Jul 25, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-868

વસિષ્ઠ કહે છે કે-સંક્ષેપમાં માત્ર એટલું જ કહેવાનું છે કે-
સંકલ્પ થવો એ મનને બંધનમાં નાખનાર છે.અને સંકલ્પ ના થવો તે મુક્ત-પણું છે.
અહી કોઈ કાળે કે કોઈ સ્થળે,કંઈ કરવાનું કે ત્યાગ કરવાનું છે જ નહિ.
સર્વ,જન્મ-રહિત,શાંત અને અનંત-પરબ્રહ્મ-રૂપ જ છે માટે તે સ્વરૂપમાં જ તમે રહો.
કોઈ પણ જાતનો સંકલ્પ જ ના થવા દેવો તેને વિદ્વાનો "યોગ" કહે છે,કે જે સ્વાભવિક રીતે જ
ચિત્તનો નાશ કરનાર છે,માટે તમે અત્યંત તન્મય થઇ,જેવા હમણાં છો તેવા જ ભલે રહો.

સર્વત્ર સમાન રીતે રહેલા,શાંત,સુખ-રૂપ,સૂક્ષ્મ,દ્વૈત-અદ્વૈત ભાવથી રહિત,
સર્વ-વ્યાપી,અનંત અને શુદ્ધ-પરબ્રહ્મમાં શું અને શાથી ખેદ પામવાનું છે?
જેમ મરુભૂમિ (રણ)માં જળ ના હોઅવાને લીધે અંકુર જ થતો નથી,
તેમ,તમારામાં સંકલ્પનો ઉદય ના થાઓ,કે તમારામાં ઇચ્છાઓ પ્રગટ ના થાઓ.

જે પુરુષ સંકલ્પ-રહિત શાંત બ્રહ્મ-રૂપ જ છે,તે જીવતો હોય ત્યારે કે વિદેહમુક્ત થયા ત્યારે,પણ તેને
લોક-સંબંધી કે વેદ-સંબંધી કર્મ કરવાથી કે ના કરવાથી,આ લોક કે પરલોક સંબંધી કશું પ્રયોજન રહેતું નથી.
કેમ કે તમે જે નિરંતર "આત્મ-દૃષ્ટિ" એ સર્વત્ર અભેદ-રૂપે રહ્યા છો,આત્મા-રૂપ છો,
તે હમણાં પ્રાતિભાસિક કર્મ કરવા-રૂપે દેખાવ છો,પરંતુ ખરી રીતે તમારામાં કર્મ-પણું છે જ નહિ.
આ પ્રમાણે તમે માત્ર આભાસ-રૂપે,કર્તા તરીકે દેખાઓ છો,પણ સત્ય રૂપે તે કર્તા-પણું છે જ નહિ.

દેહાદિકમાં "આ હું અને આ મારું" એવો સંકલ્પ જ્યાં સુધી સ્ફૂર્યા કરશે,ત્યાં સુધી તમે કદી પણ આ સંસાર-રૂપી દુઃખમાંથી મુક્ત થવાના નથી.અને જો તેવા સંકલ્પથી રહિત થઇ જશો તો દુઃખમાંથી મુક્ત થઇ જશો.
હવે આ બંને વાતમાં જે તમારા મનમાં રુચતી હોય તેનો તમે આશ્રય કરો.
"હું અને મારું" એ તત્વ-દૃષ્ટિથી જોતાં-છે જ નહિ અને જો કંઈ છે તો તે સર્વ પરિપૂર્ણ રીતે પરમાત્મા-રૂપ જ છે.

(૨) જગતનું બ્રહ્મમયપણું અને કર્મબીજ નાશ

વસિષ્ઠ કહે છે કે-આ જગત,દ્વિત્વ-એકત્વ-આદિ સંકલ્પોથી રહિત અને શાંત પરમાત્મા-રૂપે જ પોતાના પારમાર્થિક સ્વ-રૂપમાં રહેલું છે.જેમ ગારામાંથી (ભીની ચીકણી માટીમાંથી) બનાવેલી સેના (રમકડાં)
એ ગારા-રૂપ જ છે,તેમ પરમાત્મામાં કલ્પાયેલું આ જગત પરમાત્મા-રૂપ જ છે.
કાળ,આકાર,ક્રિયા,નામ,શક્તિ અને રચના-એ સર્વની સાથે મન-બુદ્ધિ-અહંકાર-ચિત્ત -આદિ પણ,
પરમાત્મા-રૂપ છે.બહાર રૂપ-આદિનો અનુભવ થવો,અને મનની અંદર વિકલ્પો થવા,
તથા,ગ્રહણ કરવું અને છોડી દેવું- વગેરે માનસિક કર્મો-પણ પરમાત્મા-રૂપ જ છે.  

દૃષ્ટા,દર્શન અને દૃશ્ય-એ ત્રિપુટી-રૂપમાં પરમાત્મા જ દેખાવમાં આવતા હોવાથી,
તે પણ પરમાત્મા-રૂપ અને અનંત છે.માટે "હું ને મારું" જેની સત્તાથી અને જેના વિશાળ સ્વરૂપમાં દેખાય છે,
તે પરમેશ્વર જ સર્વના સાર-રૂપ છે,તે વિના બીજું કશું સાર-રૂપ નથી,તેથી તમે કોઈ વિષયમાં આસક્તિથી
બુદ્ધિને નહિ બાંધતા,નિઃ'સંકલ્પ અને મન-વાણી આદિની ચેષ્ટાથી રહિત થઈને રહો.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE