Jul 20, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-863

વિશ્વામિત્ર કહે છે કે-પછી,શ્રીરામચંદ્રજી,સીતાજીનું હરણ થવાથી,થનારા શોક-મોહ-આદિ ભાવોને બતાવવાને બહાને અને,રાવણનો વધ કરીને,સર્વને બોધ આપશે.ત્યાર બાદ, રાવણ સાથેના યુદ્ધમાં પોતાને સાથ આપનારા,પણ યુદ્ધમાં શહીદ થયેલા વાનરોને ફરીવાર જીવતા કરશે.
પોતે જીવનમુક્ત અને નિસ્પૃહ છતાં "કર્મ-માર્ગના અધિકારી પુરુષોની કર્મ વડે જ શુભ ગતિ છે"
એવું બતાવવા કર્મકાંડમાં પારાયણ થશે.તથા "કર્મ અને ઉપાસના" એ બંનેના અધિકારી પુરુષને બ્રહ્મલોક-આદિની  ગતિ બતાવવાને પોતે પણ એ બંનેનું અનુષ્ઠાન કરશે.

જેઓને એમનાં દર્શન થશે,જેઓના કાન પર -તેમની કથા દ્વારા કે તેમના કીર્તન દ્વારા,તેમનું શ્રવણ થશે,જેઓ શ્રીરામ-ચરિતનો કથા દ્વારા કે કીર્તન દ્વારા લોકોને બોધ આપશે,
તેવા સર્વ-અવસ્થામાં રામચંદ્રજીને અનુસરનારા ભક્ત લોકોને,રામચંદ્રજી પોતે મુક્તિ આપશે.

ઉપર કહ્યા મુજબ,મહાત્મા રામચંદ્રજીએ ત્રણે લોકનું અને મારું હિત કરવાનું છે.
હે સભાસદો,આ રામચંદ્રજીને તમે નમસ્કાર કરો,માત્ર એટલાથી જ તમારે જે શત્રુ-રૂપ અજ્ઞાન જીતવાનું છે
તે જીતાઈ જ ગયેલું સમજો.અને તમારામાંથી કોઈ,ધીર-વીર પુરુષ આ રામચંદ્રજીની જેમ જીવનમુક્ત અને
અને ઘણાકાળ સુધી નિર્વિકલ્પ સમાધિમાં શાંતિ પામીને સુખની વૃદ્ધિને પ્રાપ્ત થાઓ.

વાલ્મીકિ કહે છે કે-એ પ્રમાણે વિશ્વામિત્રના મુખેથી શ્રીરામચંદ્રજી (ભવિષ્યના) ચરિત્રની કથા સાંભળી,
વસિષ્ઠજી અને બીજા સિદ્ધ પુરુષો રામચંદ્રજીને નમસ્કાર કરી તેમનામાં શ્રદ્ધાવાન બની ગયા.
તે સર્વેને વિશ્વામિત્રની એટલી જ કથાથી સંતોષ થયો નહિ.એટલે, વિશ્વામિત્રને વધુ પૂછવા લાગ્યા.

વસિષ્ઠ કહે છે કે-હે વિશ્વામિત્રઋષિ,રઘુકુળમાં અવતરેલા અને કમળ જેવાં સુંદર નેત્રો-વાળા,
શ્રીરામચંદ્રજી,આ જન્મ પહેલાં કોણ હતાં?કોઈ દેવ હતા કે મનુષ્ય હતા? તે આપ કહો.

વિશ્વામિત્ર કહે છે કે-આ જે વાત હું કહું છું તેમાં તમે અતિ વિશ્વાસ રાખજો.શ્રીરામચંદ્રજી,પરમપુરુષ ભગવાન છે,
કે જેમણે જગતના માટે ક્ષીરસાગર વલોવ્યો હતો.ગંભીર ઉપનિષદો જેમને"પ્રમાણ-રૂપે" વર્ણવે છે
તેવા તે,પરિપૂર્ણ આનંદ-સ્વ-રૂપ છે અને સર્વત્ર સમાન-રૂપે રહેલા છે.
એ રામચંદ્રજીને જો સારી ભક્તિ વડે પ્રસન્ન કરવામાં આવે તો-સર્વ પ્રાણીઓને એ તેમના  પુરુષાર્થો પ્રમાણે
ફળ આપે છે અને તે જો કોપ પામે તો સંહાર કરી દે છે.

આ સર્વ દૃશ્ય પદાર્થો તેમના જ રચેલા છે,જગતના આદિ-પુરુષ (જગતને ઉત્પન્ન કરનારા)
અને મહાત્મા પુરુષોના એ પરમ-પ્રિય સહાયક છે.
અંદર નિઃસાર છતાં ઉપરથી કોમળતાવાળા સંસાર-રૂપી ધુતારાના પંજામાં નહિ ફસાયેલા,
વીતરાગ પુરુષો,જે આનંદ-રૂપી સમુદ્રમાં પ્રવેશ કરે છે,તેવા આ શ્રીરામચંદ્રજી પોતે જ છે.
પરમ-પુરુષ એવા તે,કોઈ વખતે જ્ઞાન વડે મુક્ત થયાની જેમ,પોતાના સ્વ-રૂપમાં સ્થિર થઈને રહે છે,
કોઈ વખતનિત્ય-મુક્તની જેમ તુરીય-પદમાં શાંતિ લે છે,કોઈ વખત માયાના નિયંતા-રૂપે થઇ રહે છે,
તો કોઈ વખત માયાની અંદર બંધાઈ રહ્યાની જેમ જણાય છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE