Jan 14, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-722

રામ કહે છે કે-જો,રુદ્ર (શંકર) સઘળી શક્તિઓથી ભરપૂર છે-તો-પોતાના માટે,સારી સ્થિતિઓની કે સારા આચરણોની કલ્પના નહિ કરતાં,માણસોની ખોપરીઓની માળાનાં ઘરેણાં શા માટે ધારણ કરે છે?
શા માટે શરીર પર ભસ્મ લગાવે છે? શા માટે નગ્ન રહે છે?
શા માટે સ્મશાનમાં રહે છે? કેમ સ્ત્રી-સંગ રાખે છે?

વસિષ્ઠ કહે છે કે-મહા-સમર્થ અને સિદ્ધ જીવનમુક્ત લોકોને,શાસ્ત્રોમાં કહેલી જ,મંગળરૂપ જ,અને સુખ આપનારી જ ક્રિયાઓ કરવાનો નિયમ નથી,કેમકે તેઓ વિધિનિષેધના દાસ નથી,સઘળી માંગલિક ક્રિયાઓને પણ તેઓ તત્વ-દૃષ્ટિથી (તેને) અમંગળ-રૂપ માને છે અને તેમના પ્રારબ્ધમાં અશુભ અશુભ લખેલું નહિ હોવાથી,
દુઃખની સામગ્રીથી દુઃખ નહિ પામતાં,સર્વને સુખ-રૂપ જ ગણે છે.
માટે જેમ અજ્ઞાનીઓની ક્રિયાઓનો નિયમ છે-તેમ જીવનમુક્તને નથી.

અજ્ઞાની પુરુષ તો રાગ-દ્વેષ તથા લોભ આદિ હજારો દોષથી ગભરાયેલા ચિત્ત-વાળો હોવાથી,
જો ક્રિયાઓના નિયમ વગર ચાલે તો-જન્મ-મરણ,નરક-વગેરે પરમ દુઃખને પામે છે.
જીવનમુક્ત લોકો તો,જિતેન્દ્રિયપણાને લીધે,જ્ઞાન-પણાને લીધે તથા વાસનાઓથી રહિતપણાને લીધે,
રાગ-દ્વેષથી મુક્ત હોય છે.એ લોકો સર્વદા,કાક-તાલીય ન્યાયને પ્રમાણે આવી પડેલી ક્રિયાઓ કર્યા કરે છે,
તો પણ કશું કરતા નથી કેમ કે તેમને કોઈમાં પણ આસક્તિ હોતી નથી.

વિષ્ણુ પણ એમ કાકતાલીયની રીતે અવતાર ધરવા આદિ કર્મો કરે છે,શિવ અને બ્રહ્મા પણ એ રીતે કર્મો કરે છે.
એ જીવનમુક્ત લોકોને કોઈ કર્મ નિંદ્ય-અનિંદ્ય ,ત્યાજ્ય-ગ્રાહ્ય કે યોગ્ય-યોગ્ય નથી,અને કોઈ કર્મ બંધન આપનાર પણ નથી.જેમ,સૃષ્ટિના આરંભથી જ અગ્નિ-વગેરેના ગરમી-આદિ ધર્મો સ્વભાવિક રીતે જ પ્રગટ થયેલા છે
તેમ,શિવ-આદિના સ્મશાનમાં ભટકવું આદિ કર્મો-સ્વાભાવિક રીતે જ પ્રગટ થયેલાં છે.

અજ્ઞાની લોકોની ક્રિયાઓ એમ,સ્વાભાવિક રીતે સૃષ્ટિના આરંભમાં પ્રગટ થતી નથી,પણ સૃષ્ટિની જમાવટ થયા પછી-તે તે વર્ણાશ્રમ-આદિ વિભાગોની દોરવણીથી જુદીજુદી કલ્પાયેલી છે
અને તે ક્રિયાઓ તેમને,આ લોક કે પરલોકમાં સુખ-દુઃખ-રૂપી ફળો પણ આપે છે.
હે રામચંદ્રજી,કાષ્ટ તપસ્વી અને જીવનમુક્ત -કે જે દેહ-વાળા હોય છે,તેમના મૌનો વિષે મેં તમને વિસ્તારથી કહ્યું,પણ વિદેહમુક્ત વિષે તમને કહ્યું નથી,માટે તે હવે તમે સાંભળો.

ચૈતાન્યાત્મક "આત્માકાશ" કે જે આકાશથી પણ અધિક સ્વચ્છ છે,તે પણાની પ્રાપ્તિ થવી તે પરમ પુરુષાર્થ છે.
એ પ્રાપ્ત થવાના ઉપાયો હું કહું છે.
પરમ પુરુષાર્થ (પરમાત્મા) ની પ્રાપ્તિના "સાંખ્ય" અને "યોગ" એ બે જુદાજુદા ઉપાયો છે.
જેઓ વિવેક અને વિચારથી પ્રાપ્ત થયેલા,"રાજયોગ"થી બ્રહ્મ-તત્વને સંપૂર્ણ રીતે જાણીને,
તેનું જ અભેદથી નિરંતર અનુસંધાન કરે છે-તે "રાજ-યોગી" કહેવાય છે.
જેઓ "હઠયોગ"થી પ્રાણ-આદિ પવનોને (વાયુઓને) શાંત કરીને
નિર્દોષ તથા આદિ-અંતથી રહિત પરમ-પદને પામ્યા છે તેઓ "યોગ-યોગી" (કે હઠયોગી)  કહેવાય છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE