Jun 13, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-830

ભેદ-બુદ્ધિ-રૂપ "વિકલ્પ" નહિ હોવાને લીધે,તે પુરુષ,પોતાની ભેદ-બુદ્ધિને દૂર કરી નાખનાર (નિર્વિકલ્પ) કહેવાય છે.જે પુરુષે તરંગને જળથી જુદી સત્તા-વાળો જાણ્યો,તેને તેમાં એક તરંગ-બુદ્ધિ જ રહે છે,જળ-બુદ્ધિ થતી નથી.
પરંતુ જેણે એ તરંગ જળની સત્તા વડે જ સત્તા-વાળો હોવાથી "તરંગ જળથી જુદો નથી" એમ જાણ્યું,તેને તરંગમાં જળ-બુદ્ધિ જ થાય છે-એથી (કોઈ વિકલ્પ ના કરવાથી) તે પુરુષને "નિર્વિકલ્પ" કહેવામાં આવે છે.


કદી પણ ક્ષીણ નહિ થનારી (સત્ય) મહા-બુદ્ધિ,તે નિર્વિકલ્પ-પુરુષમાં જ રહેલી છે.અને જે કંઈ મેળવવાનું અભેદ-જ્ઞાન છે,તે તેણે મેળવી લીધું છે.એટલે એવો પુરુષ,મિથ્યા પદાર્થોમાં પોતાની સત્ય-બુદ્ધિ વડે
લોલુપ થતો નથી.માટે સર્વ ભેદ-બુદ્ધિને છોડી દઈને આત્મા-તત્વ કે કે જે કેવળ શુદ્ધ ચૈતન્ય-માત્ર છે,
અને જ્ઞેય (દૃશ્ય કે જગત) પદાર્થોથી રહિત છે-તેમાં જ તમે દૃઢ થઈને રહો.

જેમ પવન પોતાનામાં ગતિ ઉત્પન્ન કરે છે,તેમ પરમાત્મા પોતે જ પોતાનામાં પ્રગટ થઈને "સંકલ્પ" નામની શક્તિને ઉત્પન્ન કરે છે.(નોંધ-પરમાત્મા-રૂપ આકાશમાં રહેલ વાયુની ગતિથી સંકલ્પ-શક્તિ કે બુદ્ધિ !!!)
ત્યારે કેમ જાણે પરમાત્માથી જુદું હોય તેવો આભાસ બતાવનાર સંકલ્પની કલ્પના-રૂપ,
મન (હિરણ્ય-ગર્ભ) પેદા થાય છે (નોંધ-પ્રથમ બુદ્ધિ અને પછી મન કે જેને હિરણ્યગર્ભ કહે છે !!!)
અને તે જગત-રૂપે પોતાના આકારની ભાવના કરવાથી પોતે જ જગત-રૂપ બની જાય છે.
એ વિશ્વ (જગત) ને આકારે સ્ફૂરેલા સંકલ્પ-રૂપ સમષ્ટિ-ચિત્ત (મન કે હિરણ્યગર્ભ)
આ સર્વ જગતને સંકલ્પો વડે જેવી રીતે કલ્પી કાઢે,તેવી જ રીતે તે ક્ષણભર માં થઇ જાય છે.

હિરણ્યગર્ભ-રૂપ એ ચિત્ત જ મન,જીવ,અહંકાર,બુદ્ધિ-વગેરે નામોને ધારણ કરી,
સંકલ્પ વડે બ્રહ્મા-પણું,કીટ-પણું,મેરુ-પણું,દ્વિત્વ.એકત્વ-વગેરે ભાવને પામીને જગતની સ્થિતિને વિસ્તારે છે
અને પછી પોતે જ વિવિધ-પણાને પામે છે.આમ,આ મહા-વિસ્તાર-વાળું જગત સંકલ્પ-માત્ર જ છે,તે સત્ય નથી તેમ સાવ મિથ્યા પણ નથી,કેમ કે,તે કલ્પનામાં ના આવે તે રીતે સ્વપ્નના ગોટાળાની જેમ "અનિર્વચનીય" છે.

જેમ મનુષ્ય અનેક પ્રકારના સંકલ્પો અને મનોરથો-રૂપી મનના રાજ્યમાં મહાલે છે,
તેમ હિરણ્યગર્ભ નામનું ઈશ્વર નું (કાલ્પનિક-સંકલ્પો-રૂપી) મન
અનેક પ્રકારના સંસારો રચી પોતાના (કાલ્પનિક) મનનું રાજ્ય ઉભું કરે છે.
એટલે તે મિથ્યા હોવાથી તત્વજ્ઞાન થતાં તે બ્રહ્મ-સ્વરૂપે જ પ્રતીતિમાં આવનારું હોવાથી,
એ માયાના રૂપમાં લય પામી જાય છે,
એટલે  પછી જો પરમ-અર્થ-દ્રષ્ટિથી જોવામાં આવે તો,એ કશું પણ (દૃશ્ય-કે જગત) જણાતું નથી
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE