Mar 12, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-758

(૮૨) અણિમાદિ સિદ્ધિઓના ઉપાય
વસિષ્ઠ કહે છે કે-યોગીઓનો દેહ જે ક્રિયાથી અણુતા ને કે સ્થૂળતાને પ્ર્રાપ્ત થાય છે,
તે હું હવે કહું છું.
હૃદય-કમળના ચક્રની ઉર્ધ્વ (ઉપલી) પાંખડી,ઉપર (સોનાના ભમરા જેવો) પીળો "અગ્નિકણ" રહે છે.
જેમ વાયુ વડે (પવનથી) બહારનો અગ્નિ વૃદ્ધિ પામે (વધે) છે,
તેમ (તેની) "વૃદ્ધિના ઉપાયના-જ્ઞાન"થી એ અંદર રહેલો "અગ્નિકણ" પણ
વૃદ્ધિ પામી (વધી) શકે છે.

આ અગ્નિકણ (કે જે જઠરાગ્નિ કે વૈશ્વાનર -નામથી પણ ઓળખાય છે) ચેતન-રૂપ (ચૈતન્ય-રૂપ) હોવાથી,વૃદ્ધિ પામી (વધી) ને સૂર્યની જેમ અત્યંત પ્રકાશને (અત્યંત શક્તિને) પ્રાપ્ત થાય છે.
એ અગ્નિકણ (જેમ સુવર્ણને અગ્નિ ગાળી નાખે તેમ) ક્ષણ-માત્રમાં આખા દેહને (અવયવો સહિત) ગાળી નાખે છે.
એટલે કે-દેહના પાર્થિવ ભાગને તેના ઉપાદાન-રૂપ-જળ-ભાગમાં લીન કરી (મેળવી) દે છે.

તે પછી તે અગ્નિકણ પોતાનો ઉષ્ણ (અગ્નિ જેવો ગરમ) સ્વભાવ હોવાથી,
જળ-ભાગની શીતતા (ઠંડક) ને સહન નહિ કરતાં, (પોતાની ગરમી વડે) તે જળભાગનું પણ શોષણ કરી,
પોતે જુદો જ "ચિત્ત-રૂપ-સુક્ષ્મ-શરીર" માં રહે છે.
આમ પાર્થિવ અને જળ-શરીરને પોતપોતાના ઉપાદાન કારણમાં લીન કરીને,અવશેષ રહેલો તે અગ્નિકણ,
(જેમ પવનના ઝપટથી ઝાકળ ક્યાંય જતું રહે છે-તેમ) પ્રાણમાં (વાયુમાં) ક્ષોભ થવાથી પોતે પણ ક્યાંય
(પોતાના ઉપાદાન-રૂપ પ્રાણ-વગેરે પવનમાં) લીન થઇ જાય છે.

તે વખતમાં (અગ્નિમાંથી નીકળતા ધુમાડાની જેમ) સુષુમણા નાડીથી જુદી પડેલી (યોગીની) કુંડલિનીશક્તિ
(જીવ-શક્તિ) સંસ્કાર-રૂપે (બાકી) રહેલા સુક્ષ્મ દેહાકાશ (દેહ-રૂપી-આકાશ)માં અવશેષ રહે છે.
મન-બુદ્ધિ-જીવ-આદિથી જોડાયેલી,લિંગ-શરીરમાં જ અહંકારને સંકેલી-સૂક્ષ્મ-રૂપ રાખનારી,
ચમત્કારથી યથેષ્ટ ગતિ કરવાની શક્તિ રાખનારી,એ  યોગીની "કુંડલિની-શક્તિ"
સ્વર્ગ કે ભૂલોકમાં (શિલા-તૃણ-ભીંત-પથ્થર-વગેરેમાં) જ્યાં જ્યાં પ્રવેશ કરીને -પાછી નીકળી જવાની
યોજના (ઈચ્છા) કરે છે,ત્યાં ત્યાં તે (સૂક્ષ્મ-ભાવથી) પ્રવેશ કરી બહાર નીકળી જાય છે.

હે રામચંદ્રજી,એ જ કુંડલિનીશક્તિ (પાછી ફરીથી) અગ્નિમાં (આગળ બતાવ્યા પ્રમાણે) લીન કરી દીધેલા જળભાગને,જયારે પાછા ક્રમથી પ્રગટ કરે છે,ત્યારે તે રસથી ભરાઈ જાય છે.
(જેમ,ચિત્રકારની બુદ્ધિમાં સ્ફૂરેલી રેખા તેવાતેવા આકારે પ્રગટ થાય છે-તેમ) રસથી પૂર્ણ થયેલી એ કુંડલિની શક્તિ,પણ,પ્રથમ (પહેલાં આગળ પ્રમાણે બતાવ્યા મુજબના)પાર્થિવ ભાગને પાછો પ્રગટ કરીને,
(યોગ-સામર્થ્યથી) જેવા જેવા આકારની ભાવના કરે તેવો તેવો આકાર પ્રગટ (ફરી પાછો દેહ) થઇ જાય છે.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE