Aug 3, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-572

હે રામચંદ્રજી,તમે પણ,સઘળા દોષોને નષ્ટ કરનારી,એ દ્રષ્ટિનો આધાર લઈને-
અને શુદ્ધ ચૈતન્યમાં જ આત્મ-બુદ્ધિ ધારણ કરીને,યોગ્ય ક્રમથી વિહાર કરો.
આ સૃષ્ટિની પરંપરાને મારા કહ્યા પ્રમાણે જેવી છે-તેવી જ જોયા કરતા-
અને ભ્રાંતિઓને ત્યજી દઈને સ્થિર-ગંભીર થઈને રહો.તથા સર્વત્ર ચિત્તની સમતા ધારણ કરીને વર્તો.આ સઘળું જગત બ્રહ્મ જ છે-કેમકે બ્રહ્મ જ જગત-રૂપે પ્રતીત થયેલું છે.
જગતમાં ક્યાંય કંઈ સાચું કે ખોટું નથી,પણ સઘળું અનિર્વચનીય (વાણીથી ના બોલી શકાય તેવું) છે.

રામ કહે છે કે-હે ગુરુ મહારાજ,મારું અજ્ઞાન,સંપૂર્ણ દુર થયું છે,
જેમ સૂર્યના સંગથી કમળ ખીલે છે- મ,તમારી કૃપાથી મને જ્ઞાન થયું છે.
મારી ભ્રાંતિ દુર થઇ છે,અને સઘળા સંદેહો દુર થઇ ગયા છે.
માટે હવે જેમ આપ કહેશો તેમ કરીશ.
મદથી,માનથી,અને મત્સરથી રહિત થયેલો અને બહુ જ લાંબા કાળે આત્મ-સ્વ-રૂપ ને પ્રાપ્ત થયેલો,
હું,હવે,ફરીવાર બંધન ના ભ્રમને નહિ પામતાં,નિશ્ચય-વાળી સ્વચ્છ બુદ્ધિથી,
જેમ આપ કહો છો-તેમ નિઃશંક રીતે કરીશ.

(૧૩) વાસનાનો લય થવા પ્રાણ-નિરોધ કરવાનો ઉપદેશ

રામ કહે છે કે-હે,ગુરુ મહારાજ,ઉત્તમ જ્ઞાનનો ઉદય થવાથી,અને વાસનાઓ દુર થવાથી,હું જીવનમુક્ત બની ચૂક્યો છું,પણ બીજાઓને માટે પૂછું છું કે-પ્રાણને રોકી-વાસનાઓ દુર કરીને કેવી રીતે જીવનમુક્ત થવાય?

વસિષ્ઠ કહે છે કે-સંસારને મનમાંથી નીકાળવાની જે (બીજી એક) યુક્તિ છે-તે "યોગ" નામે ઓળખાય છે.
"ચિત્તની વૃત્તિઓ રોકવી તે જ યોગ છે" અને તે યોગના બે પ્રકાર છે.
એનો "આત્મ-જ્ઞાન-રૂપ" એક પ્રકાર મેં સઘળા લોકોને (લંબાણથી -આગળ મુજબ) સંભળાવ્યો.
હવે "પ્રાણના નિરોધ-રૂપ" જે બીજો પ્રકાર છે-તે વિષે હું કહું છું તે તમે સાંભળો.

રામ પૂછે છે કે-એ બે પ્રકારોમાં સુલભ અને દુઃખ ના પડે તેવો-કયો પ્રકાર છે?
કે જાણવામાં આવવાથી,(સંસારનો) વિક્ષેપ-ફરી કોઈ પણ સમયે અડચણ ન કરે?

વસિષ્ઠ કહે છે કે-જો કે એ બંને પ્રકારો "યોગ" શબ્દથી કહેવાય છે-
તો પણ-તે "યોગ" શબ્દ-એ-પ્રાણના નિરોધ-રૂપ પ્રકારમાં અત્યંત વપરાયેલો છે.
આત્મ-જ્ઞાન અને પ્રાણને રોકવો-એ બંને ઉપાયો સંસાર-મુક્તિના કામમાં સમાન છે.
કોઈને પ્રાણ નો નિરોધ કરવો અશકય લાગે -તો કોઈને આત્મજ્ઞાન કરવું અશકય લાગે છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE