More Labels

Jul 6, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-853

હે રામચંદ્રજી,આ સંસાર તે હાથણીની રણભૂમિ છે,જેમાં મનુષ્ય વારંવાર જય-પરાજયનો અનુભવ કરે છે.
આ ઈચ્છા-રૂપી-હાથણી,બિચારા કૃપણ જીવ-સમૂહને મારી નાખે છે.
વાસના,ચેષ્ટા,મન,ચિત્ત,સંકલ્પ,ભાવના,સ્પૃહા-વગેરે એ "ઈચ્છા"ના જ પેટા-નામો છે.
સર્વત્ર પ્રસરી રહેલી,એ ઈચ્છા-રૂપી હાથણીને સર્વ પ્રકારે જીતી લેવી જોઈએ."અમુક પદાર્થ મને પ્રાપ્ત થાય" એવું મન થવું (ઈચ્છા થવી) એ જ સંસાર છે (કે જે સંસાર બંધન કરે છે)
અને તેની શાંતિ થવી (કોઈ પદાર્થની ઈચ્છા ના થવી) તે "મોક્ષ" છે.આટલામાં જ બધું "જ્ઞાન" આવી જાય છે.

ઈચ્છા-રહિત નિર્મળ ચિત્તમાં જ,પ્રસન્નતાને ઉત્પન્ન કરનારી,ગુરુ કે શાસ્ત્રની ઉપદેશ-વાણી બરાબર અસર કરે છે.
સંકલ્પો છોડી દઈ,જો વિષયોનું સ્મરણ જ ના કરવમાં આવે,તો ઈચ્છા-રૂપી-સંસાર-વૃક્ષનો-અંકુર જ ફૂટે નહિ.
માટે અનર્થો ઉત્પન્ન કરનારી,એ 'ઈચ્છા',જેવી ઉદય પામે કે તરત જ તેણે અસંકલ્પ-રૂપી શસ્ત્રથી છેદી નાખવી.
પ્રબળ 'ઇચ્છા'થી ઘેરાયેલો જીવ,દીન (ભયભીત) બની જાય છે,પણ જો તે જીવ મનના સંકલ્પ-વિકલ્પો છોડી દઈને,સ્થિર આસને બેસીને,પોતાનું સ્વરૂપ જાણવા પ્રયત્ન કરે,તો સમાધિથી પણ,તે ઇચ્છાથી પર થઇ જાય છે.
માટે તમે પ્રત્યાહાર-રૂપી (વિષયોમાંથી ઇન્દ્રિયને ખેંચી લઇ મનને એક ઠેકાણે સ્થિર કરવું તે-પ્રત્યાહાર)
ચીપિયાથી,ઈચ્છા-રૂપી-માછલીને પકડી,તેને બાંધી લો.

"અમુક પદાર્થ મને મળો" એવું જે ચિત્તનું દોડવું છે-તેને જ તત્વવેત્તાઓએ "કલ્પના" એવું નામ આપ્યું છે,
અને કોઈ પદાર્થનું સ્મરણ જ ના લાવવું તે "કલ્પનાનો ત્યાગ" કહેવાય છે.અને તે જ કલ્યાણકારક છે.
અનુભવેલા અને નહિ અનુભવેલા-પદાર્થ સંબંધેના બંને જાતના સ્મરણને ભૂલી જઈ,
તમે કે જે, મહા-બુદ્ધિમાન છો,તે -મૌન-પણું સેવીને કોઇથી ના સમજાય તેવા ગૂઢ થઈને રહો.

હું (વસિષ્ઠ) વારંવાર કહું છું કે "અસંકલ્પ જ પરમ કલ્યાણ-રૂપ છે" છતાં કોઈ શા માટે મારી રાડો સાંભળતું નથી? અને શા માટે તે અસંકલ્પને - અંદર દૃઢ રીતે રાખવામો આવતો નથી?
માત્ર (કેવળ) સર્વ વ્યાપારથી રહિત થઇ,નિઃસંકલ્પપણે રહેવાથી,એવું શ્રેષ્ઠ પરમ-પદ પ્રાપ્ત થાય છે-
કે જેની સામે સર્વથી ઉત્તમ સામ્રાજ્ય,પણ ઘાસના જેવું અતિ તુચ્છ લાગે છે.

જેના મનમાં જવાના સ્થાને પહોંચી જ જવું-એવી ભાવના છે,તે મુસાફરના પગમાં,
જેમ કોઈ જાતના સંકલ્પ વિના જ ગતિ થયા કરે છે,
તેમ,યોગી,પુરુષની પણ સંકલ્પ વિના જ (પૂર્વનાં પ્રારબ્ધ-વશ પ્રાપ્ત થયેલાં) કર્મોમાં ગતિ થયે જ જાય છે.
ટૂંકમાં-અહી એટલું જ કહેવાનું છે કે-સંકલ્પ થવો એ પરમ બંધન-રૂપ છે,અને સંકલ્પ ના થવો એ મુક્ત-પણું છે.

વળી,પરમ-અર્થ દ્રષ્ટિએ જોઈએ તો-,પહેલેથી જ સર્વ (જીવો) જન્મહિત,શાંત,અનંત,નિત્ય-નાશરહિત,ચિદ્રુપ જ છે,
એટલે એવી દ્રષ્ટિ રાખી,શાંત અને અક્ષય-પરબ્રહ્મ-રૂપે થઇ રહેવું,તેને જ બ્રહ્મવેત્તાઓ "યોગ" કહે છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE