Jun 8, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-825

બૃહસ્પતિ કહે છે કે-જેવી રીતે ફુલને તોડવું કે આંખને બંધ કરવી એ સહેલું અને ત્વરિત છે,તેવી રીતે,અહંકારનો ત્યાગ પણ સહેલો છે.(તું કહે છે તેવો દુષ્કર નથી) આ વાત જે રીતે સિદ્ધ થાય છે તે હું તને કહું છું.તે સાંભળ.
જે વસ્તુ (જેમ કે જગત-અહંકાર-વગેરે) માત્ર અજ્ઞાનથી સિદ્ધ હોય,તે જ્ઞાન થવાથી નાશ પામી જાય છે.સાચી લાગતી (જણાતી) વસ્તુ (અહંકાર) નો જો વિચાર કરવામાં આવે તો તે-મિથ્યા (ભ્રમ) જ સાબિત થાય છે.અને તેમ તે (અહંકાર) મિથ્યા હોવા છતાં,બાળકે કલ્પી લીધેલા વેતાળની જેમ જાણે સત્ય હોય તેમ (અજ્ઞાનથી) દેખાઈ  રહ્યો છે.

જેમ,રજ્જુમાં સર્પ-પણું અને ઝાંઝવાના જળમાં જળની બુદ્ધિ માત્ર આભાસ સ્વરૂપે જ સ્ફુરે છે,
તેમ,અહંકાર પણ માત્ર (ભ્રાંતિ-વડે કે અજ્ઞાનથી) મિથ્યા આભાસ-રૂપે જ સ્ફુરે છે.
તે અહંકાર સત્ય નથી કે સદ-અસત (સાચો અને ખોટો-બંને વિરુદ્ધ ધર્મ-વાળો) પણ નથી.
તેમ છતાં,તે પ્રતીતિમાં (જોવામાં) આવતો હોવાથી,તે સાવ જ અસત છે એમ પણ કહી શકાતું નથી.

કેવળ અનાદિ,અનંત,સર્વને સાક્ષી-રૂપે જાણનાર,આકાશથી પણ અતિ-નિર્મળ,શુદ્ધ,સર્વ મનુષ્યોમાં અને
સર્વ ઠેકાણે રહેલ,સર્વને પ્રકાશ આપનાર એક ચૈતન્ય-માત્ર બ્રહ્મ જ સત્ય છે અને તે એક (બ્રહ્મ)જ,
સમુદ્રના શાંત જળમાં ઉત્પન્ન થયેલા તરંગ (જેમ કે અહંકાર) ની જેમ જોવામાં આવે છે,
પણ જેમ તરંગ એ જળ જ છે,તેમ (દેખાતો) અહંકાર એ બ્રહ્મ જ હોય તો તે ક્યાંથી ને શી રીતે ઉત્પન્ન થયો?

જેમ જળમાં સૂકી ધૂળનો ઢગલો સંભવિત નથી અને જેમ,અગ્નિમાં જળની ઉત્પત્તિ સંભવિત નથી,
તેમ અહંકારની ઉત્પત્તિ અસંભવિત હોવાથી તે ઉત્પન્ન થયો જ નથી.માટે હે પુત્ર,આ દેહ કે જે-
પિતા (વગેરે) માંથી ઉત્પન્ન થયો છે,તે "હું" છું (એટલે કે હું શરીર છું) એવી પરિમિત આકાર-વાળી,
તુચ્છ અને દિશા તથા કાળ એ બંને વડે વૃદ્ધિ-નાશ-આદિ વિકારોને પ્રાપ્ત થનારી ખોટી ભ્રાન્તિને તું ત્યજી દે.

દિશા-કાળ-આદિ વડે જેને મર્યાદા નથી તેવા,અનંત,સ્વચ્છ,નિત્યપ્રકાશ,સર્વ-વ્યાપી,વ્યવહાર-દ્રષ્ટિથી જોતાં સર્વ-પદાર્થ-રૂપે ભાસતું અને પરમાર્થ દ્રષ્ટિથી જોતાં અદ્વૈત-સ્વરૂપ,નિર્મળ અને એક કેવળ ચૈતન્ય તું જ છે.
જેમ સર્વ દિશાઓ તરફ રહેલાં,ફળ,પુષ્પ ને પત્ર,એ સર્વનો કારણ-રૂપ અને સાર-રૂપ રહેલો,
તેની અંદરનો રસ જ છે,તેમ તું જ આ સર્વ જગતના કારણ-રૂપે અને સાર-રૂપે (આત્મા-રૂપે)
સર્વની અંદર સદાકાળ રહેલ છે અને અત્યંત નિર્મળ અનંત ચિદાત્મા-રૂપ છે.
હે કચ,તું કે જે અદ્વૈત અને સત્ય આત્મા-સ્વરૂપ છે
તેણે "આ દેહ-આદિ હું છું" એવી મર્યાદા-વાળો નિશ્ચય ના જ હોવો જોઈએ.

(૧૧૨) મિથ્યા પુરુષનું આખ્યાન-આકાશરક્ષણ

વસિષ્ઠ કહે છે કે-એ રીતે પરમ-યોગ-રૂપ,સર્વોત્તમ ઉપદેશને પ્રાપ્ત થઈને
તે બૃહસ્પતિનો પુત્ર કચ જીવનમુક્ત થઇ ગયો હતો.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE