Mar 19, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-765

"શિખીધ્વજ રાજાને ઘણાં વર્ષો સુધી વીતી જવાને લીધે વૃદ્ધાવસ્થા આવી,
તેની વાસનાઓનો પરિપાક થઇ જશે" એમ ધારી ચૂડાલાએ તેની વાટ જોઈ.છેવટે,
"પોતાનાથી જે કંઈ કાર્ય થવાનું દૈવના તરફથી ભાવિ તરીકે નિર્માણ થઇ ગયેલું છે તેનો વખત આવી ગયાથી,પતિની પાસે જવાનો આ મારો સમય આવી ગયો છે"
એમ વિચારીને તે ચૂડાલા રાણીએ,રાજાની પાસે જવાનો નિશ્ચય કર્યો,
આકાશ-માર્ગે ઉતરી વાયુ-વેગે તેણે ગમન કરવા માંડ્યું.અને તેણે મનમાં વિચારવા માંડ્યું કે-


"લાંબા સમયથી વનમાં રહેનાર મારા પતિનું વાસના-રહિત થઇ ગયેલા ચિત્તને હું સર્વત્ર સમાન વૃત્તિ-વાળું કરી,તેની રાજ્યમાં જ રાખવાની યોજના કરીશ અને પછી સાથે લાંબા કાળ સુધી બંને સુખથી રાજ્યમાં રહીશું,
આજ ઘણા લાંબે કાલે હું મારા ઉત્તમ મનોરથને સિદ્ધ કરી શકીશ,કે જેથી મારો પતિ જ્ઞાન થવાને લીધે,
અંદર અને બહાર-મારા જેવા જ વિચાર વાળો થઇ જશે,અને જેના વિચારો સરખા હોય,
તેવા સ્ત્રી-પુરુષોનો આનંદ પહેલા દરજ્જા નો છે (ઉચ્ચ છે) એમ કહેવાય છે"

આવો મનમાં વિચાર કરતી,તે ચૂડાલા રાણી,મંદરાચલ ની ગુફા પાસે આવી (કે જ્યાં રાજા રહેતો હતો) અને અદ્રશ્ય જ રહીને ગુફામાં તેણે પ્રવેશ કર્યો.ત્યાં તેણે યોગથી એકાગ્ર થઇ ગયેલા ચિત્ત-વડે,પોતાના પતિને જોયો.
અત્યંત દુર્બળ અને શિથિલ થયેલ રાજાએ ફાટેલાં કપડાં પહેર્યા હતાં,માથે જટા રાખી હતી,અને શાંત-પણે
એકલો રહી,એ અકૃત્રિમ સ્થળમાં બેસી,દેવતાઓના અને અતિથિઓના પૂજન માટે માળા ગૂંથતો હતો.

આવી સ્થિતિમાં પોતાના પતિને જોઈ,સુંદર અંગ-વળી એ ચૂડાલા રાણીએ મનમાં ખેદ લાવી,
પોતાના મનથી જ વિચાર કર્યો કે-
અહો,આત્માને ન જાણવા-વાળું,આ મૂર્ખ-પણું કેટલું વિષમ છે,કે જેથી આવા રાજા જેવાની પણ એ
મૂર્ખાઇની કૃપા થવાથી -આવી દશા થાય છે.જે રાજા અતિ લક્ષ્મીવાન અને મારો પ્રિય પતિ છે,
તે હમણાં હૃદયમાં અજ્ઞાન-રૂપ-વાદળાંથી જ્ઞાન હણાઈ જવાને લીધે આવી દશાને પામ્યો છે,
માટે આજે જ મારા પતિને વિદિતવેદ્ય (જાણવાનું સર્વ જાણી લીધું છે-એવો તત્વજ્ઞ) બનાવી,
તેને,ભોગ અને મોક્ષ એ બંને મળે એવો હું ઉપાય કરીશ.

પરંતુ મારું જે રાણીનું રૂપ હમણાં છે તે છોડી દઈ-કોઈ બીજે જ રૂપે હું તેને અતિ-ઉત્તમ બોધ આપવા તેની પાસે જાઉં,કારણકે જો હું આ રૂપે જ રહીશ તો રાજા "આ મારી  રાણી છે અને તે મૂર્ખ છે" એમ સમજીને મારા બોલવા પર ધ્યાન આપશે નહિ.માટે ક્ષણવાર હું તપસ્વીનું રૂપ લઈને તેને બોધ આપું.મારા પતિની વાસનાઓનો નાશ થઇ પાકટ બુદ્ધિ-વાળો થયો છે,માટે તેના નિર્મળ ચિત્તમાં (મારા) આત્મતત્વનું  બરાબર પ્રતિબિંબ પડશે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE