Jun 30, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-544

જે શાસ્ત્ર વિચારથી બ્રહ્મ-તત્વ જાણવામાં આવે તે શાસ્ત્ર વિચાર જ્ઞાન કહેવાય છે.
એ જ્ઞાન પોતે બ્રહ્માકાર તથા ભેદના બાધ-રૂપ હોવાને લીધે,બ્રહ્મથી જુદું -ના હોય એવું હોય છે.
હે રામ,વિવેક-વિચારથી થયેલું આત્મજ્ઞાન જ જ્ઞાન કહેવાય છે-એવો પંડિતો નો સિદ્ધાંત છે.અને જેમ મધુર-પણું દુધની અંદર રહે છે-તેમ,આત્મા એ જ્ઞાનની અંદર જ રહે છે.
જ્ઞાનથી ભરપૂર પ્રકાશવાળો પુરુષ,સર્વદા આત્મામય જ રહે છે.

નિર્મળ થયેલું અને સમતા-વાળું જે પોતાનું સ્વ-રૂપ છે-તે જ જાણવા યોગ્ય પરબ્રહ્મ છે.
એમ વિદ્વાનો નો નિશ્ચય છે.અને તે સ્વ-રૂપ-જ્ઞાનની પ્રાપ્તિ થતાં જ અવિદ્યા-રૂપી કાદવ,દુર થઇ જવાથી,
પોતાની મેળે જ (તે સ્વ-રૂપ) નિર્મળ થઇ જાય છે.

સ્વરૂપજ્ઞ,પ્રગટ આનંદવાળો અને આસક્તિરહિત જીવનમુક્ત કોઈ વિષયમાં ડૂબી જતો નથી,
પણ,સમ્રાટ (રાજા) ની પેઠે પૂર્ણ સુખવાળો જ હોય છે.
હે રામ, જેમ ચંદ્ર,એ કમળોમાં રુચિ બાંધતો નથી,
તેમ જ્ઞાની પુરુષ,જગતના સુંદર લાગતા ભોગોમાં,રુચિ બાંધતો નથી.
જીવનમુક્ત પુરષ,સુંદર બગીચામાં જતાં પણ આનંદ કે ખેદ ને પ્રાપ્ત થતો નથી.
હે રામ, જીવનમુક્ત પુરુષ સઘળા વ્યવહારોને કરવા છતાં,પણ સર્વદા આસક્તિ વિનાનો જ રહે છે.
તે વ્યાકુળ કે રાંક થતો નથી અને ધીરજપણાથી રહે છે.

જીવનમુક્ત પુરુષ,જીવનું હરણ કરનારને અને જીવને આપનારાને પણ -
પ્રસન્નતાથી તથા મધુરતાથી શોભી રહેલી એકસરખી દૃષ્ટિ થી જ જુએ છે.
સર્વદા પ્રદીપ્ત રહેનારી પોતાની બુદ્ધિની સમતાને લીધે,
સ્થિર શરીરો કે રમણીય વસ્તુઓ મળવાથી રાજી થતો નથી અને
અસ્થિર શરીરો કે અરમણીય વસ્તુઓ મળવાથી ગ્લાનિ પામતો નથી.
પોતે ચિત્તમાં ચિંતા રહિત,રાગ વિનાનો,જાણવાનું જાણી ચૂકેલો તથા જગતની સ્થિતિને મિથ્યા જ સમજે છે,
અને જગતની સ્થિતિ  વાસ્તવિક રીતે મિથ્યા જ છે,
તેથી,જીવનમુક્ત પુરુષ કદી પણ કોઈ પણ, સ્થિતિમાં ઇન્દ્રિયોમાં વિષયોને પ્રસરવાનો અવકાશ જ આપતો નથી.

જેમ,મૃગો,કૂણાં પાંદડાં ને તુરત ગળી જાય છે,તેમ,ઇન્દ્રિયોની શોભા,
આત્મા ને નહિ પહોંચેલા,અને ગંભીર સ્થિતિ વિનાના મૂઢ પુરુષને તરત જ ગળી જાય છે.
સંસાર-રૂપી સમુદ્રમાં તણાયા જતા,વાસનાઓ-રૂપી તરંગોથી ગોથા ખાતા,અને
મોટી ચીસો પાડ્યા કરતા,મૂઢ પુરુષને ઇન્દ્રિયો-રૂપી મગર મચ્છો ગળી જાય છે.

જેમ જળનાં પૂર પર્વતને ખેંચી શકતા નથી,તેમ,સુખ-દુઃખાદિ વિકલ્પોના સમૂહો-
વિચારવાળા,અને આત્મામાં જ શાંત થયેલા,બુદ્ધિ વાળા જીવનમુક્ત પુરુષને ખેંચી શકતા નથી.
જે પુરુષો પોતાના સ્વરૂપ-જ્ઞાનથી સર્વ સંકલ્પોના સીમાડાના છેડા-રૂપ પરમપદમાં શાંતિ પામેલા હોય છે-
તેઓને મેરુ પર્વત પણ તરણા જેવો લાગે છે.
બ્રહ્મ-રૂપે વિસ્તીર્ણ પામેલા ચિત્ત-વાળા જીવનમુક્ત પુરુષોને -ઝેર અને અમૃત સમાન લાગે છે,તથા
ક્ષણો અને હજારો કલ્પો પણ સમાન જ લાગે છે.

"આ સઘળું જગત આત્મા જ છે" એવો નિશ્ચય હોવાને લીધે,આનંદ ભરેલી બુદ્ધિવાળો અને પોતે જ આત્મા હોવાને લીધે,સઘળું જગત જેઓની અંદર જ રહ્યું હોય છે,એવા જીવનમુક્ત પુરુષો નિર્લેપપણાથી વિહાર કરે છે.આ જગત-રૂપી પાંજરું,કે જે આત્માના જ એક "ચલન-રૂપ" છે-
તેમાં તત્વવેત્તાઓ કઈ વસ્તુને ત્યાજ્ય માને?અને કઈ વસ્તુને ગ્રાહ્ય માને?

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE