Dec 3, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-679

એ લિંગ શરીર આકાર વિનાનું હોવા છતાં પણ અત્યંત પુષ્ટ છે,વાયુ-રૂપ છતાં પણ દુર્ભેદ્ય છે અને સુક્ષ્મ છતાં દ્રઢ છે.
એ લિંગ શરીર,વૈરાગ્ય-આદિના અભ્યાસથી અને શમાદિક સાધનોની સંપતિના ક્રમથી,
શાંત થાય તો જ મુક્તિ થાય છે.એ લિંગ શરીરની-સુષુપ્તિ અને સ્વપ્ન-એવી બે અવસ્થાઓ છે,
તેમાં સુષુપ્તિ અવસ્થામાં વાસના-રૂપે સઘળા જડ-પ્રપંચનો નાશ થાય છે પણ સ્વપ્નાવસ્થામાં જડ-પ્રપંચ દેખાય છે.
એ લિંગ-શરીર,મોક્ષ પ્રાપ્ત થતા સુધી,સ્થાવર-જંગમ-વગેરે આકારો લઈને ભમ્યા કરે છે.
સર્વ જીવોનું આ લિંગ-શરીર કોઈ સમયે સુષુપ્તિ અવસ્થામાં તો કોઈ સમયે સ્વપ્નાવસ્થામાં રહે છે.
પણ,લિંગ શરીરની સર્વથા શાંતિ તો મોક્ષમાં જ છે.

સુષુપ્તિમાં રહેલું લિંગ શરીર,પાછળથી જયારે,ખરાબ સ્વપ્નોથી પીડાય છે,
ત્યારે પ્રલય-કાળના અગ્નિ જેવું તપી જાય છે અને ભાન ભૂલી જાય છે.
સ્થાવર-આદિ શરીરોમાં રહેલું લિંગ-શરીર,મોહની અત્યંત ઘાટાઈને લીધે,
સુષુપ્તિ અવસ્થામાં રહે છે તેમ સમજવું.

ચિત્તની જડતાનો જે વધારો છે-તે જ સુષુપ્તિ છે,ચિત્તનું જે ભટકવું-તે જ સંસાર છે.
ચિત્તનો જે તત્વ-બોધ છે તે જ મુક્તિ છે,અને તુરીય-પણું એ જ જાગૃતિ અવસ્થા છે.
જીવ,બોધથી જ પરમાત્મા-પણાને પ્રાપ્ત થાય છે.બોધથી જે મુક્તિ છે-તે બે પ્રકારની છે.
એક-જીવન-મુક્તિ અને બીજી વિદેહ-મુક્તિ.
સાક્ષી-પણામાં જે સ્થિતિ છે-તે જીવન-મુક્તિ અને તુરીયપદમાં જે સ્થિતિ છે-તે વિદેહ-મુક્તિ કહેવાય છે.

જીવ,બોધથી બ્રહ્મ-રૂપ થાય છે અને તે બોધ,બુદ્ધિના પ્રયત્નથી થાય છે.
જો જીવ પ્ર્માંનોથી પોતાના સ્વ-રૂપને જાણે,તો સાક્ષી-રૂપ થઈને રહે છે,
જીવની અંદર ચૈતન્ય-કળા સિવાય બીજું કંઈ છે જ નહિ,
પણ જે ચૈતન્ય-કળાને જીવ,પોતાથી જુદું જાણે છે,તે જીવ વૃથા શોક કર્યા કરે છે.
અહો,માયાનો વિલાસ અપાર છે,કે જેથી,જીવ-રૂપ પરમાણુની અંદર,
પરમ-ચૈતન્ય વિના બીજું કશું નહિ હોવા છતાં,પણ,જ્યાં-ત્યાં જગત જ જોવામાં આવે છે !!

વાસનાનો ઉદય,એ જ બંધન છે,અને વાસનાનો નાશ એ જ મોક્ષ છે.
સુષુપ્તિમાં વાસનાઓ પ્રગટ થતી નથી પરંતુ સ્વપ્નમાં પ્રગટ થાય છે.
પથ્થર જેવા જડ પદાર્થોમાં વાસનાઓ ખુબ જ છુપાયેલી હોય છે.પશુ-પક્ષીઓમાં તે વાસના સહજ દેખાય કરે છે,
અને મનુષ્યોમાં તો તે વાસના પાતળી બની-સદા દેખાય કરે છે.

જયારે,દેહમાં અહંભાવથી "હું દેહ-રૂપે છું" એવી મર્યાદા બંધાય,ત્યારે ઘડો-આડી પદાર્થો પ્રગટ થાય છે.
જયારે ચક્ષુ-આદિ દ્વારથી અંતઃકરણ દ્વારા નીકળેલો જીવ બહાર આવી ઘડો-આદિ પદાર્થો-વાળો થાય,
ત્યારે "હું ઘડાને જાણું છું" એવી રીતે ગ્રાહ્ય-ગ્રાહક ની વાસના-રૂપ સત્તા પ્રગટ થાય છે.
જયારે આત્માનો,બહારના ઘડો-આદિ અનાત્મ પદાર્થ સાથે સંયોગ થાય છે,
ત્યારે ચૈતન્ય-પણાને લીધે,ગ્રાહ્ય-ગ્રાહકની બુદ્ધિ,ઝાંઝવાના પાણીને પેઠે ઉદય પામે છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE