More Labels

Jun 1, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-818

મદનિકા (ચૂડાલા) કહે છે કે-હે રાજા,સ્ત્રીઓનો સ્વભાવ ચંચળ હોય છે,પુરુષના કરતાં સ્ત્રીઓમાં,આઠ ગણો કામ વધુ હોય છે.એટલે કોઈ સુંદર સ્ત્રી,એકાંતમાં પુરુષ પાસે જાય,ત્યારે પતિનો ક્રોધ,શાસ્ત્રમાં જણાવેલ પર-પુરુષ-સંગ-નિષેધ,લોકોની નિંદા અને પતિવ્રતાપણું-એ સર્વ પ્રબળ કામવેગ વડે દબાઈ જવાથી,તે શું કરી શકે? વળી હું બળ-રહિત,બાળક અને મૂઢ સ્ત્રી છું,તો આપ ક્ષમાશીલ હોવાથી,મને ક્ષમા કરવાને યોગ્ય છો.

શિખીધ્વજ કહે છે કે-હે તરુણી,જેમ આકાશમાં (પૃથ્વીથી અદ્ધર) વૃક્ષ હોતું નથી,તેમ મારા ચિત્તમાં ક્રોધ છે જ નહિ.પરંતુ,માત્ર (સ્ત્રીનો) પરપુરુષનો સંગ સત્પુરુષોએ નિંદેલો હોવાથી,હવે ભાર્યા-રૂપે તને હું ઈચ્છતો નથી.
પણ,વૈરાગ્યથી આપણે બંને પ્રથમની પેઠે મિત્ર-ભાવથી નિત્ય ભેગાં રહીને સુખથી ક્રીડા કરીએ.

વસિષ્ઠ કહે છે કે-એ પ્રમાણે શિખીધ્વજ રાજા,આવા ક્રોધકારક પ્રસંગમાં પણ નિર્વિકાર-સમાનપણાથી રહ્યો,
ત્યારે પોતાની પરીક્ષામાં રાગ-દ્વેષ વગરના એ રાજાના ચિત્તથી પ્રસન્ન થઇ,તે ચૂડાલા રાણીએ મનમાં વિચાર કર્યો કે-અહો,ઘણા હર્ષની વાત છે કકે-આ ઐશ્વર્યવાન મહા-સમર્થ રાજા પરમ સમાનતાને (નિર્વિકાર સ્થિતિને) પ્રાપ્ત થઇ ગયા છે અને વૈરાગ્ય થવાથી તેઓ ક્રોધ વગરના જીવનમુક્ત થઇ રહ્યા છે.

આ રાજાને ભોગો તથા મોટી સિધ્ધિઓ પણ પોતાની તરફ ખેંચી શકતી નથી,સુખ-દુઃખ,આપત્તિ-સંપત્તિ વગેરે તેમને વિકારવાન કરી શકતી નથી.સર્વ ઉત્તમ સમૃદ્ધિઓ (શાંતિ-ક્ષમા-ધૈર્ય-તૃપ્તિ-વગેરે) જાણે કોઈ બીજા નારાયણનો આશ્રય કરીને રહેલી હોય-એમ આ એક રાજાનો આશ્રય  કરીને રહેલ છે.તેમ લાગે છે.
હવે,હું મારું વૃતાંત એ જીવનમુક્ત રાજાને યાદ કરાવું
અને આ કુંભમુનિના રૂપનો ત્યાગ કરીને ચૂડાલા બની જાઉં.
ઉપર પ્રમાણે વિચાર કરીને,યોગના બળે સર્વ પ્રકારની શક્તિઓ મેળવી છે તેવી,એ ચુડાલાએ,
તે વખતે તત્કાલ મદનિકાના શરીર (કુંભમુનિનું રાત્રિનું સ્ત્રી-સ્વરૂપ)નો ત્યાગ કરી,પોતાનું ચૂડાલાનું શરીર રાજાને દેખાડ્યું.ત્યારે રાજાએ જાણે રત્નના સંપૂટમાંથી બહાર નીકળી હોય -તેવી પોતાની પ્રિય ચૂડાલા રાણીને જોઈ.

(૧૦૯) ચૂડાલા અને શિખીધ્વજનો પુનઃ સંયોગ


વસિષ્ઠ કહે છે કે-પછી પોતાની પ્રિય પત્નીને જોતાં,આશ્ચર્યથી આકુળ થઇ ગયેલી વાણી વડે શિખીધ્વજ બોલ્યો કે-હે સુંદરી,તું કોણ છે?ક્યાંથી અહી આવી છે? શું તું અહી જ રહે છે? અને જો અહી જ રહે છે તો,કેટલા વખતથી અને શા માટે અહી રહે છે? શરીરના અવયવથી તો તું મારી પત્ની ચૂડાલાની જેવી જ દેખાય છે !!

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE