Jun 26, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-843

તે (જીવનમુક્ત) સર્વ આચારો,નીતિના ક્રમથી કરીને પોતાનો લોકાચાર વ્યવહાર નિભાવે છે,
પરંતુ અંદરથી તે બંધાતો નથી.જીવનમુક્ત પુરુષથી લોકોને ખેદ થતો નથી
અને તે પોતે લોકોથી ખેદ પામતો નથી.
રાગ,દ્વેષ,ભય અને આનંદના નિમિત્ત-રૂપ વિષયો વડે તે કોઈ વખત પ્રારબ્ધના બળથી,
તેમાં જોડાય છે,કે તેનો ત્યાગ પણ કરી દે છે.
એટલે એવો પુરુષ ખરેખર કોઈની સમજમાં આવી શકતો નથી.

હે ઈક્ષ્વાકુ,એવો જીવનમુક્ત પુરુષ કોઈ તીર્થ (કાશી-આદિ) માં પોતાના દેહનો ત્યાગ કરે,
કોઈ ચાંડાલને ત્યાં દેહ છોડે કે પછી,ભલે કોઈ દિવસ દેહનો ત્યાગ જ ના કરે કે ચાલુ ક્ષણમાં જ દેહનો ત્યાગ કરે,
પણ તે વાસના-રહિત હોવાથી જ્ઞાન-પ્રાપ્તિ થવાના સમયમાં જ તે દેહ-મુક્ત જ છે.

ઐશ્વર્ય અને વૈભવોની ઈચ્છા રાખનારા પુરુષે પણ, એ જ્ઞાનનિષ્ઠ પુરુષ જ પૂજવા યોગ્ય છે.
કેમકે,સંસાર-રૂપી મહાવ્યાધિથી રહિત થઇ ગયેલા,બ્રહ્મનિષ્ઠ સજ્જનોની ભક્તિ વડે જે પવિત્ર પદ મળે છે-
તે યજ્ઞોથી,તીર્થોથી,તપોથી કે દાનોથી મળતું  નથી.

વસિષ્ઠ કહે છે કે-ઉપર પ્રમાણે કહી મનુ મહારાજ બ્રહ્મલોકમાં ગયા
અને ઈક્ષ્વાકુરાજા પણ એ દૃષ્ટિનો આધાર રાખીને સ્થિર થઈને રહ્યા.

(૧૨૩) અજ્ઞાની સિદ્ધો કરતાં જ્ઞાનીની વિશેષતા

રામ કહે છે કે-હે મહારાજ,જેવાં આપ કહો છો તેવાં,જો જીવનમુક્તનાં લક્ષણો હોય,
તો પછી એ સુબુદ્ધિમાન પુરુષમાં બીજાના કરતા અવનવી શી વિશેષતા રહે?

વસિષ્ઠ કહે છે કે-જ્ઞાનનિષ્ઠ જીવનમુક્તની બુદ્ધિ એક અંશમાં (બીજા કરતાં) કંઇક વિશેષ છે,
અને તે એ છે કે-સદા સંતોષમાં રહેનારો અને શાંત ચિત્ત-વાળો એ જીવનમુક્ત,
બીજે કશે નહિ પણ ફક્ત આત્મામાં સ્થિર થઈને રહે છે.
મંત્ર,તપ,તંત્રની સિદ્ધિવાળા,પુરુષોએ ઘણીવાર આકાશગમન વગેરે સિદ્ધિઓમેળવેલી હોય છે,તેમાં કંઈ નવાઈ નથી,કારણકે તેવા પુરુષોએ યત્ન વડે મળી  શકતું,ઐશ્વર્ય મેળવ્યું છે,
પણ આત્મદર્શી (જીવનમુક્ત) તે સિદ્ધિઓની પાછળ જતો નથી-એ જ એની વિશેષતા રહી છે.

એ મહા-બુદ્ધિમાન જીવનમુક્ત પુરુષનું શુદ્ધ-ચિત્ત આસ્થા વગરનું હોવાથી અને પરમ વૈરાગ્યને લીધે,
સર્વ વિષયો તરફ પ્રીતિ વગરનું હોવાથી,એ મહાત્મા કોઈ ભોગ્ય વસ્તુમાં લોલુપ થઈને બંધાઈ જતો નથી.
ઘણા કાળથી સંસાર-રૂપી ભ્રાંતિ શાંત થઇ જવાને લીધે,પરમતત્વમાં શાંતિ પામેલા,અને
સર્વ-ધર્મથી રહિત,પરબ્રહ્મ જ જેનું સ્વરૂપ છે,એવા જીવનમુક્તનું એ જ મુખ્ય લક્ષણ છે.
તેનામાં કામ-ક્રોધ-લોભ-મોહ-શોક વગેરે આપદાઓ પ્રતિદિન અત્યંત ક્ષીણ થતી જાય છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE