More Labels

Aug 14, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-583

(૨૧) કલ્પ-વૃક્ષનો મહિમા ને બીજાં અનેક વિચિત્ર વૃતાંતો નું સ્મરણ
ભુશુંડ કહે છે કે-હે વસિષ્ઠ મુનિ,યુગોના ભયંકર ક્ષોભો થાય છે અને અતિ વિષમ વંટોળો પેદા થાય છે,પણ આ કલ્પવૃક્ષ અત્યંત સ્થિર રહે છે અને કદી પણ કંપતું નથી.સઘળા લોકોમાં (પૃથ્વી-વગેરે લોકોમાં) ફરવાની શક્તિ ધરાવનારાં પ્રાણીઓથી પણ આ કલ્પ્વૃક્ષમાં આવી શકાય તેમ નથી,તેથી અમે અહી શાંતિ-પૂર્વક રહીએ છીએ.

હિરણ્યાક્ષ નામના દૈત્યે,પોતાના બળથી સાત-દ્વીપ-વાળી આ પૃથ્વીના મંડળનું હરણ કર્યું હતું,
ત્યારે પણ આ કલ્પવૃક્ષ કંપ્યું નહોતું.જેને સ્થિર રાખવાને માટે બીજા ઘણા ઘણા પર્વતોના ટેકા આપવામાં આવ્યા છે-એવો આ મેરુ-પર્વત પણ જયારે ચલાયમાન થયો હતો-ત્યારે પણ આ વૃક્ષ કંપિત થયું નહોતું.
અનેક પ્રસંગોએ આ રીતે- મેરુ પર્વત -કે જે અડગ સ્થિર ગણાય છે-તેનાથી પણ અધિક આ વૃક્ષ સ્થિર છે.
અમે એવા ઉત્તમ સ્થાનમાં રહીએ છીએ-કે અમને સંકટો શાથી પ્રાપ્ત થાય?
જો દુષ્ટ સ્થાનમાં  નિવાસ હોય તો જ સંકટો પ્રાપ્ત થાય છે.

વસિષ્ઠ કહે છે કે-હે,કાકભુશુંડ,પ્રલયના સમયોમાં ઉત્પાત સંબધી પવનો વાય છે
અને ચંદ્ર-નક્ષત્રો-સૂર્ય વગેરે પણ પડવા લાગે છે-ત્યારે તમે સ્વસ્થ કેવી રીતે રહી શકો છો?

ભુશુંડ કહે છે કે-જયારે કલ્પ-ને અંતે,જગતની સ્થિતિનો સઘળાઓ વ્યવહાર નષ્ટ પામે છે ત્યારે,
હું આ માળો ત્યજી દઈને વાસનાઓથી રહિત થયેલા મનની જેમ-
સઘળી કલ્પનાઓથી રહિત અને સઘળાં અંગોની ચેષ્ટાઓ ત્યજી દઈને આકાશમાં જ રહું છું.
જયારે સૂર્યો તપે છે ત્યારે હું વરુણ-સંબંધી-ધારણા ને બાંધીને રહું છું.
(વરુણ એ જળનો દેવ છે-તે વરુણ હું જ છું-એવી ચિત્તમાં ધારણા)

જયારે પ્રલય સંબંધી પવનો વાય છે -
ત્યારે હું "હું જ પર્વત છું" એવી ચિત્તમાં ધારણા બાંધીને આકાશમાં નિશ્ચલ થઈને રહું છું.
જયારે સઘળું જગત જળ-મય થઇ જાય છે-
ત્યારે-હું ચિત્તમાં વાયુની ધારણા (હું વાયુ છું) બાંધીને નિશ્ચલ-બુદ્ધિથી વાયુ ની જેમ આકાશમાં તર્યા કરું છું.
હું કોઈ પણ સમયે વિકાર થાય નહિ -તે પદને પ્રાપ્ત થઈને
ચોવીસે તત્વોના અંત રૂપ નિર્મળ-પદમાં સુષુપ્તિ ની જેમ એક-રસ-પણા-વાળી નિર્વિકલ્પ સમાધિમાંથી રહું છું.જયારે બ્રહ્મા પાછા ઉત્પન્ન થઈને સૃષ્ટિ કરવા લાગે છે-ત્યારે હું,ફરી,બ્રહ્માંડમાં પ્રવેશ કરીને આ માળામાં રહું છું.

વસિષ્ઠ કહે છે કે-તમે ધારણાઓ કરીને જે રીતે કલ્પ-ના અંતોમાં અખંડિત રહો છો-
તે રીતે બીજા યોગીઓ કેમ રહેતા નથી?

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE