Nov 17, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-664

બ્રહ્મમાં જ્યાં જેવો આકાર કલ્પવામાં આવે છે ત્યાં તેવો આકાર પ્રતીત થાય છે,
એટલા માટે,જે કંઈ છે તે સઘળું બ્રહ્મની સત્તા-રૂપ જ છે અને સુષુપ્તિની પેઠે જ રહેલ છે.જેમ શિલાની અંદર કલ્પાયેલાં મિથ્યા-ભૂત કમળો કદી પણ સાચી સ્થિતિ મેળવતાં નથી,
તેમ,બ્રહ્મની અંદર કલ્પાયેલી સૃષ્ટિ-આદિ મિથ્યાભૂત દશાઓ કદી પણ પોતાની અલગ સ્થિતિને પ્રાપ્ત થતી નથી.

(૪૭) બ્રહ્મમાં જગત-આદિ ભેદોનું નિરૂપણ

વસિષ્ઠ કહે છે કે-"ચૈતન્ય-તત્વ જ્યાં સુધી પોતાના સ્વ-રૂપને ભૂલી જાય છે-ત્યાં સુધી જ તેમાં સૃષ્ટિ હોય છે"
એમ જણાવવા માટે-બીલાનું દ્રષ્ટાંત આપ્યું.
ચૈતન્યનું જાણે બીજા પ્રકારનું સ્વપ્ન હોય-એવા ક્રમથી કલ્પાયેલી-પણ પોતાની સત્તાની ગોઠવણથી
આ સૃષ્ટિ ચૈતન્યમાં રહેલી છે,માટે ચૈતન્ય ની "પારમાર્થિક સત્તા" છે,અને સૃષ્ટિની "પ્રાતિભાસિક સત્તા" છે,
તેથી ચૈતન્યમાં કોઈ જાતનો સ્વગત ભેદ નથી.

દેશ,કાળ અને ક્રિયાઓ વગેરે પણ ચૈતન્યમય જ છે,માટે ચૈતન્યમાં "આ અન્ય છે અને આ અન્ય નથી"
એમ કહેવું ઘટતું નથી.સઘળા શબ્દો,શબ્દોના અર્થો,તેઓની વાસનાઓ અને
તેઓથી થતી સંકલ્પ-વિકલ્પ-રૂપ-કલ્પનાઓને જાણનાર-ત્રણે અવસ્થાઓમાં એક-રૂપ હોવાથી સત્ય છે,
માટે તેના જોવામાં આવતું આ જગત-અત્યંત અસત છે એમ પણ કેમ કહી શકાય?
ચૈતન્યમાં,ચૈતન્યની સત્તાથી જ રહેલું આ જગત નામ-માત્રથી જુદું છે,વાસ્તવિક રીતે જુદું નથી.

ચૈતન્યની અંદર રહેલી ચૈતન્યની જ જગત-રૂપ સત્તા,એક છતાં પણ અનેક જેવી ભાસે છે,
અને વિકાર-વાળી નહિ હોવા છતાં વિકૃત જેવી ભાસે છે.
આમ,બ્રહ્મમાં રહેલું જગત,બ્રહ્મથી જુદું નહિ છતાં જુદા જેવું પ્રતીત થાય છે-
માટે શિલાની અંદર (શિલ્પીના) મનથી કલ્પાયેલા કમળ-વન નું દ્રષ્ટાંત આપ્યું છે.

જેમ,સૂર્ય પોતાનું સ્વ-રૂપ પ્રગટ કરીને દિવસને દેખાડે છે અને પોતાનું સ્વ-રૂપ ઢાંકી દઈને રાત્રિ દેખાડે છે,
તેમ,ચૈતન્ય-રૂપી-સૂર્ય,પોતાના ઢંકાવાથી જગત દેખાડે છે અને સ્વ-રૂપ પ્રગટ થવાથી જગતના અભાવ ને દેખાડે છે.ચૈતન્યના ગર્ભમાં જગતના ભેદો,ચૈતન્ય-માત્ર છતાં જુદા જેવા જ દેખાય છે-
માટે શિલાની અંદર મનથી કલ્પાયેલા આકાર (કમળ-વન) નું દ્રષ્ટાંત છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE