Aug 13, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-582

હે વસિષ્ઠ મુનિ, મારું મન સાર-અસારના વિવેક-વાળું છે,બોધને લીધે શાંતિ પામેલું છે,ચપલતાથી રહિત છે,શાંત છે અને અત્યંત સ્થિર છે.હું સંસારના વ્યવહારથી ઉઠતા ખોટી આશાઓના પાશથી વિહવળ થતો નથી.ઊંચા ઉપશમ થી ભરેલી અને આત્મ-સ્વ-રૂપના બોધથી શીતળ થયેલી બુદ્ધિ-વડે,અમે "જગત-રૂપી માયાના તત્વ" ને જાણીને "ધીરજ" પામ્યા છીએ.

હે વસિષ્ઠ મુનિ,કાળના અનુક્રમથી ભયંકર દશાઓ આવી પડે તો પણ-
અમે નિશ્ચલ બુદ્ધિ-વાળા અને સ્ફટિક જેવા ચોખ્ખા રહીએ છીએ.
આરંભના સમયમાં જ સારી લાગે તેવી,આ જગતની ચંચલ સ્થિતિ,
જો વારંવાર વિચારવામાં આવે તો-તે અજ્ઞાનની કોઈ પણ ભ્રાંતિ કરી શકતી નથી.
હે મહારાજ,પ્રાણીઓના સમૂહો આવે છે ને જાય છે,
પણ વાસ્તવિક રીતે જોતાં જતા નથી અને આવતા પણ નથી,માટે અમને એ વિષયથી શો ત્રાસ હોય?

અમે પ્રાણીઓના સમૂહો-રૂપી તરંગો-વાળી અને આ કાળ-રૂપી સમુદ્રમાં પ્રવેશ કરતી,
આ સંસાર-રૂપી નદીના કિનારા પર રહ્યા છીએ,તો પણ,તેનાથી કશો ત્રાસ પામતા નથી.
અમે કશું ત્યજતા નથી અને કશું લેતા નથી,અહી રહ્યા પણ છીએ અને અહી રહ્યા પણ નથી.
સંસાર-રૂપી કાંટા-વાળી પૃથ્વીમાં વ્યવહાર નિભાવવા માટે જ પોચા-પોચા પગ મુકીએ છીએ.
પણ વાસ્વિક રીતે તો આ ઝાડમાં રહીને અમે સંસારનું ઉછેદન કરનારા છીએ.

હે ભગવન,આપના જેવા શોક,ભય અને દુઃખથી મુક્ત થયેલા પુરુષોએ-
પ્રસન્ન થઈને અમારા પર અનુગ્રહ કરેલો હોવાથી,અમે પણ નિરામય થઈને રહ્યા છીએ.
અમારું મન તે તે વિષયોમાં જવા છતાં પણ રાગ-દ્વેષ-આદિ વૃત્તિઓમાં લોટતું નથી.
અને ખરા તત્વનો વિચાર કર્યા વિના રહેતું નથી.
અમારું ચિત્ત,નિર્વિકાર,ક્ષોભ-રહિત અને આત્મામાં ઉપશમ પામેલું છે,
અને બ્રહ્માકાર વૃત્તિના ઉદયથી અમે જાગ્રત બોધ-વાળા થયા છીએ.

અમે હમણાં તમારો સમાગમ મળવાથી પ્રસન્ન થયા છીએ કેમ કે
સઘળી તૃષ્ણાઓ ત્યજી દેનારા સત્પુરુષોની સેવા મળે તો-એનાથી વધુ બીજી કોઈ શુભ-પ્રાપ્તિને હું માનતો નથી.
જેમના શોક-ભય તથા પરિશ્રમ ટળી ગયા છે-એવા આપ જેવા મહાપુરુષની અમારી પર કૃપા થઇ છે,
તેથી અમે તાપ-મુક્ત થઈને રહ્યા છીએ.
કેમ કે-સત્સંગ-રૂપ ચિન્તામણિ મળવાથી સર્વોત્તમ સાર-રૂપ જ્ઞાન પ્રાપ્ત થાય છે.

હે મહામુનિ,હું જો કે પરમાત્માને પ્રાપ્ત થઇ ચૂક્યો છું,તો પણ ધારું છું કે આપનાં દર્શનથી સઘળાં પાપો શાંત થતાં,
આજે મારો જન્મ સફળ થયો છે-કેમકે સાધુ-પુરુષોનો સંગ સઘળા ભયોને ટાળનાર છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE