Jun 22, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-536

હે રામ, માટે,જો, ચિત્તના બીજ-રૂપ પ્રાણની ગતિથી અને વાસનાઓની પ્રેરણાથી
આત્માને વિક્ષેપ આવવા ના દો-તો તમે મુક્ત જ છો.આત્મામાં  જે વિક્ષેપનું ઉઠવું તે જ ચિત્ત છે.-એમ સમજો.અને તે ચિત્તે જ  લોકોને દુઃખી કરી નાખનારી આ સંસાર-રૂપી અનર્થોની જાળ પાથરેલી છે- તેમ પણ સમજો.

યોગીઓ ચિત્તની શાંતિને અર્થે જ પ્રાણાયામો તથા ધ્યાનો ના વિધિસર પ્રયોગ કરીને,
પ્રાણની ગતિને રોકે છે.પ્રાણનું રોધન કરવું એ બહુ ઉત્તમ છે.તે આત્માને વિક્ષેપો-રહિત રાખનાર છે,
ચિત્તની શાંતિ-રૂપ ફળ આપનાર છે,અને સમતાનું મોટું કારણ છે.
હે રામ, 'પ્રાણનું ચલન ચિત્તનું (એક) બીજ છે"એ વિષય આમ મેં તમને કહી સંભળાવ્યો.
હવે "વાસના ચિત્તનું બીજું બીજ છે"
એ વિષય કે જે તત્વવેત્તાઓએ પ્રગટ કરેલો છે અને અનુભવેલો છે-તે કહું છું તે તમે સાંભળો.

પૂર્વકાળની દૃઢ ભાવનાને લીધે,દેહ આદિ પદાર્થોને "હું અને મારું" ઇત્યાદિ-રૂપે જે સ્વીકારી લેવામાં આવે-
તે સ્વીકારવું-તે- જો પૂર્વાપરના વિચાર વિનાનું હોય તો તે "વાસના" કહેવાય છે.
હે રામ, વાસનાના તીવ્ર વેગથી જોડાયેલો પુરુષ,પોતાથી જયારે જે વસ્તુનું અનુસંધાન કરે છે,
ત્યારે તુરત,સઘળી સ્મૃતિઓથી રહિત થઇને,તે વસ્તુમય થઇ જાય છે.
વાસનાથી પરવશ થયેલો,અને ધારેલી વસ્તુમય થઇ ગયેલો,
પુરુષ જે વસ્તુને જુએ છે,તે વસ્તુને સાચી માનીને મોહ પામે છે,અને પોતાના સ્વરૂપને ત્યજી દે છે.

ખોટી આસક્તિ વાળો થઈને-મદ્યના મદવાળા મનુષ્યની જેમ -સંસાર-રૂપી વિપરીત દેખાવને જોવા લાગે છે.
જેમ ઝેરથી પરવશ થયેલો,માણસ દુઃખોથી ઘેરાઈ જાય છે,એમ અંદર રહેલી વાસનાથી પરવશ થયેલો,
મનુષ્ય,ખોટી સમજણ વાળો થઈને,દુઃખોથી ઘેરાઈ જાય છે.
અનાત્મામાં આત્માની ભાવના કરવી અને મિથ્યામાં સાચાપણાની ભાવના કરવી-
એ ખોટી સમજણનું સ્વરૂપ છે અને તે જ ચિત્ત છે -તેમ સમજો.

પદાર્થોમાં એવી રીતની જ વાસનાના દૃઢ અભ્યાસથી અત્યંત ચંચળ થયેલું ચિત્ત -
જન્મ,જરા,મરણનું કારણ થાય છે.
જયારે "આ વસ્તુ ત્યાજ્ય છે અને આ વસ્તુ ગ્રાહ્ય છે" એવી કંઈ વાસના જ ના રહે-અને,
જ્યારે સઘળી અહંતા-મમતાને છોડીને રહેવામાં આવે-ત્યારે આત્મામાં ચિત્ત-રૂપી વિકાર ઉત્પન્ન થતો નથી.
જયારે ચિત્ત વાસનાઓથી રહિત થઈને,કદી કોઈ દ્રશ્યની કલ્પના જ ન કરે,
ત્યારે પરમ ઉપશમ આપનારી,સંકલ્પ-રહિત અવસ્થા ઉદય પામે છે.

આત્મામાં કંઈ પણ સ્ફુરે નહિ-ત્યારે આત્મામાં ચિત્ત ઉત્પન્ન થતું નથી.
જયારે જગત સંબંધી કોઈ પણ વસ્તુનું સ્મરણ જ ન થાય-
ત્યારે સર્વથી રહિત થયેલા આત્મામાં ચિત્ત કેમ જ ઉત્પન્ન થાય?
હે રામ,રાગને લીધે,દ્રશ્ય વસ્તુમાં સાચા-પણાની ભાવના કરવામાં આવે છે-
એટલે જ ચિત્તનું સ્વરૂપ છે એમ હું માનું છું.
બાહ્ય પદાર્થોને યાદ જ ન કરવા-એ નિરોધ-રૂપી યોગથી સઘળાં દૃશ્યોને ભૂલી જઈને,
સાચા આત્મ-સ્વ-રૂપનું જ અવલોકન કરવું,એ ચિત્તની સંકલ્પરહિત અવસ્થા કહેવાય છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE