Jul 20, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-558

વિવેક-રૂપી ચંદ્રનો ઉદય નહિ થવાથી,ચિંતા-રૂપી પિશાચે ખરાબ કરેલી યૌવન-રૂપી-રાત્રિ.મોહ-રૂપી અંધકારને લીધે,પ્રકાશ વગરની જ ચાલી જાય છે-એ પણ અજ્ઞાનનો જ મહિમા છે.જીભ મોઢાના છિદ્રના એક ભાગમાં ગુપ્ત રહેલી હોવા છતાં-પામર લોકોને સમજાવવા (બોલી-બોલીને) સુકાઈ જાય છે -તે અજ્ઞાનનો જ મહિમા છે.
આ જીવ દુઃખ-શોક-ઋણ-ગરીબાઈ-આદિ સંકટોથી દુઃખી થાય છે-તે અજ્ઞાન નો જ મહિમા છે.

ચિત્ત-રૂપી જૂના વૃક્ષમાં રહેનારો,લોભ-રૂપી ઘુવડ,માયા-રૂપી કાળી રાત્રિમાં મસ્તી કર્યા કરે છે,અને,જરા-રૂપી-ઘરડી- બિલાડી,યૌવન-રૂપી-ઉંદરને ફાડી નાખે છે-તે અજ્ઞાનનો જ મહિમા છે.આ સૃષ્ટિ,ફીણના ઢગલાની જેમ,સાર વિનાની હોવા છતાં પણ અનુક્રમે પહાડ જેવી ઉંચી થઈને પોષાય છે-તે અજ્ઞાન નો જ મહિમા છે.

આ સંસાર-રૂપી મોટા સરોવરમાં,શરીર-રૂપી-કમળોની અંદરના
ચૈતન્ય-રૂપી-રસને પીનારા,પ્રાણો-રૂપી-ભ્રમરો ફરે છે,એ પણ અજ્ઞાનનો જ મહિમા છે.
આકાશ-રૂપી ઇન્દ્રનીલ-મણિના ચોતરા ઉપર-સૂર્ય નામની દીવી મૂકી છે,
તે લોકોમાં પ્રકાશ આપે છે-એ પણ અજ્ઞાનનો જ મહિમા છે.
જૂના પંખીની જેમ જીવ,દેહ-રૂપી પાંજરામાં ભરાયો છે,
જેને વાસનાઓ-રૂપી-સળીઓ અને આશાઓ-રૂપી તાંતણા છે-એ અજ્ઞાન નો જ મહિમા છે.

જેમાંથી પ્રાણીઓના સમૂહો-રૂપી પાંદડાઓની પરંપરા નિરંતર ખરતી જાય છે-એવી અનાદિ-કાળની -
આ સંસાર-રૂપી-લતા-પ્રાણવાયુના આધારે ડોલ્યા કરે છે-તે અજ્ઞાનનો જ મહિમા છે.
સૃષ્ટિના અમુક કાળ સુધી રાજી રહેનારા,કેટલાક કુલીન પુરુષો,પોતાના પુણ્યોના પ્રભાવને લીધે,
ઉગ્ર નરકો-રૂપી-કાદવમાં પડવાના ભયને દુર કરી,ઘડીભર -
"પોતે પોતાને મળેલી જગ્યાએથી ખસવાના નથી" એવો જે નિશ્ચય કરે છે તે અજ્ઞાન નો જ મહિમા છે.

ચંદ્રના અમૃતનું પાન કરનાર દેવો,સ્વર્ગો-રૂપી સરોવરોમાં વિહાર કરે છે તે અજ્ઞાનનો જ મહિમા છે.
સંસાર-રૂપી ખાબોચિયામાં ફર્યા કરતી,બિચારી નાની નાની માછલીઓને-
કાળ-રૂપી ગીધ ગળ્યા કરે છે -તે અજ્ઞાન નો જ મહિમા છે.
સંસારની ક્ષણ-ભંગુરતાની વિચિત્રતા,તે રોજ રોજ ચંદ્રની કલાની જેમ-
નોખાનોખા પ્રમાણ-વાળી ઉદય પામે છે-એ પણ અજ્ઞાન નો જ મહિમા છે.

ક્ષણ-માત્રમાં ફૂટી જાય એવાં-ઘણાં પ્રાણીઓ-રૂપ-કોડિયાંને બનાવ્યા કરતો -
કાળ-રૂપી-કુંભાર,આ સંસાર-રૂપી-ચક્રને ફેરવ્યા કરે છે-તે અજ્ઞાન નો જ મહિમા છે.
બ્રહ્મ-રૂપી અચળ-પદમાં ઉત્પન્ન થયેલાં અને વ્યવહારમાં સમર્થપણું ધરાવનારાં-
જગતો-રૂપી અસંખ્ય જંગલો-પ્રલય-રૂપી અગ્નિથી બળી રહ્યા છે-
અને આ જગતની સ્થિતિ એ રીતે આવતી-જતી સુખ-દુઃખોની -
અપાર દશાઓથી નિરંતર ફેરફાર પામ્યા કરે છે-તે અજ્ઞાનનો જ મહિમા છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE