષ્ટ જ થઇ ગઈ છે.કેમ કે તમે અજ્ઞાનથી જ ઉત્પન્ન
થયેલી છો.ઉપદેશથી અજ્ઞાન નષ્ટ થઇ જતાં તમોને પાછી સત્તા મળવાની જ નથી.

હે ચિત્ત,જેમ બાળકોનું અગ્નિમાં રમવું તે તેમના શરીરના બાળવા માટે જ થાય છે
તેમ,તારી સત્તા તને બાળવા માટે જ થાય છે.
તારા હોવાને લીધે જ-ભ્રાંતિ પામેલા મૂર્ખ લોકો,રાગ-દ્વેષથી ભરેલા આ કાળ-રૂપી સંસારમાં પ્રવેશ કરે છે.
તારા હોવાને લીધે જ,જેઓમાં પોતપોતાના અભિમાનને લીધે,પરસ્પરના અનિષ્ટો કરવાના વિચારો  થાય છે-
અને જેને લીધે,દુઃખોની પરંપરા નો વરસાદ થાય છે.

હે ચિત્ત,તું તારી ખટપટ ત્યજી દે તો-જેમ પ્રભાતમાં સૂર્યના પ્રકાશથી,કમલિનીઓ સુંદર રીતે ખીલે છે,
તેમ,હૃદયમાં જ્ઞાનના પ્રકાશથી,સઘળી શુભ સ્થિતિઓ સારી રીતે વિકાસ થાય.
તું તારી ખટપટ ત્યજી દે તો-આ હૃદય-ર્પી આકાશ,મોહ-રૂપી ઝાકળથી તથા રજોગુણ-રૂપી ધૂળથી,
અત્યંત રહિત થઈને,જ્ઞાન-રૂપી સૂર્યના પ્રકાશથી જોડાઈ શોભવા લાગે,
વિકલ્પોના સમૂહો આવી પડે નહિ અને આનંદ આપનારી શાંત,અત્યંત પવિત્ર અને પ્રિય લાગે એવી
મૈત્રી હૃદયમાં પ્રગટ થાય.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE