May 28, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-814

થોડા સમય પછી,શિખીધ્વજ બોલ્યો કે-હે દેવપુત્ર,આપ (કે) જે મહાત્મા છો,
તે સ્ત્રી બની ગયા તે મહાકષ્ટ છે.
પણ,"પ્રારબ્ધની ગતિ" તમે જાણો છો,માટે તમે ઉદાસ ચિત્ત-વાળા ના થાઓ.
સારી-માઠી દશાઓ જ્ઞાની પુરુષોના દેહ પર પણ  આવી પડે છે,
પણ તે દશાઓ તેમના ચિત્તમાં પેસી શકતી નથી.

કુંભમુનિ કહે છે કે-રાત્રિમાં સ્ત્રીપણાની પ્રાપ્તિ ભલે થાય,હું તેવી રીતે ચલાવી લઈશ.
એ બાબતમાં,હવે,હું કંઈ ખેદ રાખતો  નથી,કેમ કે પ્રારબ્ધનું કોણ ઉલ્લંઘન કરી શકે છે?
આ રીતે કુંભે (ચૂડાલાએ) ખેદને હલકો કરી નાખ્યો,ત્યારે તે અને રાજા,બંને શોક-રહિત થઈને,
એક જ શૈયામાં મૌનપણાથી ઘણી લાંબી થઇ પડેલી રાત્રિ કાઢી નાખી.
પ્રાતઃકાળે ચૂડાલાએ સ્ત્રીનું શરીર છોડી,પ્રથમના કુંભમુનિના પુરુષના શરીર-વાળી બની ગઈ.

(૧૦૬) કુંભ-રૂપ ચૂડાલાનો વિવાહ

વસિષ્ઠ કહે છે કે-ત્યાર પછી કેટલાક દિવસો એમ ને એમ વીતી ગયા બાદ,કુંભમુનિના રૂપને ધારણ કરનારી ચૂડાલાએ પોતાના પતિને કહ્યું કે-હે રાજા,હું રાત્રિએ સુંદર અંગો-વાળી સ્ત્રી બની જાઉં છું,તો તે સ્ત્રી શરીરને યોગ્ય એવા સ્ત્રી-ધર્મને સફળ કરવા ઈચ્છું છું.આ ત્રણે લોકમાં તમે જ મને ભર્તા-રૂપે (પતિ-રૂપે) બહુ રુચો છો,
માટે મારી સાથે વિવાહ કરીને,રાત્રિમાં મને સર્વદા ભાર્યા (પત્ની) ના ભાવમાં અંગીકાર કરો.

હે રાજા,પોતાના પ્રિય મિત્રની (તમારી) સાથે "યત્ન વગર અનાયાસે મળનારા" સ્ત્રી-સુખને ભોગવવા હું ઈચ્છું છું,
માટે તેમાં તમે ના પાડી વિઘ્નકારક ના થશો.
સૃષ્ટિના આરંભ-કાળથી માંડીને ક્રમ પ્રમાણે ચાલ્યું આવતું,અનાયાસ જ સાધી શકાતું,મનોહર પ્રસંગ-પ્રાપ્ત,
(જેવું કે વિવાહ-કાર્ય-આદિ) "કાર્ય" ની, ઈચ્છા-અનિચ્છા તથા (તે કાર્યના) શુભ-અશુભ "ફળો" નો ત્યાગ કરી,
જે મનુષ્ય તે "કાર્ય" કરે -તો તેથી તેને શો દોષ આવે?
માટે તમે પણ તેવું પ્રાકૃત-કાર્ય" (પ્રસંગ-પ્રાપ્ત -વિવાહકાર્ય) કરો તો તેથી તમને પણ શો દોષ લાગે? (કોઈ નહિ)
આપણે બંને "વિવાહ-રૂપી આ કાર્ય થાય તો જ ઠીક" તેવી ઈચ્છા-વાળાં નથી,
કે "ના થાય તો ઠીક" એવી અનિચ્છા-વાળાં પણ નથી,માટે આ ધારેલો મનોરથ (વિવાહનો) આપણે પૂર્ણ કરીએ.

શિખીધ્વજ કહે છે કે-હે પ્રિય સખા,આ (વિવાહ-રૂપ) કાર્ય કરવાથી,તેને  હું શુભ કે અશુભ,દેખાતો નથી,
માટે જેમ તમારી ઈચ્છા હોય તેમ,તમે ભલે કરો.સર્વ બ્રહ્મ-રૂપ જણાયાથી,સમાન-પણાને પ્રાપ્ત થયેલા ચિત્ત-વડે,
આ ત્રણ લોકને હું પોતાના આત્મા-રૂપ જ દેખું છું,માટે જેમ તમારી મરજી હોય,તેમ તમે ભલે કરો.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE