May 29, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-815

કુંભમુનિ કહે છે કે-હે રાજા,જો એમ જ હોય તો,આજે શ્રવણ માસની પૂર્ણિમા છે,
મેં સર્વ ગણત્રી કરી છે,
અને તે ગણત્રી પ્રમાણે આજે જ લગ્ન કરી લેવું એ વધારે સારું છે.
ચાલો આપને આપણા પોતાના વિવાહ માટે,વનમાંથી ચંદન-પુષ્પ -આદિ સામાન ભેગો કરીએ.

આમ કહી બંને ઉભા થયા અને ગુફાની અંદર વિવાહને લગતો બધો સમાન એકઠો કરી,બંને મંદાકિની નદીમાં
સ્નાન કરવા ગયા.સ્નાન કરી,સુંદર વસ્ત્રો પહેરી, દેવતાઓ,પિતૃઓ અને ઋષિઓની પૂજા કરી.ભોજન કર્યું.
અને જયારે સાયંકાળ થયો ત્યારે તે બન્ને શાસ્ત્રના ક્રમથી વિવાહસ્થાનમાં આવ્યા.
કુંભમુનિએ શિખીધ્વજને શણગાર્યો,અને રાત થતાંની સાથે તે પોતે સ્ત્રી-પણાને (ચૂડાલાના રૂપને) પ્રાપ્ત થયા.
અને તે રાજાને કહેવા લાગી કે-

હું "મદનિકા" નામની તમારી ભાર્યા (પત્ની) થવાની છું,તમારા ચરણમાં હું પ્રણામ કરું છું.
મને આપ ભૂષણો વડે શણગારો અને શાસ્ત્રના ક્રમ પ્રમાણે અગ્નિને પ્રગટ કરી મારું પાણિગ્રહણ કરો.
હે રાજા,આપ બહુ શોભાયમાન લાગો છો અને મને (કામથી) વ્યાકુળ કરો છો.
ત્યાર પછી,રાજાએ ચૂડાલાને ભૂષણો વડે શણગારી,અને કહ્યું કે-હે સુંદરી,તું પણ અતિ શોભે છે,
ચાલ,ત્યારે હવે તું  પોતાની મેળે જ વિવાહ સંબંધી વેદીને શોભાવ.

વસિષ્ઠ કહે છે કે-પછી તે બંને સુશોભિત કરેલી વિવાહ-વેદીમાં ગયા,અને વેદીના મધ્ય-ભાગમાં ચંદનનાં લાકડાં વડે તેમણે અગ્નિ પ્રગટાવ્યો.અગ્નિની વિધિપૂર્વક સ્થાપન કરી,પછી તેની પ્રદિક્ષણા કરી બંને પાંદડાના બનાવેલ આસન પર બેઠા.શિખીધ્વજ રાજાએ તલ અને શાલનો અગ્નિમાં હોમ કરી,પોતાની પ્રિયાનું પાણિગ્રહણ કર્યું.
પછી તે દંપતિએ અગ્નિની પાછી પ્રદિક્ષણા કરી.આમ બંને વિવાહ-સંપન્ન થયાં.
પછી,પતિ-પત્ની બનેલાં -તે બંને એ પ્રથમથી બનાવી રાખેલી ફૂલોની પથારીમાં શયન કર્યું.
દંપત્તિની તે રાત્રિ,ઘણી લાંબી છતાં,એક મુહુર્તની પેઠે સત્વર જતી રહી.

(૧૦૭) શિખીધ્વજની અનાસક્તિ પરીક્ષા

વસિષ્ઠ કહે છે કે-બીજે દિવસે સૂર્યોદય થતાં,પ્રાતઃકાળે તે શિખીધ્વજરાજાની પત્ની (મદનિકા) કુંભ-રૂપે બની ગઈ,અને એ પ્રમાણે મહેન્દ્રાચલ પર્વતની ગુફામાં તે બંને વિવાહ કરીને,દેવતાઓના જેવા ભોગો ભોગવનાર
દંપત્તિ-રૂપ થયાં.ત્રણ ત્રણ દિવસે,જયારે પોતાનો પતિ નિંદ્રાને પ્રાપ્ત થાય ત્યારે,ચૂડાલા,પોતાના રાજ્યમાં જઈ,
જરૂરી રાજ્ય-કાર્યોને કરી લઇ પાછી આવી જતી.

સ્વચ્છ-સ્નેહ-યુક્ત-હૃદય-વાળા તે કુંભમુનિ અને શિખીધ્વજ,દિવસે મિત્ર-રૂપે રહી અને રાત્રિએ દંપત્તિ-રૂપ
બની જઈ,બંને પરસ્પર બહુ પ્રસન્ન રહેતાં હતાં અને મનોહર વૃક્ષોના વનમાં તે ગુફા-રૂપી ઘરમાં,તેમજ
જુદી જુદી જગ્યાઓએ સમય પસાર કરતા હતાં.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE