Jul 18, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-556

અજ્ઞાન એ જ આપદાઓ નું ઠેકાણું છે,અજ્ઞાની ને કંઈ આપદા પ્રાપ્ત થતી નથી.(અજ્ઞાન જ તેમની આપદા છે)
આ સંસારનો પ્રવાહ,અજ્ઞાનીઓની ગફલતથી જ ચાલ્યા કરે છે.
અજ્ઞાની પર ઉગ્ર દુઃખો અને દૃઢ સુખો-વારંવાર પડ્યા કરે છે,અને વારંવાર જતાં રહે છે.
શરીર-ધન-સ્ત્રી-ઇત્યાદિ પર ભરોસો રાખ્યા કરતા-અજ્ઞાની પુરુષનું આ સંસાર-રૂપી-નીચ-દુઃખ શાંત થતું નથી.

આ નીચ દેહ કે જે અનાત્મા છે,તેને આત્મા માનવામાં આવે તો,
તે સઘળી-ખોટી-સમજણ-રૂપ-માયા કદી નાશ પામતી નથી.
દેહમાં રહેનારી અને મન-રૂપી હાથીને જકડીને બાંધનારી મૂર્ખ માણસની આશાઓ,
હંમેશા દુઃખો આપ્યા કરે છે.
અને તે,નરકની ભૂમિ,તે પાપો-રૂપી સર્પોથી વીંટાયેલ અજ્ઞાની મનુષ્યની રાહ જોયા કરતી હોય છે.

સ્ત્રી-બાળકો પ્રત્યે આસક્તિ,સંકલ્પ-વિકલ્પો-વગેરે અજ્ઞાનીના હૃદયમાં જ રહે છે.
વળી, દ્વેષ-રૂપી દાવાનળ તેના હૃદયમાં જલતો રહે છે.
પરાઈ નિંદા-રૂપ પલ્લવોવાળી અને ચિંતાઓ-રૂપ-ભ્રમરો-વાળી-
"ઈર્ષ્યા-રૂપી-કમલિની" અજ્ઞાનીના મત્સરથી ભરેલા મન-સુપી-સરોવરમાં અત્યંત પ્રફુલ્લિત થાય છે.

જેમ,સમુદ્રમાં- નિરંતર તરંગ અને મોજાં આવવાથી-તે સમુદ્ર મોજાં અને તરંગ-રૂપ થાય છે,
વળી તે  પોતાની અંદર વડવાગ્નિ પણ રાખે છે-
તેમ,સુખ-દુઃખ-રૂપી ઉભરા અને તરંગો આવવાથી,
અજ્ઞાની મનુષ્ય પણ સુખ-દુઃખ-રૂપ બનીને અનેક જન્મ-મરણ ને આધીન થાય છે.
મૂઢ પુરુષ જ જન્મથી બાળક-પણું,જુવાન-પણું,જરા-પણું અને મરણ ને વારંવાર પ્રાપ્ત કર્યા કરે છે.
જગત-રૂપી-જૂના-રેંટના યંત્રમાં,પ્રારબ્ધ-રૂપી દોરીથી બંધાયેલો,મૂઢ-પુરુષ-રૂપી ઘડો,
વારંવાર ઉંધો-ચત્તો (જન્મ-મરણને પ્રાપ્ત) થયા કરે છે.

આ તુચ્છ જગત તત્વવેત્તાને ગાયના પગલામાં થતા ખાબોચિયા જેવું (છીછરું) લાગે છે.
જયારે-તે જ જગત અજ્ઞાની ને  અનંત અને બહુ ઊંડું લાગે છે.
જેમ, પાંજરામાં પુરાયેલ પક્ષી પાંજરાથી દુર જઈ શકતું નથી,
તેમ પેટ ભરવાની ખટપટમાં પડેલ,આંધળા જેવા મૂઢ પુરુષની વિચાર-શક્તિઓ દૂર પહોંચી શકતી નથી.
જેમ,ઘણો ભાર ભરીને કાદવના માર્ગમાં જવાથી, રથનાં પૈડાં તે કાદવમાં ખૂંચી જાય છે,
તેમ,બહારની વાસનાઓથી મન દબાઈ જાય છે,અને તેથી ઇન્દ્રિયો નિર્બળ થઇ જાય છે.

વિચિત્ર નામ-રૂપોથી અપાર રીતે રંગાયેલું અને ઘણાઘણા સંકલ્પોની કલ્પનાઓ-રૂપી કલ્પ-વૃક્ષ,
અત્યંત મિથ્યા પદાર્થોથી પણ સઘળાઓની કામનાઓ પૂરી કરે છે-એ ખરે અદભૂત છે!!!

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE