Jun 29, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-543

ચિત્તને જીતી લેવાની આ યુક્તિઓ હોવા છતાં,જે પુરુષો ઉપવાસ,મંત્ર-યંત્રોનાં સાધન તથા સ્મશાન સાધન-આદિ હાથ-રૂપ ઉપાયોથી ચિત્તને જીતી લેવા ધારે છે-તેઓ દીવા-રૂપ સાધનને છોડી દઈને,કાજળના સમૂહો થી અંધારાને જીતી લેવા ધારે છે.તેઓને નિષ્ફળ શ્રમ કરનાર જ સમજવા.

તેઓ એક ભયને છોડી બીજા ભયમાં અને એક કલેશને છોડીને બીજા કલેશમાં પડે છે.અને ક્યાંય પણ ધીરજ-રૂપી શાંતિને પ્રાપ્ત થતા નથી.
તેવાઓમાંથી કોઈક જ અને તે પણ કોઈ સમયે જ -દૈવ-ગતિથી આત્મતત્વ ને પ્રાપ્ત થાય છે,તો કોઈ થતા નથી.
ત્રણે લોક ના ભોગો-રૂપી નિમિત્તને લીધે,દડાની પેઠે ચડતી-પડતી સ્થિતિઓને પ્રાપ્ત થયા કરતા,
એક ઠેકાણે સ્થિર નહિ રહી શકતા ને યોનિઓમાં આવન-જાવન કર્યા કરતાં એ લોકો-
વારંવાર-રોગ તથા મરણ આદિ થી પીડાય છે.

હે રઘુનંદન,આમ હોવાથી,દેહાભિમાનનો ત્યાગ કરીને,યોગ્ય ઉપાયોથી ચિત્તને જીતીને,શુદ્ધ અનુભવનો આશ્રય કરીને,રાગથી રહિત થઇ સ્થિર થાઓ.જ્ઞાની પુરુષ-જ સુખી હોય છે,જ્ઞાનીનું જ જીવવું સફળ છે અને
જ્ઞાની જ સર્વથી અધિક બળવાન છે,માટે તમે જ્ઞાનમય થાઓ.
તમે ચિત્તને વિષયમાં જવા નહિ દેતાં,બ્રહ્મપદ નું જ અનુસંધાન કરતા રહો,અને,
વ્યવહાર સંબંધી ક્રિયાઓ કરવા છતાં,પણ આસક્તિના ત્યાગથી-
જીવનમુક્ત ના ગુણોની સંપત્તિ-વાળા થઈને તમે અકર્તા જ રહો.

(૯૩) બોધ સ્થિર થવાથી જ્ઞાનીઓની થતી સમ-સ્થિતિ

વસિષ્ઠ કહે છે કે-હે રામ,જેણે,જરાક વિચાર કરીને,થોડોક પણ પોતાના ચિત્તનો નિગ્રહ કર્યો હોય,
તેણે,પોતાના જન્મનું સાફલ્ય કર્યું સમજવું.આ વિચાર-રૂપી કલ્પવૃક્ષ નો અંકુર હૃદયમાં જરાક ઉત્પન્ન થયો હોય,
તો તે અંકુર,અભ્યાસ-રૂપી-જળના સિંચનથી સેંકડો શાખાઓ વાળો થાય છે.

જે મનુષ્યનો વૈરાગ્ય-પૂર્વક-વિચાર,કંઇક પણ પ્રૌઢ થયો હોય,
તે મનુષ્યને શમ-દમ આદિ શુદ્ધ ગુણો આશ્રય કરે છે.
સારા વિચારવાળા,અને આત્મ-તત્વનું યથાર્થ અવલોકન કરનારા વિદ્વાનને,
અત્યંત ઉન્નતિ વાળા અને ઈન્દ્રાદિ લોક નાં સુખો પણ લલચાવતાં નથી.
આત્માના યથાર્થ અનુભવથી પ્રૌઢ થયેલી બુદ્ધિ-વાળા પુરુષને -
વિષયો,મન ની વૃત્તિઓ આધિઓ કે વ્યાધિઓ શું કરી શકે? તેઓ કોઈ જ વિકાર ઉત્પન્ન કરી શકે નહિ.

જેમ પ્રલયોમાં અવિચલ રહેનારા મેરુ પર્વતને મંદ પવનો ભાંગી શકતા નથી,
તેમ પ્રૌઢ થયેલા વિવેકને દુષ્ટ રાગ-આદિ વૃત્તિઓ ભાંગી શક્તિ નથી.
જેણે ચિત્ત-રૂપી-પૃથ્વીમાં,પોતાનું દૃઢ મૂળ બાંધ્યું ના હોય,એવા અવિવેક-રૂપી ફૂલ-ઝાડને ચિંતાઓ-રૂપી વંટોળ,પાડી નાખે છે,પણ મુલોથી ચિત્ત-રૂપી પૃથ્વીની અંદર દૃઢ રહેલા -ઝાડને વંટોળો પાડી શકતા નથી.
ચાલતાં,ઉભા રહેતાં,જાગતાં અને સુતા પણ જે -પુરુષનું ચિત્ત (તત્વના) વિચારમય ન રહેતું હોય,
તે પુરુષ જીવતા પણ મુએલો જ કહેવાય છે.

હે રામ,આત્માને ઓળખવાની દૃષ્ટિ રાખીને
ધીરે ધીરે,પોતાની મેળે-"આ જગતશું હશે? આ દેહ શું હશે?" એવો વિચાર કરો.
જેમ પ્રકાશવાળા દીવાથી,અંધારામાં પણ વસ્તુ તુરત જ જોવામાં આવે છે-
તેમ "અજ્ઞાનને હરનારા-વિચારથી" તુરત પરમ-પદ જોવામાં આવે છે.
જેમ,પ્રકાશનો વિલાસ કરનારા સૂર્યથી અંધકારોનો નાશ થાય છે-
તેમ પ્રકાશનો વિલાસ કરનારા જ્ઞાનથી સર્વ દુઃખોનો વિનાશ થાય છે.
જ્ઞાન પ્રગટ થતાં,જાણવા યોગ્ય પરબ્રહ્મ પોતાની મેળે ઉદય પામે છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE