Mar 9, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-755

જે કાંઇ આ દૃશ્ય-પ્રપંચ જોવામાં આવે છે તે સઘળો,અગ્નિષોમીય હોવાથી અગ્નિનો નાશ થવામાં,
સોમ,સત્તા-રૂપ-પરિણામથી કારણ-રૂપ છે અને સોમના વિનાશમાં અગ્નિ,સત્તા-રૂપ પરિણામથી કારણ-રૂપ છે.
જેમ,દિવસ નાશ પામી (દિવસના) અભાવ-પરિણામથી રાત્રિ થાય છે,
તેમ અગ્નિ નાશ પામી (અગ્નિના) વિનાશ પરિણામથી સોમ-રૂપ (અંધકાર-રૂપ) થાય છે.
અંધકાર-પ્રકાશ,છાયા-તડકો,દિવસ-રાત્રિ,એમાં સર્વથી વિલક્ષણ અને સર્વમાં પરોવાયેલું,જે કાંઇ,સત્તા-રૂપ વસ્તુ (બ્રહ્મ) છે તેને પંડિતો પણ (જ્ઞાન વિના) જોઈ શકતા નથી.

અંધકાર-પ્રકાશ,છાયા-તડકો,દિવસ-રાત્રિના સંધિમાં જે "જોડાણ" છે-તે "શૂન્ય-રૂપ" નથી,
કેમ કે-એ બંનેનો પહેલો અને છેલ્લો અવયવ-એ જોડાણમાં પરસ્પર લાગેલો છે.
જેમ એક પદાર્થમાં (પોતાનો) ભાવ અને (વિરોધીઓનો) અભાવ એ બંને રહે છે,
તેમ,એ એક જોડાણમાં,બંનેની ભાવ અને અભાવ-રૂપે સ્થિતિ છે.
(પ્રકાશ પોતે પોતાના સ્વરૂપથી ભાવ-રૂપ છે અને અંધકારના અભાવ-રૂપે,અભાવ-રૂપ છે-વગેરે)

ભૂમંડળમાં જેમ,અંધકાર-પ્રકાશ,દિવસ-રાત્રિ,જોડાયેલાં જ હોય છે,તેમ,સર્વ પ્રાણીઓ ચૈતન્ય અને જડતા વડે જોડાયેલાં જ છે.જેમ,જળ અને અમૃતના ભેગા થવાથી ચંદ્રબિંબ ની સ્થિતિ હોય છે,
તેમ, ચૈતન્ય-રૂપી અને જડ-રૂપી આ જગતની સ્થિતિનો આરંભ જોવામાં આવે છે.
હે રામચંદ્રજી,જગતમાં જે પ્રકાશ-રૂપ અને ચૈતન્ય-રૂપ સૂર્ય પ્રકાશે છે-તે અગ્નિ-રૂપ છે
અને જે કંઈ જડ-રૂપ તથા તમ-રૂપ (અંધકાર-રૂપ) છે તે સોમનું શરીર છે તેમ સમજો.

જેમ,બહારના આકાશમાં સૂર્યનો ઉદય થવાથી રાત્રિનું અંધારું જતું રહે છે,
તેમ, ચૈતન્ય-રુપ સૂર્યનો અનુભવ-રૂપે ઉદય થવાથી જન્મ-મરણ-આદિ,સંસારને ઉત્પન્ન કરનાર અજ્ઞાન પણ નાશ પામે છે.જેમ અર્ધ રાત્રિએ શોભતા ચંદ્રમામાં,પ્રતિબિંબ-રૂપે સૂર્યની પ્રભા હોવા છતાં પણ ચંદ્રની સત્તા વડે તે ઢંકાઈ જઈને અસત્ય જેવી લાગે છે,તેમ,પોતાનું પ્રકાશ-રૂપ ચેતન-સ્વ-રૂપ,
સોમ-રૂપ-જડ-દેહમાં સત્તા-રૂપે સત્ય હોવા છતાં,દેહ-સત્તા વડે ઢંકાઈ જવાથી અસત્યવત ભાસે છે.

જેમ,ચંદ્ર-મંડળમાં સૂર્યપ્રભા-રૂપે ગયેલો અગ્નિ,ચંદ્ર-બિંબને પ્રકાશિત કરે છે,
તેમ,જીવ-રૂપે દેહમાં પ્રવિષ્ટ થયેલું ચૈતન્ય પણ દેહમાં,જીવતાં સુધી અહંભાવ-આદિનો પ્રકાશ કરે છે.
અન્યોન્ય સંબંધ થવાથી,ચંદ્રમાં પ્રતિબિંબિત થયેલી સૂર્યપ્રભા,જેમ ચંદ્રમંડળમાં ચંદ્રમા-રૂપ બની જાય છે,
તેમ,એ જીવ-રૂપ ચૈતન્ય પણ જડ-દેહમાં અધ્યાસથી (આભાસથી) તે (જડ) રૂપે બની જાય છે.
ચૈતન્ય આત્મા પોતે નિષ્ક્રિય અને ઉપાધિ-શૂન્ય હોવાથી તેની સ્થિતિ ચક્ષુ-આદિ વડે જોવામાં આવતી નથી,
પરંતુ જેમ દીપ દ્વારા પ્રકાશ જોવામાં આવે છે તેમ,એ ચિત્ત-સત્તા પણ દેહ-રૂપ ઉપાધિ દ્વારા સ્પષ્ટ દેખાય છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE