Nov 18, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-665

ચૈતન્ય-રૂપ-ગર્ભ,કે જે જગત હોય ત્યારે પણ હોય છે અને જગત ન હોય ત્યારે પણ હોય છે,
તે જ સત્ય છે અને જગતનું મૂળ-તત્વ પણ એ જ છે-માટે જગત બ્રહ્મ-મય છે એમ પણ કહેવાય છે અને તે બ્રહ્મ જ છે -એમ પણ કહેવાય છે.
જેમ શિલાના ઉદરથી જુદો પાડીએ -તો કમળ-વન-વગેરે શબ્દોનો મુદ્દલે અર્થ છે જ નહિ,તેમ ચૈતન્યથી,જગત છુટું પાડવામાં આવે તો-જગત મુદ્દલે છે જ નહિ.

જેમ શિલાના ઉદર પર દૃષ્ટિ ન કરીએ તો-કમળવન આદિ શબ્દોનો અર્થ અનેક અવયવો વાળો છે,
તેમ ચૈતન્ય ઉપર દૃષ્ટિ ના કરીએ તો-જગત-શબ્દનો અર્થ અનેક અવયવો વાળો છે.
એટલા માટે જગત ચૈતન્ય-મય છે અને અદ્વિતીય છે.
એ જગત અનેક વિભાગો-વાળું દેખાવા છતાં પણ ચૈતન્યના ગર્ભ-રૂપે વિભાગો વગરનું જ છે.

જેમ ઝાંઝવાનું જળ,મૃગોની દૃષ્ટિથી નિર્મળ જળ-રૂપ છે,અને વિદ્વાનોની દૃષ્ટિથી તડકા-રૂપ છે,
તેમ, આ જગત અજ્ઞાનીઓની દૃષ્ટિથી દ્વૈત-રૂપ છે અને જ્ઞાનીઓની દૃષ્ટિથી તો બ્રહ્મ જ છે.
જેમ ઝાંઝવાના પાણીમાં પડેલો તડકો સાચો હોવા છતાં મિથ્યા જળ જેવો દેખાય છે,
તેમ,સત્ય-બ્રહ્મ-રૂપ એ જ સત્ય હોવા છતાં,મિથ્યા દેહ-રૂપ ભાસે છે.(વાસ્તવમાં દેહ-રૂપ નથી)

જેમ,ભરપૂર સમુદ્ર ચલનથી રહિત  છતાં,પણ,તેનું જળ પ્રવાહી હોવાથી તે ગતિ કરતો લાગે છે,
તેમ, ચૈતન્ય નો ગર્ભ કલ્પનાથી રહિત છતાં પણ કલ્પના-વાળો જણાય છે,ને સ્થૂળ-પણામાં વધારે સ્પષ્ટ દેખાય છે,
જેમ,શિલાની અંદર (કારીગરના) મનથી કલ્પાયેલો-શંખો-કમળોનો સમૂહ-શિલામય છતાં પણ,
જ્યાં સુધી શિલા ન ઓળખાય ત્યાં સુધી શિલામય નથી,
તેમ, ચૈતન્યની અંદર જીવન મનથી કલ્પાયેલું આ જગત ચૈતન્યમય છતાં પણ,
જ્યાં સુધી ચૈતન્ય નું જ્ઞાન ન હોય ત્યાં સુધી ચૈતન્ય-સ્વ-રૂપ નથી.

જેમ શિલાના ગર્ભ ની અંદર કમળ-વન રહે છે,તેમ,બ્રહ્મ-રૂપ-શિલાની અંદર રહેલું,આ ઘાટું જગત,પણ,
બ્રહ્મ-દૃષ્ટિ થી જોતાં અખંડ છે,અદ્વૈત છે,સ્વચ્છ છે,જન્મથી રહિત છે,અને શાંત જ છે.
તે નિર્મળ બ્રહ્મ,જગતને પ્રકાશ આપે છે અને તે બ્રહ્મ જ જગત-રૂપે સ્ફુરે છે.
બ્રહ્મમાં સુષુપ્તની પેઠે રહેલું આ જગત,
શિલામાં કારીગરના મનથી ક્લ્પાયેલા કમળની જેમ,અબાધિત-પણાથી રહેતું નથી.

અખંડ દૃષ્ટિથી જોઈએ તો-જેમ બ્રહ્મમાં બ્રહ્મપણું છે,તેમ બ્રહ્મમાં જ આ જગત-પણું છે,
જગત અને બ્રહ્મ-એ બે શબ્દોમાં કોઈ ભેદ નથી.
જેમ ચૈતન્યનાં જન્મ-મરણ વગેરે નથી,તેમ જગતનાં જન્મ-મરણ-વગેરે નથી.
જેમ,વિચાર-દૃષ્ટિથી જોતાં,ઝાંઝવાનાં પાણી-તડકા-રૂપ થઇ જાય છે,
તેમ,વિચાર-દૃષ્ટિથી જોતાં જગત શુદ્ધ બ્રહ્મ-રૂપ થઇ જાય છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE