Jun 16, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-833

જે,શાસ્ત્રમાં કહેલાં અને નહિ કહેલાં એ બંને કર્મોનું આચરણ કરી,પોતે એ કર્મોના કર્તા-પણાને પ્રાપ્ત થતો હોય,તો પણ અંદર (આત્મા તો અકર્તા છે-એવા દૃઢ નિશ્ચયને લીધે) અત્યંત ઉદાસીન હોવાથી એ બંને જાતના કર્મોમાં જે "સમાન-ભાવ" ને પ્રાપ્ત થાય તે "મહા-કર્તા" કહેવાય છે.
જે,શુભાશુભ કર્મ કરતો હોય,તો પણ સ્વભાવે,પોતે શાંત હોવાથી પોતાની સ્વભાવિક "સમાનતા"ને છોડતો નથી,તે "મહા-કર્તા" કહેવાય છે.જેનું ચિત્ત,જન્મ-સ્થિતિ-નાશ-ઉદય અને અસ્ત-એ બધામાં "સમાન" રહે છે તે "મહા-કર્તા" કહેવાય છે.

મહા-ભોક્તા
જે પુરુષ કશાનો દ્વેષ કરતો નથી,કશાની ઈચ્છા કરતો નથી,
અને પ્રારબ્ધ-યોગે જે કંઈ આવી મળે તે સર્વ ભોગવી લે છે-તે "મહા-ભોક્તા" કહેવાય છે.
જે પુરુષ,ઇન્દ્રિયો વડે વિષયો ગ્રહણ કરતો હોય,તો પણ આત્માના અસંગ-પણાને અને અકર્તા-પણાના
નિશ્ચયને લીધે અને જેનું  ચિત્ત પૂર્ણ આત્મામાં જ ચોંટેલું હોય -તો તે પુરુષ કંઈ ગ્રહણ (કે કર્મો) કરતો નથી,
તે, હાથ-પગ વગેરે અવયવો વડે કર્મ કરે છે તો પણ,અંદર નિષ્ક્રિય આત્માનું જ્ઞાન હોવાને લીધે,
તે કંઈ કરતો નથી,અન્નનું ભોજન કરતો હોય તો પણ  "આત્મા ભૂખ-તરસ આદિ ધર્મોથી રહિત અને
નિત્ય-તૃપ્ત છે" એવા નિશ્ચય વડે તે  જમતો નથી-તેવો પુરુષ "મહા-ભોક્તા" કહેવાય છે.

જે પુરુષ,બુદ્ધિમાં કોઈ ખેદ લાવ્યા વગર,લોક-વ્યવહારને સાક્ષીની જેમ નિષ્કામ-પણાથી જોયા કરે છે-
તે "મહા-ભોક્તા" કહેવાય છે.
અડચણ કરનારાં સુખ-દુઃખો,જય-પરાજય,લાભ-હાનિ-વગેરેથી જેની બુદ્ધિમાં ફેરફાર થતો નથી
તે "મહા-ભોક્તા" કહેવાય છે.
જે પુરુષ,જરા,મરણ,વિપત્તિ,ગરીબાઈ અને રાજ્ય-એ સર્વેને બ્રહ્મ-દ્રષ્ટિથી જોઈ,તેમને સુંદર ગણે છે
તે "મહા-ભોક્તા" કહેવાય છે.
જેમ સાગર અનેક જળના પ્રવાહોને સમાન રીતે ગ્રહણ છે,તેમ,જે પુરુષ,સુખ-દુઃખોને પણ
નિર્વિકાર બુદ્ધિ વડે સમાન-પણાથી ગ્રહણ કરે છે તે "મહા-ભોક્તા" કહેવાય છે.

જેમ ચંદ્રના કિરણો ચંદ્રથી જુદાં નથી,તેમ અહિંસા,સર્વત્ર સમાન-ભાવ,અને સંતોષ-વગેરે ગુણો,
જેનાથી જુદા પડતા નથી,તે "મહા-ભોક્તા" કહેવાય છે.
કડવું,ખાટું,તીખું-વગેરે જેવું ગમે તેવું ઉત્તમ કે અધમ અન્ન હોય,તો પણ સમાન-પણાથી તેનું જે ભક્ષણ કરે છે
તે "મહા-ભોક્તા" કહેવાય છે.
જે સરસ-નીરસ પદાર્થને અને રતિસુખને કે રતિવિઘ્નને  સમાન-દૃષ્ટિએ જુએ છે,
તે પુરુષ શાંત હોવાથી "મહા-ભોક્તા" કહેવાય છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE