Aug 26, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-595

અંદરના પ્રદેશમાં (હૃદયમાં) અપાન અસ્ત પામતાં અને પ્રાણ નો ઉદય થાય તે પહેલાં-જે કુંભક થાય છે-તેનું લાંબા કાળ સુધી અવલંબન કરવામાં આવે(એટલે કે પ્રાણ ના ઉદયને રોકવામાં આવે ) તો-ફરીવાર શોક કરવો પડતો નથી.

પ્રાણ અને અપાન -એ બંને જેની અંદર લય પામે છે,
તે શાંત આત્મ-રૂપ (આત્મા-પરમાત્મા) નું અવલંબન કરવામાં આવે તો-ફરી પરિતાપ પ્રાપ્ત થતો નથી.
અપાન-પ્રાણ નું ભક્ષણ કરી જતાં-કે-પ્રાણ-અપાન નું ભક્ષણ કરી જતાં,
(એટલે કે-બહાર અથવા અંદર-તેઓની વચલી અવસ્થામાં) દેશ-કાળ-આદિ ચૈતન્ય-સ્વ-રૂપ જ થઇ જાય છે.
તેનું અનુસંધાન કરવામાં  આવે તો-ફરી વાર  શોક કરવો પડતો નથી.અને મન ફરીવાર ઉત્પન્ન થતું નથી.

જે અંદરના સ્થળમાં પ્રાણ-અપાન ને ગળી જાય છે અને જે બહારના સ્થળમાં અપાનને પ્રાણ ગળી જાય છે-
તે બંને સ્થળમાં (કુંભક ના સમયમાં)  દેશ અને કાળ નાશ પામે છે-તેનો વિચાર (અનુભવ) કરી જુઓ.
પ્રાણનો અસ્ત થયા પછી અપાન ના ઉદય વગરની જે "ક્ષણ" રહે છે-
તે પ્રયત્ન વગર જ મળેલ બહારનો કુંભક છે.
અને અપાન નો અસ્ત થયા પછી પ્રાણના ઉદય વગરની જે "ક્ષણ" રહે છે-
તે પ્રયત્ન વગર જ મળેલ અંદરનો કુંભક છે.
એમ યોગીઓએ નિર્ણય કરેલો છે-અને એ કુંભક જ આત્માનું રૂપ છે.
એ કુંભક જ શુદ્ધ પરમ ચૈતન્ય છે,એ કુંભક જ સર્વના અધિષ્ઠાન-રૂપ છે.
અને એ કુંભકને પામીને ફરી વાર શોક કરવો પડતો નથી.

જેમ પુષ્પની અંદર સુગંધ રહે છે-તથા જેમ જળની અંદર રસ રહે છે-
તેમ પ્રાણની અંદર રહેલ પ્રાણના અધિષ્ઠાન-રૂપની અને-
પ્રાણ-અપાન થી પણ રહિત એવા ચૈતન્ય-રૂપ-આત્માની અમે ઉપાસના કરીએ છીએ.
ચિદાત્મા-કે જે પ્રાણ અને અપાન ના નાશ થયા પછી પણ રહે છે-
તે પ્રાણ-અપાન ના મધ્ય-રૂપ (સમ-રૂપ) પણ છે-તે ચૈતન્ય-રૂપ-આત્મા ની અમે ઉપાસના કરીએ છીએ.

ચિદાત્મા-કે જે-વાસ્તવિક સત્ય છે-મન ના પણ મન-રૂપ છે,બુદ્ધિના પણ બુદ્ધિ-રૂપ છે,
અને અહંકારના પણ અહંકાર-રૂપ છે-તે ચૈતન્ય-રૂપ-આત્મા ની અમે ઉપાસના કરીએ છીએ.
જેમાં સઘળું રહ્યું છે અને જેથી સઘળું થયું છે-જે સઘળા-રૂપ છે- જે સર્વ સ્થળમાં રહેલ છે-સર્વ-મય છે-
અને નિત્ય છે-તે ચૈતન્ય-મય-આત્માની અમે ઉપાસના કરીએ છીએ.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE