Jul 7, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-855

વાલ્મીકિ કહે છે કે-હે ભરદ્વાજ ઋષિ,વશિષ્ઠજી નાં બોધ-રૂપી વાક્યોને અનુસરનારૂ,
રામચંદ્રજીનું સર્વ વૃતાંત પહેલથી જ મેં તમને બતાવ્યું છે,
તે તમે "બુદ્ધિ વડે વિચારી લઇ તેનું મનન કરો" કેમ કે મારે પણ તમને અહી એ જ જાતનું કહેવાનું છે.આ સઘળું અવિધા (માયા) નો પ્રપંચ છે.તેમાં એક અણુમાત્ર સત્ય નથી.
ડાહ્યા પુરુષો તેનું વિવેચન કરી લે છે અને અવિવેકી પુરુષો તે સંબંધમાં માત્ર વિવાદ જ કર્યા કરે છે.
ચૈતન્ય-રૂપ-આત્માથી કશું ભિન્ન નથી,તો તમે એ ખોટા પ્રપંચ (માયા) માં શા માટે રોકાઈ રહો છો?

હે પ્રિય ભરદ્વાજ,"રહસ્ય બાબતો"નો અભ્યાસ કરીને તમે શુદ્ધ ચિત્ત-વાળા થાઓ.
(નોંધ-પ્રણવ -આદિના રહસ્ય-અર્થો તથા કેટલીક ગોપનીય  ઉપાસનાઓ-ને "રહસ્ય બાબતો" કહે છે)
પ્રપંચ (માયા કે અવિદ્યા) તરફની વૃત્તિ,તે "જાગતા છતાં નિંદ્રા" જેવી હોવાથી,જાગતા સમયની નિંદ્રા કહેવાય છે.
(નોંધ-મનુષ્ય બધું જાણે છે છતાં જાણે ઊંઘતો હોય તેમ પ્રપંચ (માયા) તરફ ખેંચતો જાય છે-એટલે નિંદ્રા કહી છે)
અનેક વિલાસો-વાળો આ સંસાર (સ્વપ્નની જેમ) સાવ મિથ્યા હોવા છતાં,
માત્ર "અનાદિ-કાળની વાસના" ના દોષને લીધે જોવામાં આવે છે.

જ્ઞાન પ્રાપ્ત થયા પહેલાં,અજ્ઞાન-દશામાં જ (ઉપર દર્શાવેલી) જાગ્રત અવસ્થા છે,એટલે અજ્ઞાન-અવસ્થામાં પ્રતીત થતો (દેખાતો) સર્વ પ્રપંચ (સંસાર કે માયા) ત્યાં સુધી (અજ્ઞાન હોય ત્યાં સુધી) જ છે.
બાકી તુર્ય-અવસ્થામાં,જાગ્રત-સ્વપ્ન અને સુષુપ્તિ-એ ત્રણેય અવસ્થા નથી.(એ યોગીઓથી અનુભવ સિદ્ધ છે.)
અમૃતના જેવા મધુર રસ-વાળી, ચૈતન્ય-રૂપ-મહા-નદી,ત્યાં સુધી જ ભયંકર તરંગોવાળી લાગે છે-
કે જ્યાં સુધી વિવેકી પુરુષે,"આત્મા-રૂપે" તેમાં ડૂબકી  મારી નથી.

હે પ્રિય ભરદ્વાજ,આ સર્વ વસ્તુઓ પહેલાં હતી નહિ અને છેવટે રહેવાની પણ નથી,તો પછી મધ્યમાં પણ તે વસ્તુઓ (જગત) છે જ નહિ તેમ સમજો.આ જગત સ્વપ્નના જેવું કેવળ દેખાવ-માત્ર જ છે.
અવિદ્યા (માયા) થી ઉત્પન્ન થયેલા સર્વ ભેદો ઉત્પન્ન થઈને પાછા,અધિષ્ઠાન-ચૈતન્યમાં જ લય પામે છે.
એક અજ્ઞાન-રૂપી સમુદ્ર,આખા આ જગતને વ્યાપી રહ્યો છે.
અવિદ્યા-રૂપ પવનથી ઉત્પન્ન થયેલો,"હું અમુક (શરીર) રૂપ છું" એવો "અહંકાર" જ તેનો મોટો તરંગ છે.

ચિત્તના જુદાજુદા વિષયોમાં આસક્તિ થવાના દોષો અને ભેદોના કારણ-રૂપ રાગ (આસક્તિ) વગેરે દોષો,
તે અજ્ઞાન-રૂપ સમુદ્રના નાના નાના તરંગો-રૂપે કલ્પાયેલા છે.
તો વળી,મમતા-રૂપ-ઘૂમરીઓ,પોતાની મેળે જ,મરજી આવે તેમ તેમાં પડ્યા કરે છે.
રાગ-દ્વેષ-રૂપી બે મોટા મગરો,તેમાં રહે છે,જો તમે તેના પંજામાં આવી ગયા
તો પછી તમે અનર્થ-રૂપી-પાતાળમાં ખેંચાઈ જશો અને તે વખતે તમને કોઈ રોકી શકશે નહિ.
એટલે દ્વૈત-બુદ્ધિ-રૂપી-સમુદ્રના તરંગોમાં ઝંપલાયા કરતા (ડૂબકી મારવા કરતાં)
પરમાત્મા-રૂપી અમૃતમય તરંગ-વાળા અમૃતના સમુદ્રમાં જ શા માટે ના ઝંપલાવવું (ડૂબકી મારવી) ?

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE