More Labels

Jun 2, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-819

ચૂડાલા કહે છે કે-હે પ્રિય પતિ,જેમ આપ કહો છો તેમ જ છે.હું ચૂડાલા જ છું.
એમાં કંઈ સંશય નથી.આજે ઘણે દિવસે,મારા સ્વાભાવિક ચૂડાલાના દેહ વડે,
મારું આપને મળવું થયું છે.આ વનની અંદર આપને બોધ કરવા માટે જ,કુંભ-આદિ દેહોનું નિર્માણ કરીને,આ બધી જાતનો પ્રપંચ મેં જ રચ્યો હતો.જ્યારથી આપ મોહ વડે રાજ્યનો ત્યાગ કરી,વનમાં પધાર્યા,ત્યારથી માંડીને હું જ આપને બોધ આપવા માટે પ્રયત્ન કરતી હતી.આ કુંભમુનિના શરીરથી મેં જ આપને બોધ આપ્યો છે.

હે તત્વને જાણનાર મહારાજ,એ કુંભમુનિ-આદિ સઘળું મેં માયા વડે જ કલ્પી  લીધું છે,તેમાંનું કંઈ સાચું નથી.
હવે આપ વિદિતવેદ્ય (જાણવાનું સર્વ જેણે જાણી લીધું છે તેવા) થયા છો,માટે ધ્યાન વડે એ સર્વ (પ્રપંચ) અખંડિત રીતે જોઈ શકશો,તેથી ધ્યાન વડે -એ સર્વ વાત (પ્રસંગ) નું અવલોકન કરો.

આ પ્રમાણે ચૂડાલાના કહેવાથી સિદ્ધ આસન રચી,યોગશાસ્ત્ર અનુસાર સમાધિ કરી,વિશેષપણાથી ધ્યાન કર્યું અને,રાજ્ય-ત્યાગથી માંડીને વર્તમાનમાં ચૂડાલાનું દર્શન થયું,ત્યાં સુધીનું સર્વ-વૃતાંત ચોખ્ખી રીતે જોયું.
એ સર્વ જોઈ રાજા સમાધિમાંથી જાગ્રત થયો. હર્ષથી ખીલેલાં નેત્રો અને હર્ષથી થયેલા રોમાંચથી,બંને હાથને વેગથી પહોળા કરી,કેમ જાણે પોતાના અવયવો લજ્જા-હર્ષથી ગળી જતા હોય,તેમ પોતાની પ્રિયાનું આલિંગન કર્યું.નેત્રોમાંથી હર્ષના અશ્રુઓ ટપકી રહ્યા અને એ બંનેના આલિંગનમાં જે અવર્ણનીય શૃંગાર-રસનો ભાવ ઉત્પન્ન થયો તે વર્ણવી શકાય તેવો નહોતો.

સ્વર્ગમાં અમાવસ્યાના દિવસે પરસ્પર મળી જઈ એક-રૂપે થઇ રહેલા સૂર્ય-ચંદ્રની પેઠે,એ બંને પ્રિય પતિ-પત્ની ઘણા કાળ સુધી આલિંગન વડે મળેલાં જ રહ્યાં.એક મૂહુર્ત માત્ર પછી,રોમાંચ થઇ જવાથી સ્થૂળ જણાતા પોતાના હાથ ધીરે ધીરે શિથિલ કર્યા.આનંદના વેગથી મન જડ થઇ જવાને લીધે,માનસિક વિકારો નહિ જણાયાથી,
શૂન્ય હૃદય જેવાં જણાતાં એ બંને જણ,હાથને મૂકી દઈ,સ્થિર થઇ ગયાં.

ઘાટા આનંદથી વ્યાપ્ત થઇ ગયેલા એ રાજાએ,ક્ષણમાત્ર મૌન રહી,વિવેક વડે ચતુરાઈ ભરેલી રીતે પોતાની પ્રિયાને કહ્યું કે-પોતાની કુલીન કાંતા (પત્ની) નો મનોહર,અત્યંત મધુર અને સ્નેહવાળો પવિત્ર પ્રેમરસ અમૃતના કરતાં પણ અધિક સ્વાદિષ્ટ છે.તું કે જે કોમલ અંગો-વાળી છે,તેણે પોતાના પતિને (મને) પરમ-પુરુષાર્થ (મોક્ષ) ની સિદ્ધિ થાય -તેવા હેતુ માટે કેટલો મહા-દારુણ કલેશ સહન કર્યો!!
તેમ જ દુઃખ વડે માંડ તરી શકાય તેવા આ સંસાર-રૂપી-સમુદ્રમાંથી મને જે સ્નેહ-બુદ્ધિથી પાર ઉતાર્યો,
તેને કોની ઉપમા આપી શકાય?

અરુંધતી,પાર્વતી,સાવિત્રી,લક્ષ્મી,સરસ્વતી વગેરે બધાં તારા ગુણો પાસે પોતાના ગુણોથી હલકાં દેખાય છે.
પરમ દૃઢ નિશ્ચયથી તે મને જે બોધ આપ્યો છે તો તેનો કયો બદલો વાળું કે જેથી તારું ચિત્ત પ્રસન્ન થાય?
સત્યમાં તો આવો પરોપકાર દુર્લભ છે.મોહમાં ડૂબી ગયેલા,પોતાના પતિને મોહમાંથી તારીને,
ઉદ્યોગ-વાળી કુલીન કાંતાઓ (પત્નીઓ) પતિને સંસાર-સમુદ્રને પાર ઉતારે છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE