Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-864

સત્વ-રજ-અને તમ એ ત્રણ ગુણ-રૂપી ગહન વનને ઉલ્લંઘી રહેલા આ દેવ-રામચંદ્રજી જ
"વેદ-ત્રયી-રૂપી" શરીરને ધારણ કરી રહ્યા છે -અને વેદના પરમ-અર્થ-સ્વ-રૂપ-ભૂત છે,
તથા પોતાના છ અંગો (શિક્ષા-કલ્પ-વ્યાકરણ-છંદ-જ્યોતિષ-નિરુકત) થી સર્વત્ર જય મેળવી રહ્યા છે.તે આ જગતના પાલક "વિષ્ણુ" છે,આ જગતના સર્જનહાર "બ્રહ્મા" પણ છે અને જગતનો સંહાર કરનાર "મહાદેવ' પણ છે.તે પોતે જન્મ વિનાના હોવા છતાં,માયાના સંબંધથી અવતાર ગ્રહણ કરે છે.તે મોહ-રૂપી નિંદ્રા  વડે ઘેરાયેલા ના હોવાથી સદા જાગૃત છે,નિરાકાર છતાં વિશ્વને ધારણ કરી રહ્યા છે.

આ રાજા દશરથ ને ધન્ય છે કે તેમના ત્યાં આ પરમ-પુરુષ શ્રીરામચંદ્રજી પુત્ર-રૂપે અવતર્યા છે.અને
રાવણને પણ ધન્ય છે કે "આ મારી સામેનો લડવૈયો છે" એમ ચિત્તથી તે (શ્રીરામનું) ચિંતવન કરનાર છે.
સ્વર્ગ અને પાતાળમાં અત્યારે વિષ્ણુનો દેહ નહિ હોવાથી,તેમનો મહિમા ઓછો થયો છે.
શ્રીરામના પધારવાથી આ મધ્યમ-લોક (ભૂલોક) શ્રેષ્ટતાને પ્રાપ્ત થયો છે.

ક્ષીરસાગરની અંદર  શેષ-શય્યામાં પોઢનારા શ્રીશેષશાયી ભગવાન પોતે રામચંદ્રજી-રૂપે અવતર્યા છે.
ચિદાનંદમાં એક-રસ-રૂપે નિમગ્ન થઇ ગયેલા આ રામચંદ્રજી,નાશ-રહિત સાક્ષાત પરમાત્મા જ છે.
ઇન્દ્રિયોના સંયમ કરનાર યોગીઓ રામચંદ્રજીને સારી રીતે જાણે છે.બાકી આપણે તો આ સામાન્ય-રૂપનું વર્ણન કરવાને કે દર્શન કરવાને જ શક્તિમાન છીએ.રામચંદ્રજી રઘુકુળના પાપોનો ક્ષય કરનાર છે,
એમ અમારા સાંભળવામાં આવે છે.હે વશિષ્ઠમુનિ,તમે કૃપા કરી એમને વ્યવહાર-પરાયણ કરો.

વસિષ્ઠ કહે છે કે-હે રામ,હે રામ,હે મહાપુરુષ,હે મહાચૈતન્યમય,આ તમારો શાંતિનો કાળ નથી,માટે વ્યુત્થિત (સક્રિય) થઇ,લોકોને આનંદ ઉપજાવો.જ્યાં સુધી લોક-દૃષ્ટિમાં અધિકારી થવા-રૂપ લૌકિક વિચાર બરાબર સિદ્ધ થયો નથી,ત્યાં સુધી યોગી-પુરુષને નિર્મળ એવું સમાધિ-પણું ઘટતું નથી,માટે તમે કેટલોએક સમય ક્ષય થવાના સ્વભાવવાળા રાજ્ય આદિ વિષયોનો અનુભવ કરી,અને દેવતાઓના કાર્ય-રૂપ ભારને ઉતારી નાખી,
તે પછી ભલે સમાધિનું સેવન કરો અને સુખી થાઓ.

વાલ્મીકિ કહે છે કે-ઉપર પ્રમાણે વસિષ્ઠના કહેવા છતાં,શ્રીરામ પરબ્રહ્મમાં લય પામી જવાને લીધે
કશું પણ બોલ્યા નહિ,ત્યારે વસિષ્ઠ-ઋષિએ ધીરેથી સુષુમણાનાડી દ્વારા તેમના હૃદયમાં પ્રવેશ કર્યો.
ત્યારે એ જીવ-પ્રાણ (શ્રીરામ)
પ્રથમ,આધાર-શક્તિ (પ્રાણ-આદિ સર્વના બીજ-રૂપ) માં,પછી પ્રાણોમાં,
પછી ચિત્તમાં ચિદાભાસ-રૂપે, (પ્રકાશ-રૂપ-એ જીવ-પ્રાણ) સર્વ નાડીઓના છિદ્રોમાં પ્રવેશ કરી,
જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય એ બંનેને સારી રીતે પુષ્ટ બનાવી દઈ,
ધીરેથી નેત્રો ઉઘાડી,બહાર સર્વ મહર્ષિઓના દર્શન કરી,
પોતે કૃતકૃત્યતાથી (સર્વ કામનાઓ રહિત અને કાર્ય-અકાર્ય સંબંધી ચિંતાથી પણ રહિત હોવાને લીધે)
"હવે આગળ આ સર્વ મને શું કહેશે?" એવી રાહ જોઇને (શ્રીરામનો પ્રાણ) સ્થિર થઈને રહ્યો.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE