Jul 23, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-866-પ્રકરણ-૬-ઉત્તરાર્ધ

(૧) જીવનમુક્તનો જીવન-ક્રમ
રામ કહે છે કે-હે મહારાજ,સંકલ્પનો ત્યાગ થતાં સર્વ ક્રિયા-માત્ર શાંત થઇ જવાને લીધે તત્કાળ મનુષ્યનું શરીર પડી જાય છે,તો પછી આપ જે સંકલ્પના ત્યાગની વાત કહો છો,તે જીવતા મનુષ્યને શી રીતે સંભવે?

વસિષ્ઠ કહે છે કે-જે મનુષ્ય જીવતો હોય તેને જ સંકલ્પનો ત્યાગ ઘટી શકે છે.નિર્જીવને નહિ.આ સંકલ્પ-ત્યાગનું યથાર્થ-રૂપ હું તમને કહું છું તે તમે સાંભળો.
સંકલ્પના રૂપને જાણનારા વિવેકી પુરુષો, "હું" એવો "અહંકાર"નો અધ્યાસ થવો,તેને જ સંકલ્પ કે કલ્પના કહે છે,
અને એ "મર્યાદા-વાળા-હું-રૂપ અહંકારના અધ્યાસ"ને છોડી દઈ તેમાં (તે અહંકારને બદલે)
"હું કે જે ચૈતન્ય-રૂપ-આકાશ-રૂપ છું,અને તે જ મારું વાસ્તવિક સ્વ-રૂપ છે"
તેવી ભાવના કરવી તે જ "સંકલ્પ-ત્યાગ" કહેવાય છે.

આત્મા સિવાય બીજા કોઈ પદાર્થમાં જે "આસક્તિ" થવી,તેને જ (તે સંકલ્પનું મૂળ હોવાથી) "સંકલ્પ" કહેલો છે,
અને ચૈતન્ય-આત્માથી બીજું કંઈ જુદું ના હોવાથી,તે સર્વમાં "એક ચૈતન્ય-આકાશની જ ભાવના" થવી,
તેને "સંકલ્પ-ત્યાગ" કહેવામાં આવે છે.
અમુક (દેહ-જગત-વગેરે) દૃશ્ય પદાર્થો "પરમ-અર્થથી સત્ય છે" એવું "અભિમાન" થવું તેને "સંકલ્પ" કહે છે,
અને એ સર્વ દૃશ્ય પદાર્થો (આકાશના "કાર્ય-રૂપ" વાયુ-આદિ ચાર ભૂતોનો વિકાર હોવાથી) ફક્ત આકાશ-રૂપ
જ છે,(એટલે કે-સઘળું ચૈતન્ય-રૂપ આકાશમાં જ મિથ્યા કલ્પાયેલું હોવાથી,તે સર્વ ચૈતન્ય-આકાશ-રૂપે જ છે)
એવી ભાવના થવી તે "સંકલ્પ-ત્યાગ" કહેવાય છે.

અનુભવમાં આવી ગયેલી બાબતનું અને નહિ અનુભવેલી બાબતનું -એમ બે રીતે "સ્મરણ" થાય છે.
કોઈ પણ રીતે પણ જે "સ્મરણ" થાય છે-તે "સંકલ્પ" જ છે એમ સમજો.
અને કોઈ પણ બાબતનું સ્મરણ ના થવું,એમાં જ કલ્યાણ રહેલું છે-એમ વિવેકીઓ સમજે છે.

હે રામચંદ્રજી,અનુભવમાં આવેલા વિષયોની અને નહિ અનુભવાયેલા વિષયોની,એ બંને જાતની સમૃતિઓ અને બીજી પણ સર્વ ચિત્તમાં ઉઠતી વૃત્તિઓનો ત્યાગ કરીને,ચિત્તને કાબુમાં લાવી,પરબ્રહ્મમાં લીન થઇ જઈ,
નિશ્ચળ રહી,લાંબુ આયુષ્ય ભોગવો.ચિત્તમાંથી સર્વ પદાર્થના સ્મરણ-રૂપ-સંકલ્પને છોડી દઈ,
પ્રારબ્ધ-યોગે પ્રાપ્ત થયેલાં અને પૂર્વના અભ્યાસને અનુસરીને કરવામાં આવતાં કર્મોમાં નિઃસંકલ્પ-પણાથી
(અડધા ઊંઘતા નાના બાળકની જેમ ચેષ્ટાની જેમ) તમે પ્રવૃત્તિ કરો.

મલિન વાસના-વાળું ચિત્ત જ જેનું નષ્ટ થઇ ગયું છે,જેને વિવેકી પુરુષો "સત્વ" નામથી ઓળખે છે,
તેના શુભ સંસ્કારોને અનુસરીને,જીવન-રૂપી-પ્રવાહમાં આવી પડેલાં (આવેલાં) કાર્યોમાં ચેષ્ટા કરો.(કાર્યો કરો)

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE