Jun 23, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-537

જીવનમુક્તનું ચિત્ત (ભલે) વૃત્તિવાળું હોય પણ,અંદર રાગ-દ્વેષથી રહિત હોવાને લીધે,શીતળ જ રહે છે,માટે તે ચિત્ત હોવા છતાં-તે (ચિત્ત) નથી એમ જ કહેવાય છે.
જેને વિષય-રસોની ઉત્કંઠાપૂર્વક સ્મરણથી થતો રાગ જ ન હોય,તેનું ચિત્ત અચિત્ત-પણાને પામેલું કહેવાય છે,અને "સત્વ" કહેવાય છે.જેને પુનર્જન્મ આપનારી ઘાટી વાસના હોતી નથી.તે પુરુષ જીવનમુક્ત છે.

જેમ કુંભારનો ચાકડો,કામ પૂરું થયા પછી પણ વેગ સમાપ્ત થાય ત્યાં સુધી ફર્યા કરે છે,તેમ જીવનમુક્ત પુરુષ,અનાત્મા પદાર્થોની વાસના વિનાનો હોવા છતાં પણ-
પ્રારબ્ધનો વેગ -સમાપ્ત થાય ત્યાં સુધી  વ્યવહાર કર્યા કરે છે.
જેઓની વાસના વિષયોના સ્વાદથી રહિત થયેલી હોવાને લીધે-ભુંજાયેલા બીજની પેઠે આભાસમાત્ર હોવાથી,
પુનર્જન્મ-રૂપી અંકુરને ઉત્પન્ન કરનારી ન હોય,તેઓ જીવનમુક્ત કહેવાય છે.
જેઓનું ચિત્ત સત્વપણાને પામેલું હોય છે,એવા અને જ્ઞાનના પાર ને પહોંચેલા એ જીવનમુક્ત લોકો
અચિત્ત (ચિત્ત વિનાના) કહેવાય છે.અને તેમના પ્રારબ્ધ નો ક્ષય થાય ત્યારે તેઓ વિદેહમુક્ત થાય છે.

હે રામ,આમ,એક પ્રાણની ગતિ અને બીજી વાસના,એ બે ચિત્તનાં બીજ છે.
એમાંથી એક ક્ષીણ થતાં-તરત જ બંને ક્ષીણ થઇ જાય છે.
જેમ,ઘટાકાશની અંદર જળ ભરાવામાં,ઘડો અને જળાશય (તળાવ) એ બંને મળીને કારણભૂત થાય છે,
પણ જુદાંજુદાં કારણભૂત થતા નથી,
તેમ, પ્રાણની ગતિ અને વાસના બંને મળીને ચિત્તના જન્મના કારણભૂત થાય છે,
પણ જુદાંજુદાં કારણભૂત થતાં નથી.
એકલી વાસના કે એકલી પ્રાણની ગતિ ચિત્તને જન્મ આપે તેમ નથી.
જેમ તલમાં તેલ રહે છે તેમ,પ્રાણની ગતિ વાસના ની અંદર અને વાસનાની અંદર પ્રાણની ગતિ  રહે છે.
માટે આ બંને (વાસના અને પ્રાણની ગતિ) સિવાય ત્રીજું કોઈ બીજ નથી-એમ પણ કહી શકાય છે.

બીજી રીતથી જોઈએ તો-એ પ્રાણની ગતિ,તથા વાસના,કે જેઓ એકબીજાના આધાર વિના થનાર નથી.
અને અનુક્રમે- પરસ્પર થી ઉત્પન્ન થાય છે.
તેઓને,પ્રાણને,ઇન્દ્રિયોને તથા તેઓથી થતા આનંદ ને ઉત્પન્ન કરનારું-ચિત્ત જ છે એમ કહી શકાય છે.
(જો કે) એ ચિત્ત આત્માના વિકાર-રૂપ હોવાથી આત્મા-રૂપ જ છે.
પણ, પૂર્વે ભોગવેલો વિષયાનંદ અને વર્તમાન જીવન પણ-
વાસના-રૂપ જ હોવાથી બંને સાથે મળીને ચિત્તને ઉત્પન્ન કરે છે.
અને જેમ ફૂલમાં સુગંધ રહે છે-તેમ પૂર્વે ભોગવેલો વિષયાનંદ,વર્તમાન જીવનમાં રહ્યો છે-
એટલે કે-એમ પણ કહી શકાય કે-વર્તમાન જીવન પૂર્વે ભોગવેલા વિષયાનંદમાં રહ્યું છે.

વાસનાથી પ્રાણની ગતિ થાય  છે,પ્રાણની ગતિથી વાસના  થાય છે અને
આમ,ચિત્તની વાસના અને પ્રાણની (બંનેની) ગતિ થાય છે.(બીજ અને અંકુરના જેવો ક્રમ ચાલ્યો જાય છે)
વાસના પોતે ઉછળી,આત્મામાં ક્ષોભ કરીને પ્રાણની ગતિને જાગ્રત કરે છે-અને- ચિત્ત-રૂપી બાળક જન્મે છે.
તે જ રીતે પ્રાણ પોતે ગતિ કરીને આત્મામાં ક્ષોભ કરીને વાસનાને પ્રેરે છે-અને ચિત્ત-રૂપી બાળક જન્મે છે.

હે,રામ,આ રીતે પ્રાણની ગતિ તથા વાસના ચિત્તના બીજ-રૂપ છે,એમાંથી એક નાશ પામે તે તે બંનેનો નાશ થાય છે.એ ચિત્ત-રૂપી વૃક્ષ,સુખ-દુઃખોની ગતિવાળું,શરીર-રૂપી મોટા ફળવાળું,કાર્યો-રૂપી પાંદડાંવાળું છે,
ક્રિયાઓ-રૂપી લતાઓથી વીંટાયેલું છે,તૃષ્ણા-રૂપી નાગણી ના નિવાસસ્થાન-રૂપી છે,
રાગ અને રોગ-રૂપી બગલાઓના ઘર-રૂપ છે,અજ્ઞાન-રૂપી મૂળવાળું છે,અત્યંત દૃઢ છે અને
ઇન્દ્રિયો-રૂપી પક્ષીઓ ના નિવાસસ્થાન-રૂપ છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE