Jul 19, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-557

આ સંસાર-રૂપી વનમાં,અજ્ઞાનને લીધે જ જગતો-રૂપી જૂનાં પાંદડાઓની પરંપરાઓ પથરાયેલી છે.જન્મો-રૂપી નવાનવા પલ્લવો થયા કરે છે,કર્મોના સમૂહો-રૂપી-કળીઓ વારંવાર લાગ્યા કરે છે.વૈભવો-રૂપી મંજરીઓ ખીલ્યા કરે છે,પુણ્ય-પાપ-રૂપી ફળ ઉત્પન્ન થયા કરે છે, અને વિચિત્ર રચનાઓ-વાળા ઘણાઘણા કામી લોકો-રૂપી પક્ષીઓ-તે ઝાડ પર બેસી વિલાસો કરતા જોવામાં આવે છે.હે રામચંદ્રજી,આમ,વિષયોમાં જે આરંભમાં મધુર-પણું છે-તે પરિણામે અનર્થ કરનારું,પરિમીત અને ક્ષણભંગુર છે.

(૭) કામાદિક ના અધ્યાસથી થતા અજ્ઞાનનું વર્ણન

વસિષ્ઠ કહે છે કે-મોતીના હારોથી નમી પડેલી અને રત્નોથી શણગારેલી સ્ત્રીઓ-મદ-રૂપી-ચંદ્રનો ઉદય થતાં,ભરતી પામેલા કામદેવ-રૂપી ક્ષીર-સાગરની લહરીઓ જેવી લાગે છે-એ અજ્ઞાનનો જ મહિમા છે.
સ્ત્રીઓનાં અંગો કે જે વાઘ-શિયાળ-કૂતરાંને આહારના કામમાં આવે તેવાં જ છે,
તેઓને કવિ લોકો,ચંદ્ર-ચંદન કે કમળની ઉપમા આપે છે-તે પણ અજ્ઞાન નો જ મહિમા છે.
સ્ત્રીઓનાં મોહ-મય અંગોને બીજા મનોહર પદાર્થો જોડે સરખાવવાની-
અને તેનું મોહમય વર્ણન કરવું -તે અજ્ઞાનનો જ મહિમા છે.

લક્ષ્મી પહેલાં મીઠી લાગે છે પણ પછી તેનાથી રાગ-દ્વેષ જેવી ખટપટો વધે છે,વળી તે ક્ષણભંગુર છે,
અને બધાંની સાથે સરખી રહેતી નથી,તેમ છતાં તેવી લક્ષ્મીની ઈચ્છા થાય છે-તે અજ્ઞાન નો જ મહિમા છે.
મનમાં સેંકડો પ્રકારનાં સુખ-દુઃખ થાય છે અને
સારાં -નરસાં કર્મોના ફળ-રૂપ લક્ષ્મી મળ્યા કરે છે-તે અજ્ઞાનનો જ મહિમા છે.

અમુક કામ (કે યજ્ઞ) કરવાથી અમુક ફળ મળશે,તેવાં કર્મકાંડનાં આશા-વાળાં વચનો છે-
તે ક્ષણમાં તૂટી જનારાં અને રાગ તેમ જ કામના ના બંધનમાં રાખનારાં છે-એ અજ્ઞાન નો જ મહિમા છે.
અવિવેક અને મોહને લીધે અનેક પ્રકારની પ્રવૃત્તિઓ વધી જાય-એ અજ્ઞાન નો જ મહિમા છે.
અંતઃકરણને પણ કડવું કરી નાખનારો અને અનેક પ્રકારનાં દુઃખો નાખનારો,જન્મ-મરણ-રૂપી વિષનો રસ,
લોકોની અરુચિ છતાં પણ વધ્યા કરે છે-તે અજ્ઞાન નો જ મહિમા છે.

અનેક પ્રકારનાં ફળ-વાળાં કર્મો,લોકોના વિવેકને દૂર કરે છે-તે અજ્ઞાનનો જ મહિમા છે.
અનંત બ્રહ્માંડો-રૂપી પાકેલાં ફળો ને ખાયા કરવા છતાં પણ જેનું પેટ ભૂખ્યું ને ભૂખ્યું જ રહે છે-
અને સેંકડો કલ્પો વીતી ગયા છતાં પણ મનુષ્ય તૃપ્ત થતો નથી-તે અજ્ઞાનનો જ મહિમા છે.
મોહ-રૂપી પવનને પીનારા અને દેહો-રૂપી કાંચળીને વારંવાર ઉતારી નાખતા જીવો-રૂપી વિચિત્ર સર્પો,
પોતે બ્રહ્મ-સ્વ-રૂપે શીતળ અને અવિચલ હોવા છતાં પણ-
કર્મો-રૂપી કુટિલ ગતિઓથી સંસારમાં ભટક્યા કરે છે-તે અજ્ઞાન નો જ મહિમા છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE