More Labels

Jan 12, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-720

સ્વ-રૂપમાં-સ્થિતિ-રૂપ-લીલાથી રહેનારા જીવનમુક્ત-પુરુષો,વાકમૌન-વગેરે ત્રણ મૌનને,તે  (મૌનો) બંધન-રૂપ હોવાથી,ત્યજી દેવા યોગ્ય જાણીને -તેના પર અરુચિ રાખે છે.અથવા,
તે મૌનો પણ "એક જાતનો ચિદાનંદનો વિલાસ જ છે" -એમ જાણીને તેમના પર જો અરુચિ રાખે નહિ,
તો પણ તેઓ એ ત્રણે મૌનોને ગ્રાહ્ય (ગ્રહણ કરવા યોગ્ય) તો સમજતા જ નથી.
આ સુષુપ્ત મૌન કે જે આમ,જીવન્મુક્તના અનુભવમાં રહેલું છે,
એટલે કે જેણે પુનર્જન્મ ન થવાનો હોય-તેને જ પ્રાપ્ત થાય એવું છે.તેનું,હવે હું વિશેષ વર્ણન કરું છું.

આ મૌનમાં શરીરની અંદર,ઉંચે-નીચે-મધ્યમાં ફરનાર પ્રાણ પર સંયમ કરવો પડતો નથી.પ્રાણની કોઈ પણ જાતની યોજના કરવી પડતી નથી.અને સઘળી ઇન્દ્રિયો વિષયના લાભથી હર્ષ કે -નિરોધના ક્લેશથી ગ્લાનિ પામતી નથી.
આ મૌનમાં,દ્વૈતની કલ્પના ઉદય પણ પામતી નથી કે તેમ શાંત પણ થતી નથી.
સમાધિ હોય કે ના હોય તો પણ આ મૌનમાં ચિત્ત,ચિત્ત-રૂપ રહેતું નથી,કે અચિત્ત-રૂપ પણ થઇ જતું  નથી.
સત પણ રહેતું નથી કે અસત પણ થઇ જતું નથી,કે કોઈ બીજા પ્રકારનું પણ થઇ જતું નથી,
પણ,વિકલ્પોના ક્ષયને લીધે વિભાગો વિનાનું,અભ્યાસની અપેક્ષાથી પણ રહિત,
અને સર્વવ્યાપક-આત્મ-રૂપ  હોવાને લીધે,આદિ-અંતથી રહિત થાય છે.આ સુષુપ્ત મૌન નું લક્ષણ છે.

આત્મા-તત્વ,કે જેમાં જગત-રૂપી ભ્રમ દેખાય છે,તેને શંકા-રહિત યોગ્ય-સ્વ-રૂપમાં જાણીને રહેવું,
એ સુષુપ્ત મૌન કહેવાય છે.પરબ્રહ્મ કે જે અનેક સવિકલ્પ જ્ઞાનોના આત્મા-રૂપ છે,તેવા જ-પૂર્ણ થઈને મર્યાદા-રહિત સ્થિતિમાં રહેવું-એ સુષુપ્ત-મૌન કહેવાય છે.
"આ સઘળું જગત શૂન્ય છતાં પણ અધિષ્ઠાનની સત્તાથી શૂન્ય નથી અને અધિષ્ઠાનની સતાથી અસ્તિત્વ
ધરાવતું હોય તો પણ તે (જગત) પોતાની સત્તાથી તે હોતું નથી"
એવી પાકી સમજણથી ચિત્ત,સમ તથા શાંત રહે તે -સુષુપ્તિ મૌન કહેવાય છે.

જે સ્થિતિમાં "સઘળું જગત સત કે અસત નથી,પોતાની સત્તાથી શૂન્ય તથા નિરાધાર છે,
અને,અધિષ્ઠાન-રૂપે જોતાં શાંતિ-માત્ર છે-જ્ઞાન-માત્ર છે" એવી પાકી સમજણ રહે-તે સ્થિતિ સુષુપ્તિ-મૌન છે.
જે સ્થિતિમાં,આત્મતત્વનો ફેલાવો કરીને પ્રગટ થનારા ભાવો-રૂપ,અભાવો-રૂપ,દશાઓ-રૂપ કે
દેશ આદિ વિવર્ત-રૂપ,વિવર્ત થાય જ નહિ-એ સુષુપ્ત મૌન કહેવાય છે.

"હું પણ નથી,બીજા પણ નથી,મન કે કલ્પનાઓ પણ નથી,પણ જે કંઈ છે તે-વિષય-રહિત-જ્ઞાન-માત્ર જ છે"
એવી એકધારી સમજણ -તે સુષુપ્ત મૌન કહેવાય છે.
"જેમાં આ જગતની અંદરના સઘળા અર્થોનો એકરસ થઇ જાય છે-એવું જે સત્તા-સામાન્ય છે-તે હું છું"
એવી જે અખંડ સમજણ હોય-તે સુષુપ્ત મૌન કહેવાય છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE