Aug 30, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-599

હે મહામુનિ,ત્રૈલોક્ય-રૂપી-કમળમાં,ભ્રમરની જેમ રહેલો,હું ભુશુંડ નામનો કાગડો,
ઉપર કહેલાં કારણો થી ચિરંજીવ થઈને રહ્યો છું.
આ બ્રહ્મ-રૂપી-સમુદ્રમાં ત્રણ જગતો તરંગ-રૂપ છે,કે જે પ્રગટ થાય છે-રહે છે-લીન થાય છે-તેવાં તે (બ્રહ્મનાં) વિચિત્ર સ્વરૂપો છે.
આ તરંગો વારંવાર મોટા થઈને લય પામે છે,પ્રગટ થાય છે,અને ફરી ફરી પાછા પ્રગટ થાય છે-એ જગતનું ઉત્થાન અને લય-હું સમાધિ ધારણ કરીને જોયા કરું છું.

(૨૭) ભુશુંડ ના આખ્યાન ની સમાપ્તિ

ભુશુંડ કહે છે કે-જ્ઞાનને પાર પહોંચેલા હે વસિષ્ઠ મુનિ,હું જે પ્રકારથી જીવું છું અને વાસ્તવિક રીતે જે હું છું-
એ સઘળું કેવળ તમારી આજ્ઞા પાળવા માટે મેં ધીર-પણાથી આપને કહી સંભળાવ્યું છે.

વસિષ્ઠ કહે છે કે-હે મહારાજ,તમે તમારો જે વૃતાંત પ્રગટ કર્યો તે અતિ વિચિત્ર છે,અમારા જેવાને,
કાનના આભુષણ-રૂપ છે અને અત્યંત વિસ્મય આપનારો છે.હું અત્યંત ભાગ્યશાળી છું,કે-
બુદ્ધિને પવિત્ર કરે એવો આપનો યથાર્થ વૃતાંત આપે મને કહી સંભળાવ્યો.

હું સઘળી જગ્યાઓએ ફર્યો છું અને મેં દેવતાઓની વિભૂતિઓ જોયેલી છે,
પરંતુ આપ જેવો કોઈ પણ મહાત્મા મેં જોયો નથી.
મેં શરીરવાળા છતાં-શરીરના અભિનિવેશ વગરના આપનાં દર્શન કર્યા છે,તેથી હું ધારું છું કે-
આજ મેં મોટામાં મોટું શુભ કાર્ય કર્યું  છે.આપનું કલ્યાણ થાઓ.
હવે આપ સુખથી આપના સ્થાનમાં પ્રવેશ કરો,મધ્યાહ્ન નો સમય થયો છે
તેથી મધ્યાહ્ન -સંબંધી કર્મો (સંધ્યા-વગેરે) કરવાને માટે મારા સ્થાનમાં (સપ્તર્ષિઓના લોકમાં) જાઉં છું.

વસિષ્ઠ રામચંદ્રજીને કહે છે કે-સત્યયુગના પહેલાં બસો વર્ષ વ્યતીત થયા પછી,
હું મેરુ-પર્વતના શિખર પરના,તે કલ્પવૃક્ષ'માં ભુશુંડ ને મળ્યો હતો,
હમણાં તો સત્ય-યુગ પૂરો થઈને ત્રેતા-યુગ ચાલે છે,કે જે ત્રેતાયુગના મધ્યમાં તમે જન્મ્યા છો.
એ પછી આજથી આઠમે વર્ષે-એ જ પર્વતની ઉપર હું ભુશુંડ ને (ફરી) મળ્યો હતો,
તે સમયે પણ ભુશુંડ નું રૂપ વૃદ્ધાવસ્થા વિનાનું જ હતું.

મેં આ પ્રમાણે તમને ભુશુંડ ની વિચિત્ર તથા ઉત્તમ વૃતાંત કહી સંભળાવો,
હવે આ ઉપરથી મનમાં વિચાર કરીને,જે માર્ગ યોગ્ય જણાય,તે માર્ગે (યોગ કે જ્ઞાન ના માર્ગે) તમે ચાલો.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE