More Labels

Mar 20, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-766

આમ,વિચારીને તે ચૂડાલાએ બ્રાહ્મણ-પુત્રનું રૂપ ધારણ કર્યું અને મંદ હાસ્ય વડે મુખ સુશોભિત રાખી પતિ પાસે પહોંચી.તે બ્રાહ્મણ-પુત્રને જોઈ શિખીધ્વજ રાજા "આ કોઈ દેવ-પુત્ર આવ્યા છે" એવી બુદ્ધિથી ઉભો થયો.
"હે દેવપુત્ર,આપને નમસ્કાર છે,આપ આ આસન પર બેસો" એમ કહી તેણે આસન બતાવ્યું.અને તેના હાથમાં ફૂલની અંજલિ આપી."હે રાજર્ષિ.તમને નમસ્કાર છે" એમ કહી,રાજાના આપેલા પુષ્પો ગ્રહણ કરી અને બ્રાહ્મણ-પુત્ર તે આસન પર બેઠો.

શિખીધ્વજ રાજા કહે છે કે-હે દેવપુત્ર,આપનું અહી ક્યાંથી પધારવાનું થયું છે? આપના દર્શનથી આજ મને ઘણો આનંદ થયો,આજે મારો દિવસ સફળ થયો.એમ હું માનું છું.અહી પધારી મને માન આપનાર હે દેવપુત્ર,
આ પુષ્પો અને ગુંથેલી માળા છે તે સર્વ આપ ગ્રહણ કરો.આપનું કલ્યાણ થાઓ.
(દેવપુત્ર બનેલી) ચૂડાલા કહે છે કે-પૃથ્વીના ઘણા સ્થાનોમાં હું ફર્યો છું,પણ આપના તરફથી, મારી,જેવી  પૂજા થઇ,તેવી પૂજા બીજા કોઈ તરફથી થયેલી નથી.હે નિર્મળ રાજર્ષિ,ફળના સંકલ્પ વગરના આ મહાતપનો
સંકલ્પ આપે શું મોક્ષ માટે જ કર્યો છે?ક્રોધ વગરના સન્યાસીઓ અને વાન્પ્રસ્થાશ્રમીઓના વ્રત-રૂપ આ મોટા જંગલનું સેવન આપને માટે તલવારની ધાર જેવું કઠિન છે,કેમ કે સંપત્તિ-વાળા રાજ્યનો ત્યાગ કરી,તમે વનવાસનો અંગીકાર કર્યો છે.

શિખીધ્વજ કહે છે કે-હે મહારાજ આપ દેવ છો,એટલે સર્વ જાણી શકો છો,તેમાં શું વિસ્મય  છે !!
(ચંદ્ર જેવા) ચિહ્ન-રૂપ અલૌકિક શોભા વડે જ આપનું દેવ-પણું જણાઈ રહે છે,
આપના આ અવયવો ચંદ્રમાંથી બનેલા હોય એમ મને લાગે છે,વધારે શું કહેવું?
ફક્ત આપને જોવાથી જ કેમ જાણે આપ અમૃતથી મારું સિંચન કરતા હો,તેવો આનંદ થાય છે.
હે સુંદર દેવપુત્ર,મારી એક મનોહર પ્રિય પત્ની છે કે જે હાલમાં મારા રાજ્યની રક્ષા કરે છે,
તેના અવયવો પણ આપના જેવા જ (મારા) જોવામાં આવ્યા છે.
આપ કોણ છો?કોના પુત્ર છો? અને શા માટે અહી પધાર્યા છો? એ મારા સંદેહને આપ કૃપા કરી દૂર કરો.

ચૂડાલા કહે છે કે-હે રાજા,મને આપે પૂછ્યું,તેનો જવાબ હું પુરેપુરો આપું છું.
જે નમ્રતા રાખીને પૂછે તેને કયો પુરુષ છેતરે?
આ જગતમાં નારદ નામના મુનિ છે.તે એક સમયે મેરુ પર્વતની ગુફામાં ધ્યાન લગાવીને બેઠા હતા.
એક દિવસ ગંગા નદીને કિનારે,તેમણે, કંકણો અને શબ્દોનો (જલક્રીડાનો) કોલાહલ સંભાળ્યો.
ત્યારે "આ શું છે? "એમ આશ્ચર્ય પામીને તેમણે ગંગા નદી તરફ દ્રષ્ટિ ફેરવી,
તો ગંગામાંથી જલક્રીડા કરીને બહાર નીકળતો રંભા,તિલોત્તમા આદિ અપ્સરાઓનો સમૂહ તેમના જોવામાં આવ્યો.પુરુષ રહિત તે પ્રદેશમાં,તે અપ્સરાઓ વસ્ત્ર-વિહીન થઇ જલક્રીડા કરતી હતી,
તે દૃશ્ય નારદ-ઋષિના નજરે ચડવાથી,તે કામાતુર થયા,
તેમનું મન વિવેક ને ભૂલી ગયું અને તેમના વીર્યનું સ્ખલન થયું.
જેમ,શાખા અને મૂળનું છેદન થતાં,વૃક્ષ જેમ નિઃસાર થાય,તેમ એ નારદ મુનિ નિઃસાર થયા.

શિખીધ્વજ રાજા કહે છે કે-હે મહારાજ,નારદમુનિ તો મહાજ્ઞાની,નિષ્કામ,રાગ-રહિત,
બહાર અને અંદર આકાશની જેમ,નિર્મળ,અસંગ અને
જેને કોઈની ઉપમા આપી ના શકે તેવા છે,છતાં તેમની સ્થિતિ એવી કેમ થઇ?

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE