Jul 13, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-856

વાલ્મીકિ કહે છે કે-હે પ્રિય,ભરદ્વાજ,"આ જગત એક આત્મ-તત્વ-રૂપ જ છે" (ઇદં સર્વ યદયમાત્મા)
એમ વેદાંત-શાસ્ત્રોમાં જો સ્પષ્ટ રીતે બતાવવામાં આવ્યું હોય,તો પછી,
તે પરમાત્માથી જુદું એવું તો બીજું શું હોય કે,જે તમારી પાસેથી જતું રહે-ને તમે તેનો શોક કરો?
જે અજ્ઞાની પુરુષો છે-તેઓ માટે જ આ સર્વ જગત બ્રહ્મના વિવર્ત-રૂપ છે.
બાકી,જ્ઞાની બ્રહ્મનિષ્ઠ પુરુષો તો "આનંદ-રૂપ પરબ્રહ્મ વિવર્ત-રહિત જ છે" એમ સમજીને રહે છે.

આ "પરમ સૂક્ષ્મ-તત્વ" અવિદ્યા વડે ઢંકાઈને "ન દેખાય તેવું" થઈને રહ્યું છે.
જેમ અજ્ઞાનીને જળમાં સ્થળ અને સ્થળમાં જળની ભ્રાંતિ થાય છે,
તેમ અવિવેકી મનુષ્યોને,ભિન્ન ભિન્ન-રૂપે માની લીધેલ,પોતાના આત્મામાં પણ ભ્રાંતિ જ થાય છે.
જો (ન્યાય-શાસ્ત્ર મુજબ) કદાચિત,પૃથ્વી -આદિ પંચમહાભૂતોના પરમાણુ-રૂપ જ આ જગત હોય-
તો પણ,કોનો નાશ થાય છે? કે જેનો શોક કરવામાં આવે?
(નોંધ-દેહ-આદિ અનાત્મક હોવાને લીધે,તેના નાશથી આત્માનો નાશ થતો નથી,તો કોનો નાશ થાય?)

હે પ્રિય ભરદ્વાજ,જે જગત-આદિ અસત્ય પદાર્થ છે,તેની સત્તા છે જ નહિ,અને જે આત્મ-તત્વ સત્ય છે,
તેનો અભાવ નથી.માત્ર (માયાના લીધે જગતના) માયિક આકારો જ પ્રગટ થાય છે-અને-લય પામે છે,
છતાં,પોતાના 'કર્મોથી' પૂર્વનાં અનેક જન્મોના સંચિત પુણ્ય-પાપ-રૂપી-પુરુષ-પ્રયત્ન,
તે સર્વ હજારો અનર્થો (મરણ-મૂર્છા-વગેરે દુઃખો) ને ઉત્પન્ન કરનાર થઇ પડે છે,
માટે ભક્તો પર કૃપા માટે શરીર ધારણ કરનાર (રામ-કૃષ્ણ-વગેરે અવતાર ધારણ કરનાર શરીરવાળા કે સગુણ)
જગદગુરુ  પરમ પરમેશ્વર (પરમાત્મા)નું તમે ભજન કરો.(કૃષ્ણમ વંદે જગદગુરુમ)
(નોંધ-હવે સામાન્ય મનુષ્યો માટેનો - સગુણ ઉપાસનાનો- દ્વૈતથી અદ્વૈતનો સાદો ક્રમ બતાવ્યો છે)

(૧) જ્યાં સુધી તમારું ચિત્ત શુદ્ધ થાય,ત્યાં સુધી પરમેશ્વરના સાકાર (સગુણ) રૂપને (રામ-કૃષ્ણ વગેરેને)તમે ભજો.
(૨) એ ભજનના 'પ્રભાવ'થી નિરાકાર (નિર્ગુણ) પરમ-તત્વમાં તમારી સ્વાભાવિક સ્થિતિ થઇ જશે.
(૩) પરમેશ્વરની ઉપાસનાથી શુદ્ધ થઇ ગયેલા ચિત્તના બળ (શક્તિ) થી,તમે અજ્ઞાન ની મોહક શક્તિ (માયા)નો પરાજય કરી,(શાસ્ત્રમાં) વિશ્વાસવાળા ચિત્ત વડે,મન-ઇન્દ્રિયોને નિયમમાં રાખવા-રૂપી "યોગમાર્ગ"ને અનુસરો.
(૪) પછી ક્ષણ-માત્ર "સમાધિ" નો આશ્રય કરી,પોતાના આત્મા વડે જ આત્માનું અવલોકન કરો.
કે જેથી થતા 'આત્મસાક્ષાત્કાર'થી તમારી પહેલાંની અજ્ઞાન-રૂપી અંધકારથી વીંટાયેલી બુદ્ધિ-પ્રકાશિત થશે.

કેવળ પુરુષ-પ્રયત્ન પણ ઠીક છે અને કેવળ પ્રારબ્ધ પણ ઠીક છે,એ બંનેથી કશું થઇ શકતું નથી,
બાકી જે કંઈ (આત્મ-તત્વ કે પ્રાપ્તવ્ય) મળી આવે છે,તે પરમેશ્વરની "કૃપા" થી જ મળે છે.
મનુષ્યનાં પૂર્વનાં અનેક કર્મો એવાં બળવાન (શક્તિ-વાળાં) છે કે,
ઈશ્વરની "કૃપા" વગર તેનો (અજ્ઞાનનો) પરાજય થઇ શકતો નથી.માટે તમે ઈશ્વરનો જ આશ્રય લો.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE