Jul 22, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-865

પછી,પહેલાંના વસિષ્ઠજીનાં વાક્યો યાદ કરી,તથા "આ ગુરુ-વાક્ય છે,માટે તેનો તિરસ્કાર કરવો નહિ" એવી પિતા અને સર્વની પ્રાર્થના પણ સાંભળી લઇ,રામચંદ્રજી એકાગ્રતા-પૂર્વક વસિષ્ઠને કહે છે કે-"આપની કૃપાથી હવે આ શરીર વિધિ કે નિષેધનું અધિકારી નથી,તથાપિ આપનું વાક્ય સદાકાળ માનનીય છે.કેમ કે હે મહામુનિ,વેદ-શાસ્ત્ર-પુરાણો તથા સ્મૃતિઓમાં પણ ગુરુનું વાક્ય પાળવા યોગ્ય જ છે.અને ગુરુના વચનનો તિરસ્કાર કરવો તે નિષેધ-રૂપ કહ્યું છે" આમ કહી તેમણે વશિષ્ઠના ચરણોમાં વંદન કર્યા.

રામ કહે છે કે-હે સર્વ સભાસદો,તમારા સર્વનું કલ્યાણ થાઓ,તમે મારું આ કહેવું સાંભળો,કે
જેની અનુભવ-પૂર્વક ખાતરી પણ કરવામાં આવેલી છે. અને તે એ છે કે-
આત્મજ્ઞાનથી અને આત્મવેત્તા ગુરુથી બીજું કંઈ પણ વિશેષ નથી.

સભાસદો બોલ્યા કે-હે રામચંદ્રજી,આ વાત,જેમ આપ કહો છો તેમ જ અમારા મનમાં સ્થિર થઈને રહી હતી.
અને આપની કૃપાથી અને આપના કહેવાથી,હવે  બધું બરાબર દૃઢ થઇ ગયું છે.
હે રામચંદ્રજી,આપ સુખી થાઓ,અને હવે અહીંથી રજા લેવા તમને નમન કરીએ છીએ.વળી,
વશિષ્ઠજીની પણ આજ્ઞા લઇ,હવે અમે અહીંથી જવા માગીએ છીએ.

વાલ્મીકિ કહે છે કે-હે ભરદ્વાજમુનિ,પછી સર્વ સભાસદો ત્યાંથી ચાલ્યા ગયા.
આ સર્વ રામચંદ્રજીની જીવનમુક્તિની કથા મેં તમને કહી. આ ક્રમ-યોગ વડે તમે પણ સુખી થાઓ.
શ્રીરામની આ જીવનમુક્તિની સિદ્ધિ સર્વ યોગીઓએ પણ સેવવા યોગ્ય છે,કે જે મોક્ષના માર્ગ પર ચડાવી દે છે.
જે પુરુષ નિરંતર શ્રીરામ અને વસિષ્ઠના આ સંવાદનું શ્રવણ કરે છે,
તે ભલે સર્વ દોષ-વાળી (રાગ-દ્વેષ-વગેરે)
અવસ્થામાં રહેલ હોય,તો પણ શ્રવણ-માત્રથી એ સર્વ દોષોથી રહિત થઇ જાય છે.
અને પછી શમ-દમ-આદિ ગુણો મેળવીને બ્રહ્મને પ્રાપ્ત થાય છે.

નિર્વાણ-પ્રકરણ-પૂર્વાર્ધ -સમાપ્ત.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE