Jun 21, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-535

(૯૧) શરીરનું અને ચિત્તનું બીજ પ્રાણચલન તથા વાસના છે
રામ કહે છે કે-જરા તથા મરણ-રૂપી ગાંઠોવાળી,સુખ-દુઃખ-રૂપી ફળોની પંક્તિઓ વાળી,અત્યંત દૃઢ મૂળોવાળી,અને મોહ-રૂપી જળથી સિંચાયા કરતી આ સંસૃતિ (જીવોની યોનિઓ રૂપે ગતિ) રૂપી,દ્રાક્ષની લતાનું બીજ કોણ છે અને બીજનું બીજ કોણ છે? અને એ બીજના બીજનું બીજ કોણ છે?હે મહારાજ,બોધની વૃદ્ધિને માટે અને  જ્ઞાનના સારભૂત-બ્રહ્મ-પણા-ની સિદ્ધી ને માટે આપ ફરીથી મને આ સઘળું જ્ઞાન-સાર-રૂપે સંક્ષેપમાં કહો.

વસિષ્ઠ કહે છે કે-હે રામ,જેની અંદરના લિંગ-દેહમાં અનંત વિચિત્ર કાર્યો કરનારા,
શુભાશુભ કર્મો-રૂપી-મોટા અંકુરો રહ્યા છે તેવું "શરીર"-જ સંસૃતિ-રૂપી દ્રાક્ષની લતાનું બીજ છે.એમ સમજો.
તે શરીરનું બીજ "ચિત્ત" છે,કે જે ચિત્ત,સંપત્તિ-વિપત્તિની દશાઓ અને દુઃખના ભંડાર-રૂપ છે.
આ ભૂત,ભવિષ્ય અને વર્તમાન -શરીરો ચિત્તથી જ ઉદય પામે છે.

"ચિત્તથી શરીરનો ઉદય થવો કેમ સંભવે?" એવી શંકા રાખવી નહિ,
કેમ કે સ્વપ્નાવસ્થામાં ચિત્તથી જ શરીરનો ઉદય થતો આપણા સર્વના અનુભવમાં આવે જ છે.
હે રામ,જેમ ઘડા તથા કુંડાં-આદિ પદાર્થો માટી નું જ રૂપ છે,
તેમ જે કંઈ આ મોટા આડંબર-વાળું જગત જોવામાં આવે છે,તે પણ ચિત્તનું જ વિશાળ-રૂપ છે.

વૃત્તિઓ-રૂપી-શાખાઓને ધરનારા,એ ચિત્ત-રૂપી-વૃક્ષનાં-"પ્રાણનું ચલન અને દૃઢ વાસના" એ બે બીજ છે.
જ્યારે પ્રાણ નાડીઓનો સ્પર્શ કરી,ગતિ કરવા લાગે છે-ત્યારે તરત જ શરીરની અંદર વ્યાપીને રહેલો -
"આત્મા-રૂપી-સામાન્ય-અનુભવ" અમુક અંશથી ચિત્ત-રૂપે ગોઠવાઈ જાય છે.

જ્યાં સુધી,પ્રાણ,નાડીઓના માર્ગોના છિદ્રો માં ગતિ કરવા લાગતો નથી,ત્યાં સુધી વિષયોના સંસ્કારો -
જાગ્રત ન થવાને લીધે "સામાન્ય-અનુભવ" (આત્મા) ની અંદર ચિત્ત-રૂપી વિકાર થતો નથી.
પ્રાણની જે ગતિ છે-તે જ ચિત્ત-રૂપી-દ્વારથી "જગત" એ નામને પ્રાપ્ત થઈને બહાર દેખાય છે-એમ પણ કહેવાય છે.

જેમ આકાશનો રંગ (નીલિમા) મિથ્યા જ દેખાય છે-
તેમ,આત્મા.પ્રાણ,ચિત્ત,અને જગત -એ સર્વે મિથ્યા જ દેખાય છે.
પ્રાણની ગતિ બંધ પડતાં "સામાન્ય-અનુભવ-રૂપ-આત્મા" માં  ચિત્ત-રૂપી વિકાર નહિ ઉઠવાથી,
એ આત્માનું જે "શાંત-પણું" રહે છે-તે જ "સમાધિ" કહેવાય છે.

પણ,પ્રાણની ગતિ થતાં,"આત્મા-રૂપી-સામાન્ય-અનુભવ"  અમુક અંશમાં ચિત્ત-રૂપ થઈને,
હાથથી પછાડેલા દડાની જેમ ઉછળ્યા કરે છે.
જેમ,વાયુથી ગંધ વિક્ષેપ પામે છે,તેમ સત્ય (બ્રહ્મ કે પરમાત્મા)-એ-
સર્વમાં વ્યાપક અને સૂક્ષ્મથી પણ અત્યંત સૂક્ષ્મ "અનુભવ" એ ઉપર કહ્યા મુજબ વિક્ષેપ પામે છે.
હે રામ,એટલે "અનુભવ" ને વિક્ષેપ થી રહિત રાખવો તે જ પરમ કલ્યાણ છે તેમ સમજો.

જો,આત્મા ચિત્ત-રૂપે ગોઠવાયો કે તરત જ બહારના વિષયોમાં અત્યંત રાગ થી દોડે છે અને દોડીને તે વિષયોનો ઉપભોગ કરે છે.અને ઉપભોગ કરવાથી તે ચિત્ત-રૂપ થયેલા આત્માને અનંત દુઃખો પ્રાપ્ત થાય છે.
એ ચિત્ત જો બહારના વિષયોમાંથી વિમુખ થઈને,આત્માના બોધને અર્થે,ઉદ્યોગ કર્યા કરે,
તો તેને એ આત્મા ને પામવા યોગ્ય નિર્મળ પદ પ્રાપ્ત થાય છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE