May 30, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-816

ત્યાર પછી,ધીરે ધીરે કેટલાક માસ પસાર થતાં,કુંભમુનિ-રૂપે આવેલી ચૂડાલાએ વિચાર કર્યો કે-"હવે વધુ મનોહર ભોગોના ભાર વડે,શિખીધ્વજરાજાની પરીક્ષા કરું,કે જેમાં,જો, રાજાની અનાસક્તિ દૃઢ થઇ જશે,તો તેનું ચિત્ત ફરીવાર કોઈ દિવસ પણ,કોઈ પણ ભોગો પ્રત્યે આસક્તિવાળું થશે જ નહિ."
આવો વિચાર કરીને,ચૂડાલાએ માયા વડે,એ વન-ભૂમિમાં દેવતાઓ,અપ્સરાઓ સહિત ઇન્દ્રને,ત્યાં આવેલા દેખાડ્યા.સર્વ પરિવાર સહિત ઇન્દ્રને પોતાની સામે આવેલા જોઈ,શિખીધ્વજ રાજાએ તેમની યથા-વિધિ પૂજા કરી.અન કહ્યું કે-આપે દૂરથી (સ્વર્ગમાંથી) અહીં પધારવાનો શ્રમ શા માટે લીધો? તે આપની ઈચ્છા હોય તો કહો.

ઇન્દ્ર કહે છે કે-તમારા સારા ગુણો સાંભળી અમે સ્વર્ગમાંથી અહી ખેંચાઈ આવ્યા છીએ,
તમે ઉઠો અને સ્વર્ગમાં આવો.કારણકે ત્યાં સ્વર્ગમાં,તમારા ગુણોનું શ્રવણ થવાથી,
આશ્ચર્ય પામી ગયેલા સર્વ દેવતાઓ અને તેમની સુંદર પત્નીઓ તમને જોવાને,આતુર છે.
સિદ્ધ-પાદુકા,સિદ્ધગુટિકા,સિદ્ધખડગ,સિદ્ધરસ,વિમાન અને સિદ્ધઅશ્વ-વગેરે સિધ્ધિઓને ગ્રહણ કરી લઇ તમે,સિદ્ધમાર્ગથી સ્વર્ગપ્રદેશમાં ચાલો.

એ સ્વર્ગમાં આવી તમે,જીવનમુક્ત દશામાં રહી,વિવિધ પ્રકારના ભોગો ભોગવો.
તમને ત્યાં બોલાવી જવા માટે જ હું અહી આવેલો છું.
તમારા જેવા ઉત્તમ મહાત્માઓ પ્રાપ્ત થયેલી લક્ષ્મીનો તિરસ્કાર કરતા નથી
અને જે લક્ષ્મી ના મળી હોય તેની આશા પણ રાખતા નથી.
જેમ, ભગવાનથી આ ત્રણે લોકો પવિત્ર થાય છે,
તેમ નિર્વિઘ્ને,સ્વર્ગમાં આવેલા અને સુખથી તેમાં વિહાર કરનારા,તમારા (શિખીધ્વજ) વડે આજે,
તમે સ્વર્ગને પવિત્ર કરો.
(નોંધ-આગળ આવી ગયું છે તેમ-સિદ્ધિઓ-સ્વર્ગ એ પુણ્ય-ફળ છે અને એક અંતરાય-રૂપ લાલચ છે !!)

શિખીધ્વજ રાજા કહે છે કે-હે દેવતાઓના અધિપતિ ઇન્દ્ર,આ બ્રહ્માંડના સર્વ સ્થળો,એ સ્વર્ગના જેવાજ,
સુખ-પૂર્વક રહેવાના સ્થળો છે-એમ હું સમજુ છું.પરમાત્મા સર્વ સ્થળે એક સરખો વ્યાપ્ત છે,
અને તે કોઈ એક સ્થાનમાં જ છે,એવી તેની કોઈ મર્યાદા નથી.હું સર્વત્ર પ્રસન્ન જ રહું છું,સર્વ ઠેકાણે રમું છું,
અને મારું મન નિષ્કામ હોવાથી,હું સર્વ આનંદવાળો જ છું.
"કોઈ એક સ્થાનમાં માપવાળા થઇ રહેલા અલ્પ અને તુચ્છ" એવા સ્વર્ગમાં જવાનું
મારા ચિત્તમાં આવતું જ નથી,જેથી હું દિલગીર છું કે આપની આજ્ઞાનો અમલ કરી શકતો નથી.

શિખીધ્વજ રાજાની આવી સ્વર્ગમાં નહિ જવાની ઈચ્છા જોઇને ઇન્દ્ર "આપનું ઈચ્છેલું કલ્યાણકર્તા થાઓ"
એમ કહીને પરિવાર સહિત ત્યાંથી અદૃશ્ય થઇ ગયો.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE