Jun 14, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-831

જેમ સમુદ્ર જળ-રૂપ છે છતાં મોજાં અને તરંગોની કલ્પનાને યોગ્ય રૂપ ધારણ કરી રહ્યાથી સમુદ્રના આકારે શરીરને ધારણ કરે છે,તેમ એ દ્રશ્ય-પદાર્થ-જાળ (જગત) પણ પરમ-અર્થ-દ્રષ્ટિથી તો બ્રહ્મ-રૂપ જ છે,
પણ પારમાર્થિક દ્રષ્ટિ નહિ થવાને લીધે,તે જગત જુદેજુદે આકારે દેખાય છે.
મનુષ્ય ભલે હજારો કર્મો કરતો હોય,પણ ચિદાભાસ (જીવ)ની સાથે જોડાયેલું મન,જો કોઈ સંકલ્પો ના કરતું હોય,તો નિર્વિકાર સાક્ષી-ચૈતન્યમાં તે કોઈ પણ અપૂર્વ (નવો) વિકાર ઉત્પન્ન કરી શકતું નથી.

વસિષ્ઠ કહે છે કે-હે રામ,માટે અતિ-તુચ્છ ભેદ-બુદ્ધિનો ત્યાગ કરીને,જોવું,સાંભળવું,અડકવું,સુંઘવું અને
વ્યવહાર કરવા -વગેરે કર્મો કરવા છતાં પણ "આમાં કંઈ પણ અપૂર્વ (નવું) કે સત્ય નથી"
એવી ભાવના રાખીને જે કંઈ તમે કરો છો,તે નિર્મળ સર્વ-વ્યાપી ચૈતન્ય-રૂપ જ છે,એમ તમે સમજો.
આ સર્વ વિવર્ત-રૂપે મોટા આકાર-રૂપે દેખવામાં આવતું સર્વ બ્રહ્મ જ છે,તેના સિવાય બીજું કશું નથી.
સર્વ પદાર્થોનો સમુદાય બ્રહ્મની સત્તા વડે જ સત્તા-વાળો હોવાથી,
આ સર્વ જગત બ્રહ્મ-રૂપ જ છે,તેમાં બીજી કોઈ કલ્પના ઘટતી નથી.

એ પરબ્રહ્મમાં માત્ર સંકલ્પ-રૂપી સ્ફૂરણ થવાથી દેખાતી આ તુચ્છ જગત-રૂપી જાળમાં આ પદાર્થ ,
બીજા પદાર્થથી જુદો છે-એવો મિથ્યા આગ્રહ શી રીતે ઘટી શકે?
દેખવામાં આવતા સર્વ આકારો માત્ર એક ચૈતન્ય તત્વનો ભાવ હોવાથી,બંધન-મોક્ષ પણ કયાંથી હોય?
આ બંધન છે અને આ મોક્ષ છે-એવું નકામું અભિમાન ઉત્પન્ન કરનારી સર્વ ચિંતાને બળાત્કારથી
સર્વ યત્નો વડે દૂર કરી,(અનાસકત થઇ) પોતાનું કર્તવ્ય-કર્મ (રાજ્ય-આદિ) કરવા છતાં
તમે મુનિ,જિતેન્દ્રિય,માન અને મદથી રહિત તથા અહંકાર વિનાના મહાત્મા થઈને રહો.

(૧૧૫) મહા-ભોક્તા આદિનાં લક્ષણો

વસિષ્ઠ કહે છે કે-હર રામચંદ્રજી,આત્મ-ચૈતન્યનો આશ્રય કરી,સર્વ શંકાઓનો ત્યાગ કરી,
કાયમને માટે ધીરજ ધરી તમે મહા-કર્તા,મહા-ભોક્તા અને મહા-ત્યાગી બનીને રહો.

રામ કહે છે કે-હે મહારાજ,કેવાં લક્ષણવાળો મહા-કર્તા કહેવાય? કેવાં લક્ષણવાળો મહા-ભોકતા કહેવાય?
અને કેવાં લક્ષણવાળો મહા-ત્યાગી કહેવાય? તે આપ બરાબર રીતે મને કહો.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE