May 27, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-813

બન્યું છે એવું કે-જયારે હું અહીંથી નીકળી,આકાશમાર્ગે,દેવલોક (સ્વર્ગ) માં જઈ,
ત્યાં મારા પિતા નારદજીની સાથે બેસી,ત્યાંથી અહી ફરી પાછો આકાશમાર્ગે નીકળ્યો,
ત્યારે મારી સામે દુર્વાસા-મુનિને વેગથી આવતા મેં દીઠા.
વાદળાં-રૂપી વસ્ત્રો વડે ઢંકાયેલા (નગ્ન?) અને વીજળી-રૂપી કંકણો વડે સુશોભિત,
તે દુર્વાસા મુનિ અભિસારિકાના જેવા દેખાતા હતા.(પોતાના પ્રિય પુરુષને મળવાના ઈરાદાથી સંકેત-સ્થાનમાં જાય તે સ્ત્રી ને અભિસારિકા કહે છે) પોતાનો સંધ્યા-વંદનનો સમય વીતી ના જાય,તેથી ત્વરાથી જતા તે દુર્વાસા મુનિને મેં વંદન કરીને કહ્યું કે-હે મુનિ,આપ શ્યામ વાદળાં-રૂપી વસ્ત્રોને ધારણ કરવાથી અભિસારિકા (સ્ત્રી) ના જેવા લાગો છો.

મારા આમ (આપ અભિસારિકા જેવા લાગો છો-તેવું) કહેવાથી દુર્વાસાને ક્રોધ થયો અને મને શાપ આપ્યો કે-
"હે દુષ્ટ તું મને આવાં અયોગ્ય વચનો કહે છે, માટે તું રાત્રિના સમયે સ્ત્રી બની જઈશ."
હે શિખીધ્વજ રાજા,દુર્વાસાના શાપના આ કારણથી મારા ચિત્તમાં ખેદ થયો છે.રાત્રિમાં મારું સ્ત્રી-રૂપ થશે,
તે સ્ત્રી-પણાનો સમય મારે શી રીતે પસાર કરવો? મારા પિતાજી (નારદજી) ને હું શું કહીશ?
દેવો,બ્રાહ્મણો અને ગુરુઓ પાસે હું કેવી રીતે ઉભો રહીશ?

વસિષ્ઠ કહે છે કે-એમ કહી કુંભમુનિ ક્ષણમાત્ર,મહાત્માઓની નિર્વિકલ્પ સ્થિતિના જેવું મૌન ધારણ કરી,
ધૈર્યનો આશ્રય કરીને ધીરેથી પાછું(મનમાં) બોલ્યા કે-અજ્ઞાનીની પેઠે,હું આવો શોક શા માટે ધારણ કરું છું?
હું કે જે નિર્લેપ આત્મા-રૂપ છું,તેને આ શાપથી શું લેવા દેવા? મારાથી જુદો રહેલ આ દેહ જ પ્રારબ્ધ પ્રમાણે,
તેને જે-સ્ત્રીપણું પ્રાપ્ત થયું છે,તે સ્ત્રી-પણાનો અનુભવ કરશે.(આત્મા નહિ)

શિખીધ્વજ કહે છે કે-હે દેવપુત્ર,જેમ આપ કહો છો તેમ જ છે-તો આ ખેદ કરવાનો શો અર્થ છે?
સુખ-દુઃખ જે કંઈ આવવાનું હોય,તે ભલે દેહ પર આવે પણ આત્મા તો તેનાથી લેપાતો નથી,
સાક્ષી-રૂપે રહેનાર તે આત્માને તો કશું નથી.પણ દેહના સંબંધથી,જે પ્રારબ્ધનાં ફળો છે-તેને ભોગવ્યા વિના છૂટકો જ નથી.માટે તેના વિષે ખેદ કરવો યોગ્ય જ નથી,તો પણ તમે જો ખેદ કરશો તો,પછી,ખેદને મટાડનાર,તમારા જેવો શાસ્ત્રના અનુભવવાળો (કે જે બીજાનો ખેદ દુર કરે છે-તેવો) બીજો પુરુષ ક્યાંથી મળશે?
માટે હવે સમાન-પણાને પ્રાપ્ત થઇ,મનમાં કોઈ ખેદ ના લાવતાં,પોતાના સ્વ-રૂપમાં રહો.

વસિષ્ઠ કહે છે કે-પરસ્પર ખેદ બતાવનારાં,અન્યોન્ય મિત્ર બની ગયેલાં અને વનમાં સ્નેહથી હળીમળીને રહેનારાં.
એ બંને,ઉપર કહ્યા પ્રમાણે શાંતિનાં વાક્યો વડે એકબીજાનું આશ્વાસન કરી રહ્યાં હતાં.
રાત્રિનું આગમન થયું ત્યારે કુંભમુનિએ સ્ત્રી શરીર ધારણ કરતાં,પોતાની પાસે રહેલા રાજાને તૂટતે અક્ષરે,ગળગળા થઇ જઈ કહ્યું કે-"જુઓ,હું સ્ત્રીપણાને પ્રાપ્ત થતો જાઉં છું,અહો,મને ધિક્કાર અને મહાકષ્ટ છે,કે હું સ્ત્રી જ થઇ રહ્યો!!

હું સાક્ષી-ચૈતન્ય વડે મારી છાતી,નિતંબ-વગેરે અવયવોને અનુભવું છું." એમ કહી,દિલગીર થઈને (ચૂડાલા) મૌન થઇ રહી,શિખીધ્વજ રાજા પણ તેની દિલગીરી જોઈ પોતે પણ એવો જ દિલગીર થયો.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE